Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

પોરબંદરની સરકારી હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ નગર સેવિકાને દાખલ કરવા તેના પતિ દ્વારા ડોકટરો સાથે અભદ્રવર્તન...?

હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી ન હોય તેવો જવાબ આપતા નગર સેવિકાના પતિએ પોતાને ભાજપના અગ્રણી કહેડાવીને તમામ મર્યાદાઓ મુકી હોસ્પિટલમાં બબાલ મચાવી દીધી..?

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૧ :  ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ગઇકાલે એક કોરોના પોઝીટીવ નગર સેવિકાને દાખલ કરવા આવેલા તેના પતિએ હોસ્પિટલમાં બબાલ મચાવીને ડોકટરોને મનફાવે તેમ અપશબ્દો બોલી અભદ્રવર્તન કર્યાના બનાવે ચર્ચા જગાવી છે.

ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ગઇકાલે રાત્રે એક નગરસેવિકાનો કોરોના પોઝીટીવ રીપોર્ટ હોય તેમને દાખલ કરવા નગરસેવિકાના પતિએ ડોકટરોને કહયુ હતુ. ત્યારે ડોકટરો હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી ન હોય નગરસેવિકાનેદાખલ કરવાની મજબુરીથી ના પાડતા નગરસેવિકાના પતિ પોતાને ભાજપના અગ્રણી કહેડાવીને ડોકટરોને મનફાવે તેમ ગાળો આપી અભદ્ર વર્તન કરી બબાલ મચાવી દીધી હતી. નગર સેવિકાના પતિએ પોતે રાજકીય પ્રેશર લાવશે  તેવી ધમકી આપી ડોકટરોમાં ફફડાટ ફેલાવી દીધો હતો.

નગરસેવિકાના પતિએ હોસ્પિટલમાં બબાલ મચાવવા તમામ મર્યાદાઓ તોડી નાખીને ડોકટરો સાથે અભદ્ર અસભ્યતાથી વર્તનથી ત્રાસી જઇને ડોકટરો પોતે હોસ્પિટલમાંથી રાજીનામા ધરી દેશે તેવુ જણાવ્યાની ચર્ચા થઇ રહી છે.

શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મર્યાદીત સંખ્યામાં ડોકટરો કોરોનાની સારવાર કરે છે. તયારે સરકારી હોસ્પિટલમાં ડોકટરો રાજીનામા ધરી દયે તો શહેરમાં કોરોના બેકાબુ અને કોરોનાથી મૃત્યુ વધી શકે તેવી ચર્ચા પણ હોસ્પિટલમાં લોકો કરતા હતાં.

(12:50 pm IST)