Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

કચ્છમાં બેડ, ઈન્જે., ઓક્સિજનના ડચકાં વચ્ચે રાજ્યમંત્રી આહીર આરોગ્ય સેવાઓથી સંતુષ્ટ

*કોરોનાના કહેર વચ્ચે વધુ એક વાર કચ્છના લોકોને 'વાયદાઓના ઓક્સિજન' અપાયા, સારવારના અભાવે લોકોના નીપજતાં મોત અંગે પત્રકારોના અણિયાળા સવાલો વચ્ચે રાજ્યમંત્રી અને કલેકટર તંત્ર મૌન

(વિનોદ ગાલા દ્વારા)(ભુજ) કચ્છમાં કોરોનાએ મચાવેલા કોહરામ વચ્ચે વધતાં જતાં મોતના તાંડવ અને સારવારના અભાવથી લોકો ભયથી ફફડી રહ્યા છે. પણ, રાજ્ય સરકારમાં કચ્છનું પ્રતિનિધિત્વ કરતાં રાજ્યમંત્રી વાસણભાઈ આહીર કહે છે કે, કચ્છ જિલ્લાની આરોગ્ય સેવાઓથી તેઓ સંતુષ્ટ છે. ભુજમાં ભાજપના પદાધિકારીઓ અને તંત્ર સાથે કોરોના અંગે સમીક્ષા બેઠક યોજ્યા બાદ વાસણભાઈ આહીરે પત્રકારો સાથે કરેલ સંવાદમાં વધુ એક વાર લોકોને 'વાયદાઓનો ઓક્સિજન' આપ્યો હતો. જોકે, લોકોમાં ચર્ચાતા અણિયાળા સવાલો જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યા ત્યારે વાસણભાઈ આહીર, કચ્છના પ્રભારી જે.પી. ગુપ્તા અને ઇન્ચાર્જ કલેકટર ભવ્ય વર્મા મોટે ભાગે મૌન થઈ ગયા હતા. રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે નવા ૩૦૦૦ બેડ કચ્છમાં ઊભા કરવાની જાહેરાત કરી હતી. જોકે, ક્યાં કેટલા બેડ વધ્યા તે વિશે પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો તો સૌ મૌન થઈ ગયા હતા.  બેડ વધ્યા હોય તે સારું છે, પણ જનરલ હોસ્પિટલના દરવાજા કેમ બંધ થયા, દર્દીઓને દાખલ ન કરાયા ત્યારે એમ્બ્યુલન્સમાં બે દર્દીઓના મોત થઈ ગયા, જો, બેડ વધ્યા હોય અને ખાલી હોય તો તેની નોંધ રોજે રોજ હોસ્પિટલ ના નામ અને ખાલી બેડ સાથે પ્રસિદ્ધ થવી જોઈએ. કચ્છમાં નવા પાંચ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરી આત્મનિર્ભર બનવાની જાહેરાત કરાયા બાદ પત્રકારોએ ત્રણ ઓક્સિજન કંપનીઓના કાળાબજાર કરવાની નામ જોગ ફરિયાદ કરાઈ હોવાનું અને કચ્છમાંથી ઑક્સિજન બહાર મોકલી દેવાયો હોવાનું કહ્યું તો તપાસની વાત કરી વાસ્તવિકતાને ટાળી દેવા પ્રયાસ કરાયો. ૮૦ વેન્ટિલેટર આવી ગયાની ફરી જાહેરાત કરાઈ, રેમડેસીવીર ઈન્જેકશન માટે મોટી મોટી વાતો વચ્ચે દર્દીઓને વેન્ટિલેટર બેડ નં મળતાં હોવાનું અને ફરી ઈન્જેકશન માટે લાંબી લાઈનો લાગતી હોવાના પત્રકારોના પ્રશ્નો પછી પરિસ્થિતિ સુધારવાની કબૂલાત કરી અન્ય હોસ્પિટલોને વેન્ટિલેટર લોન પર આપવાની તેમ જ ઈન્જેકશન માટેની પ્રક્રિયા સરળ બનાવવાની હૈયાધારણ અપાઈ હતી. જોકે, કચ્છમાં બેડ, ઈન્જેકશન અને ઓકિસજનની વ્યવસ્થા ડચકાં ખાય છે, એ વાસ્તવિકતા છે. હોસ્પિટલોમાં ઑક્સિજનના અભાવે એક પણ દર્દીઓના થયા નથી એવું રાજ્યમંત્રી વાસણભાઈ અને કચ્છનું તંત્ર કહે છે, પણ ઓક્સિજનના અભાવે કચ્છમાં મૃત્યુ પામનારાઓ વધ્યા છે. ખાનગી હોસ્પિટલો ઑક્સિજન માટે હાથ ઊંચા કરી દે છે. સ્વૈચ્છિક સંસ્થાઓ કહે છે કે ઑક્સિજન મળતો નથી. ત્યારે, બધું જ બરાબર છે અને કોરોનાના દર્દીઓને કોઈ મુશ્કેલી નથી તો ખુદ વાસણભાઈએ પોતાના ફેસબુક પેજમાં રાજ્યમંત્રી હોવા છતાંયે ઘણી વાર આરોગ્ય સેવાની ત્રુટિઓ વચ્ચે દર્દીઓને ઉપયોગી ન થઈ શકવા બદલ માફી પણ માંગી છે. તો, પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ સરકારને કોરોનાના કહેરથી બચાવવા માંગણી કરતો પત્ર પણ લખ્યો છે. સરકાર અને તંત્ર આપત્તિની પરિસ્થિતિમાં પ્રજાને મદદ કરે તે તેમની ફરજ છે, સરકારની આ ફરજમાં લોકો સ્વૈચ્છિક દાન આપી, સેવાભાવી સંસ્થાઓ સરકાર સાથે મળી સુવિધા ઊભી કરવાની જવાબદારી નિભાવે છે.

(10:32 am IST)