Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કોરોના સામે કેન્દ્ર અને રાજય સરકારે સીધો જ મોરચો માંડયોઃ પ્રજાલક્ષી તાબડતોડ નિર્ણયો લીધા

પોલીસને વીમાકવચ અને ખેડૂતોને ખેતરમાં જવાની છૂટ આપી એ અગત્યના પગલાઃ સરકાર- તંત્રને સહયોગ આપવા રાજુભાઈ ધ્રુવની અપિલ

રાજકોટ તા.૩૦: કોરોના વાયરસની મહામારીને કારણે ઉદ્દભવેલી સંકટભરી સ્થિતિમાં ઘરની બહાર નીકળતા સ્થાનિકો તેમજ પોતાના વતન તરફ હિજરત કરી રહેલા પરપ્રાંતીય લોકોની વચ્ચે જઈ તેમને સંપૂર્ણપણે લોકડાઉન પાળવાનું સૂચન આપી જરૂરી સેવાકાર્ય કરી રહેલા ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, અન્ય રાજયોની સરખામણીએ ગુજરાતની સ્થિતિ સારી છે.

ગુજરાતમાં આપણે સૌ સુખી-સલામત છીએ  કારણ કે રાજયનાં યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાત દિવસ જોયા વગર ની આયોજનબદ્ઘ કામગીરી કરી તે છે. ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીને વધુ પ્રમાણમાં ફેલાતી રોકવા અને તેમના પર કાબુ મેળવવા રાજય સરકાર ખૂબ જ સુંદર કામગીરી કરી રહી છે એવા સમયે આપણે સૌએ સાથે મળી સરકારીની ટિકા-ટિપ્પણી કરવાની જગ્યાએ ટેકો આપવો જોઈએ.

આપણે સૌએ જોયું કે કેવી રીતે કોરોના વાયરસના કારણે અસરગ્રસ્તોને મદદ હેતુ વિજયભાઈ રૂપાણીની એક અપ્રીલે ગુજરાતભરમાંથી દાનની સરવાણી વહી અને ત્રણ દિવસમાં ૩૫૦૦ જેટલા લોકોએ તથા સંસ્થાઓએ કરોડો રૂપિયાનું દાન આપ્યું. ગુજરાતમાંથી વિવિધ મંદિરો, ધાર્મિક - શૈક્ષણિક - સેવાભાવી ટ્રસ્ટ, સમાજસેવી સંસ્થાઓ, અધિકારીઓ, કર્મચારીઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો, કોર્પોરેટરો સહિત અનેક લોકો સરકારને વિવિધ પ્રકારે સાથ-સહકાર આપી રહ્યાં છે. તેથી જ કોરોનાની કટોકટીભરી સ્થિતિ માં કોઈપણ સંજોગોમાં આ મહામારીને પહોંચી વળવા આપણી પ્રજા-પ્રશાસન સક્ષમ-શકિતશાળી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના વાયરસની વર્તમાન સ્થિતિમાં જાહેર થયેલા ર૧ દિવસનાં લોકડાઉન દરમિયાન નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સરળતાથી મળે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી જિલ્લા કલેકટર, પોલીસતંત્ર અને પુરવઠા અધિકારીઓને, વહિવટીતંત્રોને ખાસ સૂચનાઓ આપી છે. હાલ રાજય-દેશમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરતા પ્રમાણમાં છે.

રાજયમાં સૌ નાગરિકોને દૂધ, શાકભાજી, ફળફળાદી, અનાજ, કરિયાણું સુચારૂ રીતે હાલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થઈ રહ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અન્ય કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણય ખેડૂતો, વૃદ્ઘો, નિરાધારો, વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, ગરીબો અને સામાન્ય - મધ્યમ વર્ગનાં નાગરિકોનાં વ્યાપક હિતમાં કર્યા છે. રાજયના ધરતીપુત્રોને પોતાના પાક લેવા-વેંચવા માટે છૂટછાટ આપવામાં આવી છે. તેઓ પોતાનો પાક સીધો જ બજારમાં આવી વહેંચી શકશે.

આ સિવાય મુખ્યમંત્રીએ કોરોના વાયરસને પગલે જાહેર થયેલ લોકડાઉનની સ્થિતિમાં આશ્રમશાળાઓ, સમરસ હોસ્ટલ, દિવ્યાંગ છાત્રાલયો અને બાળ સંરક્ષણ ગૃહમાં રહેતા બાળકો જેઓ પોતાના ઘેર ચાલ્યા ગયા છે તેવા ૩.૨૫ લાખ વિદ્યાર્થીઓને એપ્રિલ માસનાં ખર્ચ પેટે વિદ્યાર્થીદીઠ રૂ. ૧૫૦૦ની સહાય આપવાની જાહેરાત કરી છે. સાથે જ દિવ્યાંગ છાત્રાલયમાં રહેતા અને અભ્યાસ કરતા અને ઘરે જતા રહેલા ૧૧ હજાર દિવ્યાંગ બાળકોને પણ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતિમાં એપ્રિલ મહિનામાં ૧૫૦૦ રૂપિયાની સહાય રૂપાણી સરકાર કરશે. જે રકમ બાળકોનાં વાલીઓનાં ખાતામાં સીધી જમા કરવામાં આવશે.

