Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ઓબ્ઝર્વેશન હોમમાંથી ફરાર થયા પછી રાજકોટ-અમદાવાદમાં ૧૭ લૂંટ-ચોરી કરીઃ નામીચા ઇમરાનને ક્રાઇમ બ્રાંચે દબોચ્યો

ક્રાઇમ બ્રાંચની ટીમે ગોંડલ રોડ ચોકડીએથી પકડ્યોઃ અગાઉ ૪૬ ગુનામાં સંડોવણીઃ ૧૯/૬ના ભાગ્યો...એક મહિનો આરામ કર્યો...૨૦/૭થી ફરી 'કામે' લાગ્યો'તો : પુનિતનગરના ઇમરાન ઉર્ફ ઇમલો ઉર્ફ કાળીયો હાસમમિંયા કાદરી જુનાગઢ બીલખા રોડ પર હોવાની બાતમી મળતાં ટીમે રાતભર દોડધામ કરીઃ ત્યાંથી તે રાજકોટ તરફ આવ્યો ને પકડાયોઃ ગમે તેને છરી બતાવી લૂંટ કરી લેવાની આદતઃ અમદાવાદમાં વર્ના કાર, હોન્ડા સીટી કારની લૂંટ કરી'તીઃ ચોરાઉ બાઇક ફોરવ્હીલર કે બીજા વાહન સાથે અથડાવી 'સરખુ કેમ નથી ચલાવતો?' કહી ઝઘડો કરી લૂંટ કરવાની અથવા વાહન રિપેરીંગના બહાને સામેવાળાને અવાવરૂ જગ્યાએ લઇ જઇ છરી બતાવી લૂંટી લેવાની મોડસ ઓપરેન્ડી : શાપર વેરાવળ, મેટોડામાં પણ ટ્રક ચાલકોને મજૂર શોધી આપવાના બહાને લૂંટ્યા'તાઃ મિત્રો સાથે મોજ કરવા એકલો જ ગુના આચરતો હતો, ફોનનો ઉપયોગ ન કરતો : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શનમાં કામગીરી: પીએસઆઇ પી. એમ. ધાખડા, કોન્સ. કુલદિપસિંહ જાડેજા, મયુરભાઇ પટેલ તથા અમિતભાઇ અગ્રાવતની સફળ બાતમી

વેલડનઃ લૂંટારૂ પકડાયાની માહિતી આપી રહેલા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા તેમજ પીઆઇ વી. કે. ગઢવી, એસઓજી પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ પી.એમ. ધાખડા, પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા તથા નીચેની તસ્વીરમાં કબ્જે થયેલી, રોકડ, છરીઓ, મોબાઇલ તેમજ પીએસઆઇ ધાખડા તથા કુલદીપસિંહ જાડેજા, મયુરભાઇ પટેલ, અમિતભાઇ અગ્રાવત અને સાથીદારો નજરે પડે છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૦: શહેરના ગોંડલ રોડ પર પુનિતનગર પાણીના ટાંકા સામે ગુલાબનગરમાં રહેતો અને બે મહિના પહેલા ઓબ્ઝર્વેશન હોમમાંથી ભાગી છૂટેલો તેમજ અગાઉ લૂંટ, ચોરી, મારામારીના ૪૬ ગુનામાં સંડોવાઇ ચુકેલા રીઢા ગુનેગાર ઇમરાન ઉર્ફ ઇમલો ઉર્ફ કાળીયો હાસમમિંયા રજાકમિંયા કાદરી (ઉ.વ.૧૯)ને ઝડપી લેવામાં ક્રાઇમ બ્રાંચને સફળતા મળી છે. ઓબ્ઝર્વેશન હોમમાંથી નાશી ગયા બાદ એકાદ મહિનો આરામ કરી એ પછી લાગલગાટ ગુના આચરવાનું શરૂ કરી ઇમલાએ રાજકોટ-અમદાવાદમાં ચોરી-લૂંટની ૧૭ ઘટનાને અંજામ આપ્યો હતો. તે પકડાઇ જતાં આ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પી.એમ. ધાખડા તથા ટીમના કુલદિપસિંહ જાડેજા, મયુરભાઇ પટેલ અને અમિતભાઇ અગ્રાવતને બાતમી મળી હતી કે ઇમરાન ઉર્ફ ઇમલો જુનાગઢ તરફ છે. તેના આધારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી પીઆઇ વી. કે. ગઢવીએ ટીમને રવાના કરી હતી. જ્યાં રાતભર ટીમે શોધખોળ કરી હતી. પણ ચબરાક ઇમલો પોલીસને ચકમો આપી બીલખા રોડ પરથી ભાગી ગયો હતો. છેલ્લે  વહેલી સવારે પાંચ વાગ્યે તેને ગોંડલ રોડ ચોકડી પાસેથી દબોચી લેવાયો હતો.

