Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

રેલ્વે પરિવારના સભ્યો જ રેલ્વેના સ્પોટ્ર્સ ગ્રાઉન્ડથી વંચિત

વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર એ. કે. ગુપ્તાજી રાજકોટમાં : હિરેન મહેતા દ્વારા રજૂઆત : મ્યુચ્યુઅલ ટ્રાન્સફરના વલણથી કર્મચારીઓ હેરાન : રેલ્વે કોલોનીના કવાટર્સ જર્જરીત હાલતમાં

રાજકોટ : વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘના ડીવીઝનલ સેક્રેટરી શ્રી હિરેન મહેતાની યાદી મુજબ તાજેતરમાં વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર એ.કે. ગુપ્તાજી રાજકોટ ડીવીઝનની મુલાકાતે આવેલ એ દરમિયાન માન્યતા પ્રાપ્ત સંગઠન નં.૧ - વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘના હિરેન મહેતા દ્વારા જનરલ મેનેજર સમક્ષ રાજકોટ ડિવીઝનના રેલ કર્મચારીઓની વિવિધ સમસ્યાઓની આક્રમક રજૂઆત કરી હતી. જે આ મુજબ છે.

(૧) ટ્રેક મેઈન્ટેનરને રેલ્વે બોર્ડના નિયમ મુજબ વર્ષમાં બે વખત બુટ અને અન્ય સેફટીટુલ્સ આપવાના હોય જે ૨૦૧૮ અને ૨૦૧૯ના અપાયા નથી. (૨) ઈન્ટર રેલ્વે અને ઈન્ટર ડિવીઝન ટ્રાન્સફરમાં ૧૫ ટકા કર્મચારીઓને છોડવાના છે. જે તુરત કરવામાં આવે. (૩) મ્યુચ્યુઅલ ટ્રાન્સફરમાં કર્મચારીઓને છોડવામાં આવે જે સુપ્ત વલણના લીધે કર્મચારી હેરાન થાય છે.

(૪) રાજકોટ ડિવીઝનના વિવિધ સ્ટેશનો ખંભાલીયા રાજકોટ વગેરેની રેલ્વે કોલોની અને કવાર્ટસ જર્જરીત હાલતમાં છે. કર્મચારીઓને  રહેવા લાયક સ્થિતિમાં રીપેરીંગ કરાવવા માટે વારંવાર રજૂઆત કરવા છતાંય તેમા કોઈ સુધાર નથી. જેને જલ્દીથી જલ્દી ઠીક કરાવી સુવિધા અપાવવી. (૫) ટીસી - એસસી રેન્કર કોટા પરીક્ષા અંગેના નિર્ણય હકારાત્મક પ્રભાવથી કરીને જલ્દીથી જલ્દી ખાલી જગ્યાઓ ભરવામાં આવે એવી રજૂઆત સાથે આજના સમયમાં ઓછા સ્ટાફ અને વધુ કાર્યભાર સાથે તણાવયુકત સ્થિતિમાં કાર્ય કરતા રેલ કર્મચારીઓના હિતલક્ષી નિર્ણય અને સુવિધાઓ અપાશે તો રેલ કર્મચારીઓમાં પ્રવર્તતો અસંતોષ અને નિરાશાજનક સ્થિતિને ટાળી શકાશે.

વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ હંમેશા કર્મચારીઓના હિત અને હક્ક માટે કાર્યરત હતુ અને રહેશે એ જ કાર્યનીતિ સાથે કર્મચારી માટે સંઘનો સંઘર્ષ કયારેય કર્મચારીઓના વિશ્વાસને તૂટવા નહિં દે એવી ખાત્રી શ્રી હિરેન મહેતાએ આપેલ હતી.

આ રજૂઆતમાં શ્રીમતી અવની ઓઝા, મનોજ અગ્રવાલ, અભિષેક રંજન, વિવેકાનંદ, ધર્મિષ્ઠા પૈજા વગેરે ઉપસ્થિત રહેલ હતા.

(3:46 pm IST)