Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ગુંદાવાડીમાં ફેર એન્ડ લવલી, લકસ શેમ્પૂ-પાવડર, લેકમે કાજલનો નકલી માલ વેંચાતો'તો!: ૪ પકડાયા

હિન્દુસ્તાન લિવર કંપનીની અલગ-અલગ કોસ્મેટિક ચીજવસ્તુઓ ૪ દૂકાનોમાંથી કબ્જેઃ કંપનીના લિગલ એડવાઇઝર બેંગ્લોરના નયનત્રા ડેમીએ કોપીરાઇટ એકટ હેઠળ ફરિયાદ નોંધાવીઃ ચાર વેપારી પાસેથી ૨૯,૧૭૬નો નકલી માલ મળ્યો

રાજકોટ તા. ૨૨: શહેરમાં અવાર-નવાર કોઇને કોઇ વેપારીઓ બ્રાન્ડેડ કંપનીઓનો નકલી માલ વેંચતા પકડાય છે. વધુ એક વખત જાણીતી કંપનીની કોસ્મેટિકની નકલી ચીજવસ્તુઓ વેંચતા વેપારીઓ ઝપટે ચડ્યા છે. ગુંદાવાડીમાં ચાર વેપારીઓ સામે કોપીરાઇટ એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. આ વેપારીઓ હિન્દુસ્તાન લિવર કંપનીની અલગ-અલગ કોસ્મેટિક ચીજવસ્તુઓ જેમ કે ફેર એન્ડ લવલી, લકસ, લેકમે કાજલ, ફાઉન્ડેશન સહિતનું વેંચાણ કરતાં હતાં.

ભકિતનગર પોલીસે આ મામલે બેંગ્લોર મેઇન થર્ડ ક્રોસ સર્વભોમનગરમાં રહેતાં અને હિન્દુસ્તાન લિવર કંપનીના લિગલ એડવાઇઝર તરીકે ફરજ બજાવતાં અને આ કંપનીની નકલી ચીજવસ્તુઓ કયાંય વેંચાતી હોઇ તો તે અંગે પોલીસ કાર્યવાહી કરાવવાનું કામ કરતાં નયનત્રા ડેવિડ ડેમી (ઉ.૩૪)ની ફરિયાદ પરથી મિલપરા-૯માં રાધેકૃષ્ણ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૮માં રહેતાં અને ગુંદાવાડી-૩માં ખોડિયાર ઇમિટેશન નામે દૂકાન ધરાવતાં સુનિલ દિપસિંહ રાજપુરોહિત (ઉ.૩૩), તથા ગુંદાવાડી-૩/૧૯માં રહેતાં અને મોૈસમી બેંગલ્સ નામે દૂકાન ધરાવતાં લલીત ચંદુલાલ મોદી (ઉ.૬૧), આનંદનગર ખોડિયાર ચોક સત્યકામ કોમ્પલેક્ષમાં રહેતાં તથા ગુંદાવાડીમાં જલારામ ક્રિએશન નામે દૂકાન ધરાવતાં અમરસિંહ ભવરસિંહ રાજપુરોહિત (ઉ.૩૪) તથા કેવડાવાડી-૧૦૧ સગુન એપાર્ટમેન્ટમાં રહેતાં અને ગુંદાવાડીમાં કિર્તી બેંગલ્સ નામે દૂકાન ધરાવતાં પ્રવિણસિંહ થાનસિંહ રાજપુરોહિત (ઉ.૨૭) સામે આઇપીસી ૪૮૬ તથા કોપીરાઇટ એકટ હેઠળ ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી હતી.

ફરિયાદીને એવી માહિતી મળી હતી કે હિન્દુસ્તાન લિવર કંપનીની નકલી કોસ્મેટિક ચીજવસ્તુઓ વેંચાતી હોવાની માહિતી મળતાં તપાસ કરી હતી અને ખરાઇ કર્યા બાદ ભકિતનગર પોલીસ ઇન્સ. વી. કે.ગઢવીને જાણ કરતાં ગઇકાલે પોલીસને સાથે રાખી ચાર દૂકાનોમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે લેકમે આઇકોનીક કાજલ, લેકમે પરફેકટ રેડિએશન કોમ્પેકટ (બ્યુટી ક્રિમ), લેકમે પાવડર, લેકમે કાજલ, સીસી પાઉડર, ફલોલેસા બેબી પાઉડર, લકસ શેમ્પૂ, ફેર એન્ડ લવલી, પોન્ડસ વ્હાઇટ બેબી ક્રીમ સહિતની નકલી કોસ્મેટિક ચીજવસ્તુઓ કબ્જે કરવામાં આવી હતી. નકલી ચીજવસ્તુઓ  કયાંથી આવતી હતી? તે અંગે તપાસ થઇ રહી છે.

(1:15 pm IST)