આ શખ્સ પાસેથી અમદાવાદમાં તેણે લૂંટેલી જીજે૦૪૧કેએસ-૮૧૭૦ નંબરની સાડા પાંચ લાખની વર્ના કાર, ત્યાંથી જ લૂંટેલી બીજી કાર જીજે૦૧આરયુ-૪૬૪૦ રૂ. ૭ લાખની હોન્ડા સીટી કાર, જીજે૦૩એફઆર-૦૨૭૩ નંબરનું બાર હજારનું હોન્ડા, રોકડા રૂ. ૫૮૮૦, રૂ. ૭૦૦ વાળો મોબાઇલ ફોન તથા સ્ટીલની છરી મળી રૂ. ૧૨,૬૮,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. એક ગુના સબબ પકડાયો ત્યારે ઇમરાન ઉર્ફ ઇમલો સગીર વયનો હોઇ તેને ઓબ્ઝર્વેશન હોમમાં મોકલાયો હતો. ત્યાંથી ગત ૧૯/૬/૨૦ના રોજ ભાગી છુટ્યો હતો. એ પછી તે એકાદ મહિનો શાં  રહ્યો હતો અને ૨૦/૭/૨૦થી ફરી ગુનાખોરી આચરવાનું શરૂ કર્યુ હતું.

તે ફરાર રહ્યો એ દરમિયાન તેણે જે ૧૭ ગુના આચર્યા તેની વિગતો જોઇએ તો ૨૦/૭ના રોજ અમદાવાદ ઇસ્કોન ચાર રસ્તે જય અંબે હોટેલવાળી શેરીમાં એક વ્યકિતને છરી બતાવી એકટીવાની લૂંટ કરી હતી. એ દિવસે જ આ એકટીવા લઇ સરખેજ એસપી રીંગ રોડ પર એપલવૂડ નજીક પહોંચ્યો હતો અને  જીજે૦૧આરયુ-૪૬૪૦ નંબરની હોન્ડા સીટી ઉભી રખાવી ચાલક સાથે અકસ્માત સજ્ર્યો છે...એવા બહાના હેઠળ ઝઘડો કરી તેને અવાવરૂ જગ્યાએ લઇ જઇ છરી બતાવી રૂ. ૨૦૦૦ રોકડા અને કારની લૂંટ કરી હતી.

૨૫/૭ના રોજ અમદાવાદ ઉજાલા સર્કલ પાસે એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી જીજે૦૧એસકે-૦૭૧૪ નંબરનું બાઇક ચોર્યુ હતું. એ દિવસે આ બાઇકનો ઉપયોગ કરી માણેકબાગ પાસે વર્ના કાર જીજે૦૧કેએસ-૮૧૭૦ સાથે અથડાવી તેના ચાલક સાથે ઝઘડો કરી છરી બતાવી લૂંટ કરી હતી. ત્યારબાદ ૨૭/૭ના રોજ રાજકોટ અમુલ સર્કલ ૮૦ ફુટ ચોકડી પાસે સિતારામ વે બ્રીજ પાસે જીજે૦૩એફઆર-૦૨૭૩ નંબરના બાઇકની ચોરી કરી હતી. એ દિવસે બેડી ચોકડીએ ટ્રક ચાલકને મજૂરની ઓળખ આપી ઓફિસે કાગળોમાં સહી કરવા આવવાનું કહી બાઇકમાં બેસાડી નજીકમાં લઇ જઇ મોબાઇલ ફોન લૂંટ્યો હતો.

ત્યારબાદ ૩૦/૭ના રોજ અગાઉ ચોરેલા ૦૨૭૩ નંબરના બાઇકનો ઉપયોગ કરી ભગવતીપરા જયપ્રકાશનગર-૧૩માં એકટીવા ચાલકને આંતરી છરી બતાવી રૂ. ૯૩૫૦૦ની લૂંટ કરી હતી. આ તમામ ગુનાઓ જે તે પોલીસ સ્ટેશનોમાં નોંધાઇ ગયા હતાં.

