Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

સુભાષનગરના જ્યોતિષી યુવાનને મિત્રએ દગાથી વગડામાં લઇ જઇ ધોકા ખવડાવ્યાઃ મુંબઇ સ્થિત બનેવીનો કારસો

ખાધા ખોરાકીનો કેસ પાછો ખેંચી ૧૦ લાખ લઇ સમાધાન કરી લેવા મુંબઇ રહેતાં બનેવી દિપક જોષીએ ફોનમાં ધમકી દીધીઃ બનેવીના મિત્ર સન્ની પંચાલે રાજકોટ રહેતાં પોતાના મિત્ર ઇશાન જોષીને કામ સોંપ્યું: ઇશાને દોઢેક મહિના પહેલા જ્યોતિષી નિશ્વલ જોષી સાથે દોસ્તી કેળવી મંગળ ગ્રહની વિધી કરાવીઃ તેના પૈસા લઇ જવાના બહાને ગઇકાલે તેને ક્રિસ્ટલ મોલ પાસે બોલાવી દગો કરી કારમાં બેસાડી માથે કપડુ ઓઢાડી-મોબાઇલ પડાવી લઇ નિકાવા તરફ લઇ ગયાઃ બેઠક પર દસ-પંદર ધોકા ફટકારી ધમકાવી પરત મુકી જવાયોઃ ધોલધપાટ વખતે ઇશાને કહ્યું-તારા બનેવી સમાધાનની જે વાત કહે છે એ માની લે નહિતર તારી બહેન અને છોકરાવને પણ ઉઠાવી લેવાશેઃ બનેવીએ આંગળા અને જીભ કાપી લેવાની ધમકી પણ દીધી!: યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ આદરી

રાજકોટ તા. ૧૪: રૈયા રોડના સુભાષનગરમાં રહેતાં જ્યોતિષી યુવાને રિસામણે બેઠેલા પોતાના બહેનના મુંબઇ રહેતાં પતિ વિરૂધ્ધ ખાધાખોરાકીનો કેસ  કર્યો હોઇ આ કેસ પાછો ખેંચી લેવા મામલે બનેવીએ તેના  મિત્રના મિત્ર મારફત જ્યોતિષી યુવાનને દગાથી ક્રિસ્ટલ મોલ પાસેથી કારમાં બેસાડી માથે કપડુ ઓઢાડી દઇ મોબાઇલ પડાવી લઇ બાદમાં નિકાવા તરફ વગડામાં  લઇ જઇ બેઠક પર દસથી વધુ ધોકા ફટકારી, ધમકાવી ફરીથી ક્રિસ્ટલ મોલ પાસે ઉતારી દેતાં આ અંગે પોલીસ ફરિયાદ થઇ છે. દગો કરી કારમાં લઇ જનારા શખ્સે પણ દોઢેક માસ પહેલા જ્યોતિષી યુવાન સાથે ઓળખાણ કેળવી એકાદ બે વિધી કરાવી હતી. તેના બાકી નીકળતાં પૈસા લઇ જવાના બહાને બોલાવી બાદમાં અપહરણ કરી જઇ બેફામ માર મારી ૧૦ લાખ લઇ કેસનું સમાધાન કરી નાંખ નહિતર જીવ જશેે...તેવી ધમકી આપી હતી.

યુનિવર્સિટી પોલીસે બનાવ અંગે રૈયા રોડ આમ્રપાલી પાછળ સુભાષનગર-૩માં શ્રી ઓમનિવાસ ખાતે રહેતાં ઘરે જ વ્યંકટેશ જ્યોતિષ કાર્યાલય નામે જ્યોતિષ કાર્ય કરતાં નિશ્વલ હિતેન્દ્રભાઇ જોષી (ઉ.૩૫)ની ફરિયાદ પરથી મુંબઇ બોરીવલી વેસ્ટ એસવી રોડ પર રહેતાં અને દોઢેક માસથી તેના સંપર્કમાં આવ્યા બાદ મિત્ર બનેલા ઇશાન જોષી તેમજ  મુંબઇ રહેતાં નિશ્વલના બનેવી દિપક રવિન્દ્રભાઇ વાસ્ટર (જોષી) તથા પાંચ અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

નિશ્વલના કહેવા મુજબ હું પરિવાર સાથે રહુ છું. મારા પત્નિનું નામ સિમા છે અને સંતાનમાં એક દિકરો તથા એક દિકરી છે. પિતા હિતેન્દ્રભાઇ તથા માતા સુનિતાબેન પણ સાથે રહે છે. મારા બહેન વિક્ષીતાના લગ્ન મુંબઇના દિપક વાસ્ટર (જોષી) સાથે થયા છે. હાલમાં મારા બહેન વિક્ષીતા ત્રણેક વર્ષથી રિસામણે છે અને મારા બનેવી વિરૂધ્ધ ખાધા ખોરાકીનો કોર્ટ કેસ કર્યો છે. આ કેસ રાજકોટની ફેમિલી કોર્ટમાં અઢી વર્ષથી ચાલુ છે. થોડા મહિના પહેલા એક વકિલ મારફત મને નિશાન જોષીએ ફોન કરી 'તમારા બહેનના કેસમાં સમાધાનની વાત કરવાની છે, તમારા બનેવી દિપકભાઇના મિત્ર સન્ની મારા મિત્ર છે, તમે રૂબરૂ મળજો તો વાત થશે' તેવું કહ્યું હતું.

