Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

વાહ રાજકોટઃ ૭૪ બાંધકામ સાઇટોના મજુરોને ખોરાકની વ્યવસ્થા કરાવી દેવાઇઃ ત્રણ જગ્યાએ ટી.પી.વિભાગે કરાવી

બાંધકામ સાઇટોના મજુરો ભુખ્યા નથી રહેતાને? ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ.ડી.સાગઠીયા દ્વારા કરાવાયો સર્વે

રાજકોટ, તા., ૩૦: વર્તમાન લોકડાઉનની સ્થિતિમાં ગરીબ અને મજુર લોકો ભુખ્યા ન રહે તે માટે રાજય સરકાર અને સ્થાનીક વહીવટી તંત્રો સતત ચિંતીત છે. આથી રાજય સરકારનાં આદેશથી ખાસ કરીને શહેરની બાંધકામ સાઇટો ઉપર વસવાટ કરતા઼ મજુરો માટે ખોરાક -ભોજનની વ્યવસ્થા છે કે કેમ ? તેનો સર્વે કરાવી અને જયાં મજુરોને ભોજનની વ્યવસ્થા નથી ત્યાં આવી વ્યવસ્થા કરાવવાનો આદેશ કરાયો છે. જેના પગલે ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા શહેરની ૭૭ બાંધકામ સાઇટોનો સર્વે કરાવતા માત્ર ત્રણ સાઇટોનાં મજુરો માટે વ્યવસ્થા ન હતી. તેઓને ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ભોજનની વ્યવસ્થા કરાવી દેવામાં આવી હતી.

આ અંગે ટાઉન પ્લાનીંગ વિભાગની યાદીમાં જણાવાયા મુજબ હાલ સમગ્ર દેશમાં નોવેલ કોરોના વાયરસ કે જેને વૈશ્વીક મહામારી જાહેર કરવામાં આવેલ છે તથા હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા ભારત સરકાર દ્વારા ર૧ દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે તેવા સમયે કમિશ્નરશ્રીની આજ્ઞાનુસાર રાજકોટ મહાનગર પાલીકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ શહેરનાં ૧ થી ૧૮ વોર્ડમાં ચાલતી ૭૭ જેટલી બાંધકામ સાઇટોનો સ્થળ ઉપર જઇને મજુરોને પુછપરછ કરી તેઓ પાસે રાશન અને ભોજનની વ્યવસ્થા છે કે કેમ? તેનો સર્વે કરવામાં આવ્યો હતો.

આ સર્વે દરમિયાન ૭૪ બાંધકામ સાઇટોનાં મજુરો પાસે ભોજનની પુરતી વ્યવસ્થા હોવાનું જણાવ્યું હતું.

જયારે વોર્ડ નં. ૧૧નાં મધુરમ, ગોવિંદ પાર્ક-ર, નાનામૌવા રોડ તથા પ આફ્રિકા કોલોની, ૧પ૦ ફુટ રીંગ રોડ અને વોર્ડ નં. ૧પમાં એ.પી.એન્જીનીયરીંગ એમ માત્ર ત્રણ બાંધકામ સાઇટોના મજુરો પાસે થી ભોજનની વ્યવસ્થા નહી હોવાથી આ ત્રણેય સ્થળોએ મજુરો માટે ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવેલ.

આમ રાજકોટવાસીઓ દ્વારા કોઇ પણ આફતમાં મદદરૂપ થવાની અનેરો સેવાયજ્ઞ વર્તમાન લોક ડાઉનની સ્થિતિમાં પણ જળવાઇ રહયો છે અને મજુરો માટે બિલ્ડરો, સેવાભાવી સંસ્થાઓ, દાતાઓ દ્વારા ભોજનની વ્યવસ્થા તંત્ર પહોંચે તે પહેલા જ કરી દીધી હોવાનું આ સર્વેમાં પ્રતિત થયું છે.

(4:23 pm IST)