Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

હમ નહિ સુધરેંગે...બજરંગવાડીના પ્રતિપાલસિંહને ફરી વખત ગાંજા સાથે શહેર એસઓજીએ પકડ્યો

ચાર મહિના પહેલા ૬ કિલો સાથે અને હવે ૧.૯૮૯ કિ.ગ્રા. સાથે પકડાયોઃ સુરત તરફથી લાવ્યાનું રટણ : જેલમાંથી છુટ્યા બાદ લોઠડામાં પાનની કેબીન શરૂ કરી ત્યાંથી જ છુટક છુટક વેંચતો'તોઃ પી.આઇ. આર.વાય. રાવલ અને ટીમનો દરોડો

રાજકોટ તા. ૧૮: અમુક શખ્સો અલગ-અલગ ગુના સબબ પોલીસ ચોપડે ચડી જેલની હવા ખાઇ આવ્યા પછી પણ સુધરવાનું નામ લેતાં હોતા નથી. બજરંગવાડીમાં રહેતાં એક શખ્સને ચાર મહિના પહેલા શહેર એસઓજીએ ગાંજાના જથ્થા સાથે પકડતાં જેલહવાલે થયો હતો. છુટ્યા બાદ તેણે જાણે હમ નહિ સુધરેંગે...એવો સંકલ્પ કર્યો હોઇ તેમ લોઠડા ગામમાં પાનની કેબીન ચાલુ કરી તેની આડમાં ફરીથી ગાંજાની પડીકીઓ વેંચવાનું શરૂ કર્યુ હતું. આ વખતે પણ એસઓજીને બાતમી મળતાં તેને ૧.૯૮૯ કિ.ગ્રા. ગાંજા સાથે દબોચી લીધો છે. સુરત તરફથી આ માદમ પદાર્થ લાવ્યાનું તે રટણ કરી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ શહેર એસઓજી પી.આઇ. આર. વાય. રાવલ અને ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે સરધારના લોઠડા ગામના બસ સ્ટેશન પાસે એક શખ્સ હોન્ડા શાઇન બાઇક પર શંકાસ્પદ હાલતમાં નીકળતાં આ શખ્સને એસઓજીની ટીમ ઓળખી ગઇ હતી. ચારેક મહિના પહેલા એસઓજીએ જ આ શખ્સ પ્રતિપાલસિંહ ભૂપેન્દ્રસિંહ જાડેજા (ઉ.૨૧-રહે. બજરંગવાડી-૫, યોગેશ્વર)ને ૬ કિલો ગાંજા સાથે પકડ્યો હોઇ તેને અટકાવી તલાશી લેતાં તેની પાસેથી ગાંજો અને વજનકાંટો મળતાં એનડીપીએસ એકટ હેઠળ આજીડેમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવા તજવીજ કરાઇ હતી.

પંચોની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવતાં કબ્જે થયેલો ગાંજો ૧ કિલો ૯૮૯ ગ્રામ હોવાનું જણાયું હતું. જેની કિંમત રૂ. ૧૧૯૩૪ ગણવામાં આવી હતી. ગાંજો, રૂ. ૫૦ હજારનું બાઇક, રૂ. ૧૫ હજારનો મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૭૭,૦૩૪નો મુદ્દામાલ કબ્જે કરી આ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી  જયદિપસિંહ સરવૈયાએ યુવાધન માદક પદાર્થોના દૂષણમાં ન ફસાય અને આવા પદાર્થો કોઇ વેંચતા હોય તો તેને શોધી કાઢવાની સુચના આપી હોઇ તે અંતર્ગત એસઓજી પી.આઇ. આર. વાય. રાવલ અને ટીમના પીએસઆઇ એચ.એમ. રાણા, હેડકોન્સ. મનરૂપગીરી ગોસ્વામી, કોન્સ. નિખીલ પિરોજીયા, કોન્સ. હિતેષ પરમાર, નરેન્દ્રભાઇ ગઢવી અને અનિલસિંહ ગોહિલની ટીમે આ કાર્યવાહી કરી હતી.

તસ્વીરમાં ઝડપાયેલો શખ્સ પ્રતિપાલસિંહ તથા એસઓજીની ટીમ, કબ્જે થયેલુ બાઇક અને ગાંજાના બોકસ જોઇ શકાય છે. આ શખ્સ સુરત તરફથી ગાંજો લાવ્યાનું રટણ કરી રહ્યો છે. અગાઉ ગાંજા સાથે પકડાઇને જેલમાં ગયા બાદ છુટ્યા પછી આ વખતે લોઠડાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં છુટક છુટક મજૂરોને ગાંજાની પડીકીઓ વેંચવાનું શરૂ કર્યુ હતું. આ માટે લોઠડા બસ સ્ટેશન નજીક પાનનો ગલ્લો ખોલ્યો હતો. પોલીસે આ ગલ્લામાં પણ તપાસ કરી હતી. પરંતુ ત્યાંથી કંઇ મળ્યું નહોતું. આજીડેમ પોલીસ હવે આગળની તપાસ કરશે.

(3:52 pm IST)