એ પછી દોઢેક મહિના પહેલા મારી મુલાકાત ઇશાન જોષી સાથે થઇ હતી. તેણે મારી સાથે બહેનના કેસ બાબતે વાત કર્યા પછી મારી પાસે મંગળ ગ્રહની વિધી પણ કરાવી હતી. જેથી પરિચય વધ્યો હતો અને મિત્રતા બંધાઇ હતી. પંદરેક દિવસ પહેલા હું તેને મળ્યો ત્યારે મેં તેને મારા બહેનના કોર્ટ કેસ બાબતની વાત કરી હતી. મારે તેની પાસેથી વિધી કરી તેના રૂ. ૩ હજાર લેવાના હોઇ બુધવારે બપોરના ત્રણેક વાગ્યે હું ઘરે હતો ત્યારે મનેઇશાને ફોન કરી મારા નિકળતા રૂપિયા લઇ જવા ક્રિસ્ટલ મોલ પાસે આવવાનું કહેતાં હું ત્યાં પહોંચ્યો હતો. એ પછી ઇશાન એક સફેદ રંગની સ્વીફટ કાર લઇને આવ્યો હતો અને તેમાં ડ્રાઇવર, ઇશાન અને બીજા ત્રણ જણા પણ હતાં. ઇશાને મને ઠંડુ પીતા આવીએ અને બીજુ એક જન્માક્ષરનું પણ કામ છે તેમ કહી મને કારમાં બેસાડી લીધો હતો.

એ દરમિયાન ઇશાનને એક ફોન આવ્યો હતો અને તેમાં વાત કર્યા બાદ તેણે 'મારા સગાનું કોસ્મોપ્લેકસ પાસે એકસીડન્ટ થયું છે, જોતા આવીએ' તેમ કહી કાર આગળ ચલાવી હતી. ત્યાં જ કારમાં પાછળ બેઠેલા એક શખ્સે મારા મોઢા પર કાળુ કપડુ ઓઢાડી દીધું હતું અને ઇશાને મારો મોબાઇલ ફોન કાઢી લીધો હતો. એ પછી કાર આગળ ચલાવાઇ હતી. અંદાજે પોણો કલાક પછી કાર ઉભી રહી હતી. મને વાડી વિસ્તારમાં કારમાંથી ઉતારાયો હતો. એ પછી ઇશાને કહ્યું હતું કે તારા બનેવી દિપકભાઇનો મિત્ર સન્ની મારો મિત્ર છે. સન્ની પંચાલ અને તારા બનેવીએ તારી બહેને કરેલો કોર્ટ કેસ પાછો ખેંચી લેવામાં આવે તો દસ લાખ રૂપિયા આપી દેશે તેવી વાત કરી છે. એ પછી ફોનમાં પણ ઇશાને વાત કરાવી હતી.

સન્ની અને મારા બનેવી દિપકભાઇએ ફોનમાં ધમકી આપી હતી કે જો કોર્ટ કેસ પાછો નહિ ખેંચ તો તારી બહેન અને છોકરાવને ઉઠાવી લઇશું. તેમજ એવી ધમકી પણ આપી હતી કો જો આ ન માને તો તેની જીભ અને હાથના આંગળા કાપી નાંખજો. આ પછી ઇશાને પણ મને સમાધાન કરી લેવાનું કહી ગાળો દીધી હતી. એ દરમિયાન એક અજાણ્યા શખ્સે ધોકાથી મારી બેઠક પર દસ ફટકા માર્યા હતાં અને જોઇ કોઇને વાત કરી તો જાનથી મારી નાંખશું તેવી ધમકી આપ્યા બાદ મને પરત કારમાં બેસાડી ક્રિસ્ટલ મોલ પાસે ઉતારી દેવાયો હતો. રસ્તામાં મેં નિકાવાનું બોર્ડ લગાવેલુ જોયું હતું. જેથી મને નિકાવાથી પંદર-સતર કિલોમીટર અંદર લઇ જવાયાનું જણાયું હતું.

મને ઉતારી દેવા બાદ હું ઘરે પહોંચ્યો હતો અને મારા પિતા-બહેનને વાત કર્યા બાદ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. હેડકોન્સ. બોઘાભાઇ આર. ભરવાડે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જ્યોતિષી યુવાન નિશ્વલ મિત્ર ઇશાનના કહેવાથી જાતે જ કારમાં બેઠો હોઇ પોલીસે અપહરણની કલમ ઉમેરી નથી. જો કે પોતાના માથે કપડુ ઓઢાડી દેવાયા બાદ નિશ્વલને દગો થયાની ખબર પડી હતી.

(12:46 pm IST)