Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

હેલ્મેટનો કકળાટ : ભાજપ કહે છે 'લોકો સહકાર આપે : કોંગ્રેસ ઉવાચ પોલીસ સંયમ નહીં જાળવે તો લોકરોષથી ક્રાંતિકારી આંદોલન'

હેલ્મેટને કારણે રોજબરોજ થઇ રહેલા પોલીસ અને પ્રજાના ઘર્ષણો અંગે નેતાઓના પ્રતિભાવો

રાજકોટ, તા., ૧૪: હાલમાં સમગ્ર રાજયમાં હેલ્મેટના કાયદા બાબતે પોલીસ અને પ્રજા વચ્ચે રોજબરોજ ઘર્ષણની ઘટનાઓ સામે આવી રહી છે. અસહ્ય દંડ સામે પણ લોકરોષ ફેલાયો છે ત્યારે આ બાબતે શહેરના રાજકીય નેતાઓના પ્રતિભાવોમાં એવુ તારણ નીકળી રહયું છે કે ભાજપના નેતાઓ લોકોને સહકાર આપવા વિનંતી કરે છે. જયારે કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટ કર્યુ છે કે જો સરકાર હેલ્મેટના કાળા કાયદાનો અમલ શહેરી વિસ્તારમાં હળવો નહી કરે અને પોલીસનો સંયમ નહિ જળવાય તો લોકોનો જે રોષ છે તે એક દિવસ ક્રાંતીકારી આંદોલનમાં ફેરવાઇ જશે.

ભાજપ પ્રદેશ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ

ભાજપના  પ્રદેશ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજે હેલ્મેટના કાયદા અંગે જણાવ્યું હતું કે આ કાયદો કેન્દ્ર સરકારે બનાવ્યો છે. કાયદાને લોકોએ માન આપવું જોઇએ. પોલીસે સંયમ જાળવી અને કાર્યવાહી કરવી જોઇએ પરંતુ સામે લોકોએ પણ સહકાર આપવો જોઇએ.

શહેર ભાજપ પ્રમુખ  કમલેશ મીરાણી

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે દરેક કાયદા લોકોની સુરક્ષા માટે બનાવાય છે. ત્યારે લોકોએ પણ સહયોગ આપવો જોઇએ. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્ર સરકારે  ઘડેલા નિયમોમાં મોટી રાહત અપાવી છે ત્યારે લોકોએ આ બાબત સમજીવી જોઇએ. સામે પક્ષે પોલીસે પણ સંયમથી કામગીરી કરવી જોઇએ.

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર

રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અશોકભાઇ ડાંગરે જણાવ્યું હતું કે હેલ્મેટના  કાળા કાયદાનો અમલ શહેરી વિસ્તારમાં મોકુફ રાખવો જોઇએ કેમ કે રોજબરોજના વ્યવહારીક કામોમાં હેલ્મેટ નડતરરૂપ થતી હોય તેમજ આ બાબતે લોકોને ફટકારાતા અસહ્ય દંડ સામે પણ રાજયભરમાં જબ્બર લોકરોષ સામે આવી રહયો છે. પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થઇ રહયા છે. ત્યારે જો પોલીસ સંયમ નહિ જાળવે તો આવતા દિવસોમાં લોકોનો રોષ ભભુકી ઉઠશે. સ્વયંભુ પ્રજા રસ્તા પર ઉતરી આવશે અને સરકાર વિરૂધ્ધ ક્રાંતીકારી લડતના માર્ગે જોડાશે.

ધારાસભ્ય અરવિંદ રૈયાણી

રાજકોટના ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે લોકોની સુરક્ષા માટે હેલ્મેટનો કાયદો અમલી બનાવ્યો છે ત્યારે આ બાબત સમજીને પ્રજાએ તંત્રને સહયોગ આપવો જોઇએ અને કાયદાનું પાલન કરવું જોઇએ. પોલીસ પણ સંયમ જાળવે તે એટલું જ જરૂરી છે.

લાખાભાઇ સાગઠીયા

રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ પણ જણાવેલ કે લોકોની સુરક્ષા માટે હેલ્મેટ જરૂરી છે. આ બાબતને સમજી લોકોએ કાયદાને માન આપી સહકાર આપવો જોઇએ. પોલીસુે પણ લોકોને આ અંગે સમજાવી અને સંયમથી કામ લેવું જોઇએ.

(4:39 pm IST)