Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

મવડી-વાવડીમાં ૪ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવતું તંત્ર

દુકાન-ઓરડી-કમ્પાઉન્ડ વોલ -છાપરા-કારખાનાનો શેડ અને પ્લીન્થનો કડુસલોઃ કોર્પોરેશનની ૪૮.૪૭ કરોડની જમીન ખુલ્લી કરાવાઇ

રાજકોટ, તા., ૨૨: શહેરનાં મવડી અને વાવડી વિસ્તારમાં મ્યુ. કોર્પોરેશનની માલીકીના વિવિધ અનામત હેતુનાં પ્લોટમાંથી ૪ જેટલા ગેરકાયદેે બાંધકામો ઉપર ટાઉન પ્લાનીંગ શાખાએ બુલડોઝર ફેરવી દીધું હતું. આ અંગે ટાઉન પ્લાનીંગ ઓફીસરશ્રીની યાદીમાં જણાવાયું છે કે કમિશ્નર સાહેબશ્રી બંછાનીધી પાનીના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ ઓફીસર શ્રી એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગર પાલીકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે તા.રર ના રોજ વેસ્ટ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં. ૧૧ થા ૧રમાં વાવડી અને મવડી વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ટાઉન પ્લાનીંગ સ્કીમના અનામત પ્લોટમાં થયેલ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ. જેમાં ૬૬૯૬.૦૦  ચો.મી. જેટલી કુલ ૪૮.પ૮ કરોડની જમીન ખુલ્લી કરાવાઇ હતી.

જે જગ્યાએથી દબાણો દુર થયા છે તેમાં (૧) મવડી ટી.પી. ર૬ના ફાઇનલ પ્લોટનં. ૪ એની  કોમર્શીયલ હેતુની પ૦૦૦ ચો.મી. જમીનમાંથી દુકાન તોડી પડાયેલ. આ જગ્યાની કી. ૪૦ લાખ જેટલી થવા જાય છે. (ર) મવડી ટી.પી. સ્કીમને ર૧ના ફાઇનલ પ્લોટ નં.૩પ/બીમાં બગીચા હેતુની ૭૯૬ ચો.મી. જમીનમાંથી ઓરડી-કમ્પાઉન્ડ વોલ અને છાપરાને તોડી પાડી ૪.૭૭ કરોડની જમીન ખુલ્લી કરાવાયેલ. (૩) વાવડી ટી.પી. સ્કીમ નં. ૧૪નાં ફાઇનલ પ્લોટ નં. ર૬/બીની આવાસ યોજનાની અનામત જમીનમાંથી ર૦૦ ચો.મી.ની પ્લીન્થનું બાંધકામ દુર કરીને ૧ લાખની જમીન ખુલ્લી કરાવાયેલ.

વાવડી ટી.પી. સ્કીમ નં. ૧૪ના ફાઇનલ પ્લોટ નં. પ/બીની આવાસ યોજનાની અનામત જમીનમાંથી ૭૦૦ ચો.મી.નો કારખાનાનો શેડ તથા પ્લીન્થનું બાંધકામ તોડી પાડી ર.૮૦ કરોડની જમીન ખુલ્લી કરાવાયેલ.

આમ ઉકત ૪ સ્થળેથી કુલ ૪૮.પ૭ કરોડની ૬૬૯૬ ચો.મી. જમીન ખુલ્લી કરાવાયેલ.

આ ડીમોલીશનમાં વેસ્ટ ઝોન શાખાના આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર આર.એન. મકવાણા, સેન્ટ્રલ ઝોન શાખાના આસીસ્ટન્ટ ટાઉન પ્લાનરશ્રી જી.ડી.જોષી તથા ટાઉન  પ્લાનીંગ શાખાનો સ્ટાફ તથા વીજીલન્સ શાખાના પી.એસ.આઇ. ચુડાસમા તથા તેમનો સ્ટાફ, જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ તથા રોશની શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહીને ફરજ બજાવી હતી.

(3:28 pm IST)