ત્યારબાદ આજથી દસ-બાર દિવસ પહેલા સવારે નવેક વાગ્યે ૮૦ ફુટ રોડ અમુલ સર્કલ પાસે ટ્રક ડ્રાઇવરને રોકી મજૂર શોધી આપવાના બહાને ૦૨૭૩ નંબરના ચોરાઉ બાઇકમાં બેસાડી શેરીમાં લઇ જઇ છરી બતાવી રૂ. ૬૦૦ તથા સાદો મોબાઇલ ફોન લૂંટી લીધા હતાં. એ પછી અમુલ સર્કલથી હાઇવે તરફ ત્રીજી શેરીમાં ટ્રક ડ્રાઇવરને લૂંટવાની કોશિષ કરી હતી. ત્યારબાદ શાપર વેરાવળ શિતળા માતાના મંદિર પાસે ટ્રક ડ્રાઇવરને મજૂર શોધી આપવાના બહાને છરી બતાવી રૂ. ૧૦૦૦ લૂંટી લીધા હતાં. આ ગુનામાં પણ ૦૨૭૩ નંબરના બાઇકનો ઉપયોગ કર્યો હતો.

એ પછી શાપર વેરાવળમાં પોલીસ સ્ટેશનથી અંદર કારખાના વિસ્તારમા ટ્રક ડ્રાઇવરને છરી બતાવી રૂ. ૭૫૦૦, મેટોડા જીઆઇડીસીમાં ટ્રક ડ્રાઇવરને છરી બતાવી રૂ. ૨૮૦૦, મેટોડા ગેઇટ નં.૩માં ટેન્કર ખાલી કરવા મજૂર શોધી દેવાના બહાને ડ્રાઇવરને છરી બતાવી રૂ. ૮૫૦૦, ભકિતનગર સ્ટેશન પ્લોટમાં ટ્રક ડ્રાઇવરને છરી બતાવી રૂ. ૮૫૦૦, કુવાડવા રોડ જુના પોલીસ સ્ટેશન પાછળના રોડે ટ્રક ડ્રાઇવરને લૂંટવાનો પ્રયાસ, ભગવતીપરા ઓવર બ્રિજ પાસે ખાટકીવાસમાં એક ટ્રક ડ્રાઇવરને છરી બતાવી રૂ. ૩૫૦૦ તથા ભાવનગર રોડ કોર્પોરેશન ઓફિસ સામે ટ્રક ડ્રાઇવરને મજૂર શોધી આપવાના બહાને બાઇકમાં બેસાડી દૂર લઇ જઇ લૂંટવાની કોશિષ કરી હતી.

આમ ઓબ્ઝર્વેશન હોમમાંથી ભાગ્યા બાદ ૧૨ લૂંટ, બે બાઇક ચોરી અને ૩ લૂંટની કોશિષના ગુના આચર્યા હતાં. કોઇપણ સ્થળેથી ટુવ્હીલર ચોરી કાર સાથે અથડાવી તેના ચાલક સાથે માથાકુટ કરી વાહન રિપેર કરાવી દેવાનું કહી નજીકમાં લઇ જઇ છરી બતાવી લૂંટ કરવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે. આ ઉપરાંત કોઇપણ માલ ભરેલા ટ્રકના ચાલકોને મજૂરો શોધી દેવાના બહાને અથવા ઓફિસે ટપાલમાં સહી કરાવવા લઇ જવાના બહાને છરી બતાવી લૂંટ કરવાની ટેવ ધરાવે છે. ઇમરાન ઉર્ફ ઇમલો પોતે એકલો જ આવા ગુનાને અંજામ આપતો હતો. તે ગુનો કર્યા બાદ કદી મોબાઇલ ફોનનો ઉપયોગ પણ કરતો નહોતો. મોજ શોખ કરવા માટે અને મિત્રોને મોજ કરાવવા માટે આ ગુના આચરતો હતો.

કામગીરી કરનાર ટીમઃ પોલીસ કમિશનરે આપ્યું ૧૫ હજારનું ઇનામ

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શનમાં પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડકોન્સ. મયુરભાઇ પટેલ, અમિતભાઇ અગ્રાવત, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. કુલદિપસિંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ જાડેજા, એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, હેડકોન્સ. ચેતનસિંહ ગોહિલ, મહિપાલસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, પુષ્પરાજસિંહ પરમાર, ક્રિપાલસિંહ જાડેજા, જયદિપસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી. અધિકારી અને ટીમના કર્મચારીઓને પોલીસ કમિશનરશ્રીએ રૂ. ૧૫ હજારનું ઇનામ આપ્યું હતું.

