Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

રાજકોટમાં અનાજ મસાલા દળવાની મીલો સવારે ૮ થી બપોરે ૨ સુધી જ ખુલ્લી રહેશે

રાજકોટ ફલોરમીલ એસોસીએશન દ્વારા સરકારને સહયોગની પૂરી ખાતરીઃ મીલ માલિકો ભાવ વધુ લેતા હશે કે મીલ પર ૪થી વધુ વ્યકિતઓ એકત્રિત થયાની ફરીયાદ આવશે તો એસોસીએશન દ્વારા કાયદેસરની કાર્યવાહી

રાજકોટ, તા. ૩૦ : રાજકોટ ફલોરમીલ એસોસીએશનની યાદી જણાવે છે કે કોરોના વાયરસ ફેલાતો અટકાવવા સમગ્ર ગુજરાત રાજયમાં ૨૧ દિવસનો લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે ત્યારે રાજકોટ ફલોર મીલ એસોસીએશન પણ આ લોકડાઉનને સફળ બનાવવા સરકારશ્રીને સમર્થન આપવા પૂરો સહકાર આપશે. લોકડાઉન દરમિયાન રાજકોટ ફલોરમીલ એસોસીએશન એ નિર્ણય લીધો છે કે તા.૩૦ માર્ચથી તા.૧૫ સુધી અનાજ મસાલા દળવાની મીલો સવાર ૮ થી બપોરે ૨ સુધી જ ખુલ્લી રાખવામાં આવશે તેમજ આ સમયનો અમલ સરકારશ્રીનો બીજો કોઈ આદેશ ન આવે ત્યાં સુધી કરવામાં આવશે.

રાજકોટ ફલોરમીલ એસોસીએશએ જાહેર કરેલ સમય દરમિયાન ગ્રાહકો સમયસર પોતાનું અનાજ મસાલા દળાવવા આવે તેવી વિનંતી કરાઈ છે. અનાજ મસાલા દળવાનું કામ - કાજ બપોર ૨ પછી સદંતર બંધ થઈ જશે. જે મીલ ધારકો બપોરે ૨ વાગ્યા પછી મીલ ખુલ્લી રાખશે તો તેની સામે પોલીસ ફરીયાદ સુધીના તેમજ એસોસીએશન દ્વારા મીલ સીલ કરવા સુધીના પગલા લેવામાં આવશે.

સમગ્ર જનતા તથા મીલ માલિકો તથા કારીગર વર્ગનું વિશેષ ધ્યાન દોરવામાં આવે છે કે હાલમાં ઉભી થયેલી પરિસ્થિતિને કોઈપણ સંજોગોમાં નાથવાની છે. જેમાં સરકારશ્રીની સુચનાનું ચુસ્તપણે પાલન કરવુ અત્યંત જરૂરી હોય તેની ગંભીરતા સર્વે ધ્યાને લેવી. લોકડાઉન દરમિયાન મીલ માલિક દ્વારા ભાવપત્રક ઉપરાંત વધુ ભાવ લેવાની તથા મીલ પર ૪થી વધુ માણસો ભેગા કરવાની જો ફરીયાદ આવશે તો એસોસીએશન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સરકારશ્રી દ્વારા એસોસીએશનને આપવામાં આવેલ કાર્ડનો ઉપયોગ પણ જાહેર કરેલ સમય એટલે કે સવાર ૮ થી બપોરે ૨ સુધી માજ કરી શકાશે. તેમજ એસોસીએશન દ્વારા ફરીયાદ સેલ ઉભો કરવામાં આવેલ છે. જો કોઈપણ મીલ ધારક દ્વારા બપોરના ૨ પછી મીલ ખુલ્લી રાખવામાં આવશે તો તેની ફરીયાદ માટે એસોસીએશનના પ્રમુખ, ઉપપ્રમુખ તથા અધ્યક્ષશ્રીનો સંપર્ક કરવાનો રહેશે. મો.૯૮૨૫૬ ૮૭૮૨૨ બપોરે ૨ વાગ્યા પછી એસોસીએશન તેમજ પોલીસ દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે. તેમજ લોકડાઉનનો ભંગ કરનાર સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની દરેક મીલ માલિકોએ નોંધ લેવા એસો.ના પ્રમુખશ્રીની યાદીના અંતમાં જણાવાયુ છે.

(11:40 am IST)