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આઠ મહાનગરોમાં એકલા વસવાટ કરતા નિઃસહાય વૃદ્ઘ વડિલો અને નિરાધાર વ્યકિતઓને ઘેર બેઠા વિનામૂલ્યે ભોજન આપવાનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરોમાં ઘરે એકલા રહેતા હોય અને ટિફિન મંગાવી ભોજન કરતા હોય તેવા નિઃસહાય વૃદ્ઘ વડિલોને અને નિરાધાર વ્યકિતઓને ઘરે બેઠા વિનામૂલ્યે ભોજન સેવા શરૂ કરવામાં આવી છે.

ગાંધીનગરમાં ૨૪*૭ સેન્ટ્રલાઈઝડ કંટ્રોલ રૂમ બનાવાયો છે જેમાં નાગરિકો ગમે ત્યારે કોલ કરી શકશે. હેલ્પલાઈન નંબર ૧૦૪, ૧૦૭૦નો સંપર્ક સાધવાથી મદદ-વ્યવસ્થા કરાશે. અલબત્ત ગરીબ-મધ્યમ વર્ગની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખું સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી એક મહિના માટે ઓફ લાઈન પદ્ઘતિએ નિશુલ્ક રાશન-અનાજ આપવાનો સંવેદનશીલ નિર્ણય પણ ભાજપ સરકારે લીધો છે. અન્ય રાજયોમાં લોકડાઉનની સ્થિતિમાં સ્થગિત થઈ ગયેલા ગુજરાતી યાત્રિકો મુસાફરો માટે જે તે રાજયમાં આવાસ-ભોજન વ્યવસ્થામાં રાજય સરકાર સહાય સંકલન કરવામાં આવી રહ્યું છે.

આટલું જ નહીં પરંતુ પીજીવીસીએલ નાં માર્ચ-એપ્રિલ મહિનાના તમામ વપરાશકારોનાં વીજ બીલ ૧પમી મે સુધી ભરી શકશે. નાના-મોટા ઉદ્યોગો તેમજ વેપારી એકમોને જીઈબીનાં એપ્રિલ મહિનાનાં વીજ બીલમાં ફિકસ ચાર્જ નહીં લેવાય. જો બીલ નિયમિત ન ભરાય તો પેનલ્ટી કે કનેકશન કાપી નાખવાની બાબત પણ મોકૂફ રાખવામાં આવી છે.

આપણે સૌ જોઈએ-જાણીએ છીએ કે, લોકડાઉનનો કડક અમલ કરાવવામાં સુરક્ષા અને આરોગ્ય વિભાગનાં મોટામાં મોટા અધિકારિઓથી લઈ નાનામાં નાના કર્મચારીઓ દિવસ-રાત પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે તેથી રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ મોટી જાહેરાત કરી છે કે કોરોનાના સર્તકમાં ફરજ પર હાજર રહેલા આરોગ્ય અને પોલીસ વિભાગનાં કર્મચારી ની જાનહાની ના સંજોગોમાં રાજય સરકાર તરફથી તેમના પરિવારને ૨૫ લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે એવો નિર્ણય પણ કરાયો છે.

તે સિવાય કોરોના વાયરસ અને પોઝિટીવ કેસોનો ગ્રાફ વધે તો માત્ર ૪ મહાનગરોમાં નહીં, દરેક જિલ્લામાં ૧૦૦ બેડ અને વેન્ટીલેશનની સુવિધાવાળી હોસ્પિટલ ઉભી કરવામાં આવશે જેની પણ સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સી.એમ. ડેશબોર્ડથી લઈ સોશિયલ મીડિયાનાં માધ્યમ દ્વારા સમગ્ર તંત્ર સાથે બેઠકો વીડિયો-ઓડિયો કોન્ફરન્સ મારફતે સમગ્ર સ્થિતિનો પળેપળનો ચિતાર મેળવી એક પછી એક જરૂરી પગલાઓ ભરી રહ્યાં છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં સમગ્ર દેશ કોરોનાની મહામારી સામે લડત ચલાવી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના નેતૃત્વ માં ગુજરાત ભાજપ સરકાર પણ ગુજરાતને કોરોના મુકત કરવા સંકલ્પબદ્ઘ છે. આવો આપણે સૌ સાથે મળી તેમને સાથ-સહકાર આપીએ એવું જણાવતા રાજુભાઈ ધ્રુવે અંતમાં કોરોના વાઈરસ સામે લડવા અને લોકડાઉનની સ્થિતિમાં સ્વયંશિસ્ત સાથે નિયમો નું પાલન કરી સરકાર-તંત્ર ને સાથ-સહકાર આપવા અનુરોધ કર્યો છે.

(3:55 pm IST)