Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

સાસુ-સસરાએ ઢીકાપાટુ મારવાનું ચાલુ કર્યુ અને પતિએ કેરોસીન છાંટી દિવાસળી ચાંપીઃ શિલ્પાબા ઝાલાની હત્યા

બે વર્ષનો લગ્ન ગાળો, છેલ્લા એક વર્ષથી ગમતી નથી...કહી સતત ત્રાસ ગુજારાતો હોવાની ફરિયાદ : રેલનગરની ઘટનામાં હત્યાની કોશિષનો બનાવ હત્યામાં પરિણમ્યોઃ મૃતકના ભાયાવદર રહેતાં પિતા અશોકસિંહ ચુડાસમાની ફરિયાદ પરથી પતિ, સાસુ અને સસરા સામે પ્ર.નગર પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી : જમાઇને સમજાવવા રાજકોટ આવી રહેલા અશોકસિંહને રસ્તામાં દિકરી દાઝી ગયાના વાવડ મળ્યા

રાજકોટ તા. ૨૨: રેલનગર-૨ શેરી નં. ૨માં શિલ્પાબા ઝાલાને ગઇકાલે સવારે પતિ, સાસુ અને સસરાએ જીવતી સળગાવી હતી. પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યા બાદ તેણીનું સારવાર દરમિયાન મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમતાં કલમ ૩૦૨નો ઉમેરો કરાયો છે. છેલ્લા એક વર્ષથી નાની નાની વાતે ત્રણેય ત્રાસ આપી તું ગમતી નથી કહી હેરાન કરતાં હોઇ પરમ દિવસે આ પરિણીતા ગાંધીગ્રામમાં મોટા બહેનના ઘરે જતી રહી હતી. ગઇકાલે સવારે કપડા લેવા સાસરિયે આવી ત્યારે સાસુ-સસરાએ ઢીકાપાટુ મારવાનું ચાલુ કર્યુ હતું અને પતિએ કેરોસીન છાંટી કાંડી ચાંપી સળગાવી દીધી હતી. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. પ્ર.નગર પોલીસે આ બનાવ સંદર્ભે હત્યાનો ભોગ બનેલા શિલ્પાબા ઝાલાના પિતા ઉપલેટાના ભાયાવદરમાં રહેતાં અશોકસિંહ બેચુભા ચુડાસમા (ઉ.૫૧)ની ફરિયાદ પરથી શિલ્પાબાના પતિ રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, સાસુ કૈલાસબા અને સસરા મહેન્દ્રસિંહ લાલુભા ઝાલા સામે આઇપીસી ૩૦૭, ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૪૯૮ (ક) મુજબ ગુનો નોંધ્યો હતો. સારવાર દરમિયાન શિલ્પાબાએ દમ તોડી દેતાં હત્યાની કલમ ૩૦૨નો ઉમેરો કર્યો છે.

અશોકસિંહ ખેતી કરી ગુજરાન ચલાવે  છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે મારે સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. મોટી દિકરી દક્ષાબા રાજકોટ ગાંધીગ્રામ કષ્ટભંજન સોસાયટીમાં સાસરે છે. નાની દિકરી શિલ્પાબાના સવા બે વર્ષ પહેલા રાજકોટ રેલનગર-૨ શેરી નં. ૨માં રહેતાં મહેન્દ્રસિંહ લાલુભા ઝાલાના દિકરા રાજેન્દ્રસિંહ સાથે થયા હતાં. બુધવારે સવારે સાડા છએક વાગ્યે હું મારા મોટા ભાઇ ગંભીરસિંહ તથા કાકાના દિકરા ઇન્દ્રવિજયસિંહ અને મોટા બાપુના દિકરા રાજેન્દ્રસિંહ ભાયાવદરથી રાજકોટ આવવા નીકળ્યા હતાં, કારણ કે મારી દિકરી શિલ્પાબેનને બુધવારે તેના ધણી, સાસુ અને સસરાએ મારીને કાઢી મુકી હતી. જેથી તેણી મારી મોટી દિકરી દક્ષાબાના ઘરે છે તેવી વાત તેણીએ જ ફોનમાં કરી હતી. આ કારણે અમો જમાઇ રાજેન્દ્રસિંહને સમજાવવા માટે રાજકોટ આવી રહ્યા હતાં.