ઇમરાન ઉર્ફ ઇમલા વિરૂધ્ધ અગાઉ ૨૦૧૬થી નોંધાયેલા ૪૫ ગુનાઓની ટૂંકી માહિતીઃ એસઆરપીમેનની રાઇફલ પણ લૂંટી હતી

. એ-ડિવીઝનમાં ચોરી, ભકિતનગરમાં ચોરી, માલવીયાનગર ચોરી, યુનિવર્સિટી ચોરી, ભકિતનગર ચોરી, આજીડેમ ચોરી, ગાંધીગ્રામ ચોરી, કુવાડવા રોડ ઠગાઇ, તાલુકામાં ધમકી-મારામારી, જાહેરનામા ભંગ, એ-ડિવીઝનમાં ચોરી, બી-ડિવીઝનમાં ચોરી, મારામારી-ધમકી, ભકિતનગરમાં મારામારી, થોરાળામાં ચોરીઓ, શાપર વેરાવળમાં ચોરી અને લૂંટ, આજીડેમ પોલીસ મથકમાં લૂંટ જેવા કુલ ૪૬ ગુના તેના વિરૂધ્ધ બોલે છે. એક ને એક પોલીસ સ્ટેશનમાં બે-ચાર કે તેથી વધુ ગુનાઓ નોંધાયેલ છે. જેમાં મોટા ભાગના વાહન ચોરી, લૂંટના છે. આજીડેમ ચોકડીએથી એસઆરપીમેનની રાઇફલ પણ લૂંટી લીધી હતી. એ ગુનામાં પકડાઇ ગયો હતો.

ઇમલાના પિતા મુળ ઉનાનાઃ તેનો જન્મ જેતપુરમાં થયો

૨૦૧૨માં પિતા છોડીને જતાં રહેતાં મજૂરીએ વળગ્યો...ગુનેગારો સાથે સંપર્ક થતાં બાળવયે જ ૪૬ ગુના આચર્યાઃ ૧૮નો થતાંની સાથે એક મહિનામાં આચર્યા ૧૭ ગુના

ઇમલાના દાદા કોડીનાર દરગાહમાં અને નાના ધોરાજી દરગાહમાં મુંજાવર હતાં

ઇમરાન ઉર્ફ ઇમલો મુળ .નાનો વતની છે. તેના દાદા રજાકમિંયા કોડીનાર દરગાહમાં મુંજાવર હતાં. પિતા હાસમમિંયા કાદરીને ઉનામાં કોૈટુંબીક ભાઇઓ સાથે વાંધો પડતાં તે જેતપુર રહેવા આવી ગયા હતાં અને રિક્ષા હંકારતા હતાં. તે વખતે ઇમરાનનો જન્મ થયો હતો. ૨૦૦૫માં હાસમમિંયા રાજકોટ પુનિતનગરમાં રહેવા આવ્યા હતાં. અહિ ઇમરાનના નાનીમા પણ રહતાં હતાં. હાસમમિંયા ટ્રાન્સપોર્ટમાં નોકરીએ રહતાં તેની સાથે ઇમરાન એક વખત બેંગ્લોર ગયો હતો. ત્યારે ટ્રક ના મજૂરો કઇ રીતે માલ ખાલી કરે છે, શું કાર્યવહી હોય  છે તેનાથી તે વાકેફ થયો હતો. ઇમરાનના નાની જુબેદાબેન પુનિતનગરમાં રહે છે. નાના રજાકમિંયા ધોરાજી લાલશાબાપુની દરગાહના મુંજાવર હતાં. પિતા હાસમભાઇ બાદમાં મારકુટ કરતાં હોઇ અને દારૂ પી હેરાન કરતાં હતાં અને ઘર છોડીને જતાં રહ્યા હતાં.  ઇમરાન ઉર્ફ ઇમલો ૨૦૧૨માં પિતાથી અલગ પડ્યો હતો. હાલમાં પિતા કયાં છે તેની કોઇને જાણ થતી. પ્રારંભે ૨૦૧૪માં ઇમરાન છુટક મજૂરી કરતો હતો અને માતા-ભાઇઓ સાથે ગુલાબનગરમાં રહેતો હતો. પુનિતનગરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતાં શખ્સો સાથે સંપર્કમાં આવતાં એ પછી ચોરી-લૂંટના રવાડે ચડ્યો હતો. આજ સુધીના કુલ ૬૩ ગુના તેના વિરૂધ્ધ નોંધાઇ ચુકયા છે.

તે બાળ આરોપી હતો ત્યારે જ ૪૬ગુના આચરેલા છે. અઢાર વર્ષનો થયો એ પછી પ્રથમ વખત એટલે કે છેલ્લા દોઢ મહિનામાં જ ૧૭ ગુના આચરી લીધા છે. ઓબ્ઝર્વેશન હોમમાંથી એક બે વખત નહિ ૧૩ વખત નાશી ગયો હતો. રાજકોટમાંથી ૧૧ વખત અને મહેસાણામાંથી ૦૨ વખત ભાગ્યો હતો.

(3:44 pm IST)