રસ્તામાં મોટા જમાઇ ધર્મેન્દ્રસિંહનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, 'શિલ્પાબા સવારે વહેલા ઘરેથી એકલા નીકળી તેના ઘરે રેલનગર ગયા છે અને ત્યાં દાઝી ગયા છે, તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા છે.'...આ વાત સાંભળી હું તથા મારા ભાઇ, ભત્રીજા એમ ચારેય સીધા સવારે સાડા નવેક વાગ્યે રાજકોટ સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતાં. અહિ બર્ન્સ વોર્ડમાં જતાં મારા દિકરી શિલ્પાબા દાઝેલા દેખાયા હતાં. તે ભાનમાં હોઇ તેણીએ જણાવ્યું હતું કે, 'હું સવારે છએક વાગ્યે મોટા બહેનના ઘરેથી નીકળી મારા કપડા લેવા રેલનગર ગઇ હતી. ઘરનો ડેલો ખખડાવતાં અંદરથી સાસુ અને સસરાએ ડેલો ખોલ્યો હતો અને સીધા મને ગાળો દઇ તું શું કામ ઘરે પાછી આવી તેમ કહેતાં મેં તેમને હું કપડા લેવા આવી છું તેમ કહેતાં સાસુ-સસરા મને ઢીકા-પાટુનો માર મારવા માંડ્યા હતાં. તે વખતે મારો ધણી રાજેન્દ્રસિંહ ઘરની અંદરથી કેરોસીનનું ડબલુ લઇ ડેલાની બહાર આવ્યો હતો અને મારા ઉપર છાંટીદઇ દિવાસળીથી આગ લગાડતાં હું દાઝી ગઇ છું અને ૧૦૮માં મને અહિ લાવ્યા છે.'આ રીતે મને મારી દિકરીએ વાત કરી હતી. તેણીને લગ્ન બાદ છેલ્લા એક વર્ષથી પતિ, સાસુ, સસરાનો ખુબ જ ત્રાસ હતો. નાની-નાની વાતે મેણાટોણા મારતાં હતાં. આ કારણે ઘણી વખત તેણી મારા મોટા દિકરીના ઘરે આવતી-જતી રહેતી હતી. આ હકિકતની અમને કુટુંબીજનોને ખબર હતી. પરંતુ અમે દિકરી શિલ્પાબાને સમજાવતાં હોઇ તે પરત સાસરે જતી રહેતી હતી. આ વખતે તેણીને પતિ, સાસુ, સસરાએ જીવતી સળગાવી દીધી હતી.

પ્ર.નગર પી.આઇ. એમ. બી. કાતરીયા, પીએસઆઇ આર.એન. હાથલીયા, રાઇટર એએસઆઇ સંજયભાઇ દવે, વિરભદ્રસિંહ જાડેજા સહિતે ગુનો નોંધી ત્રણેય આરોપીઓ મહેન્દ્રસિંહ લાલુભા ઝાલા (ઉ.૫૯), કૈલાસબા મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.૫૮) અને રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.૨૯)ની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. સસરા મહેન્દ્રસિંહ કોર્ટ કર્મચારી છે. તેમણે એવો બચાવ કર્યો હતો કે પોતે, પત્નિ, પુત્ર તો અંદર ઉંઘી રહ્યા હતાં. પુત્રવધૂએ તેના બહેનના ઘરેથી આવી જાતે જ અગ્નિસ્નાન કર્યુ હતું.

(11:10 am IST)