Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

શહેરીજનો જાતે જ સમજીને માસ્ક પહેરજો, ૧૦૦૦ દંડ વસુલવા મજબૂર ન કરતાં: પોલીસ કમિશનર અગ્રવાલ

કોરોનાને ધ્યાને રાખી જાહેરનામાનો પણ અમલ કરવા અનુરોધઃ અન્યથા કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડશે

રાજકોટઃ જન્માષ્ટમીના તહેવાર અંતર્ગત કોરોના મહામારીને કારણે આ વર્ષે લોકમેળા યોજાયા નથી. લોકો સાતમ-આઠમની રજાઓમાં બહાર નીકળી પડી સરકારની માર્ગદર્શિકા અને જાહેરનામાનો ભંગ ન કરે તે જોવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ખાસ અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે અનલોક-૩માં જે પ્રતિબંધો મુકાયા છે તે યથાવત જ છે. મેળાઓ બંધ છે પરંતુ લોકો હરવા-ફરવાના સ્થળોએ મોટી સંખ્યામાં ઉમટી પડે અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય તેમજ મહામારીનું સંક્રમણ વધુ ફેલાય તેવો ભય હોવાથી આવા સ્થળોએ જવા પર પણ પ્રતિબંધ ફરમાવાયો છે. તેમજ મંદિરોમાં પણ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવાની મનાઇ ફરમાવાઇ છે. શોભાયાત્રા પણ કાઢવામાં આવશે નહિ.

લોકોએ ન્યારી ડેમ, આજીડેમ, ઇશ્વરીયા, રતનપર, લાલપરી, પીપળીયા કે પછી આસપાસના હરવા-ફરવાના કોઇ સ્થળોએ પણ જવું નહિ. કોઇપણ હોટેલ રેસ્ટોરન્ટમાં મટકી ફોડના કાર્યક્રમો પણ યોજી શકાશે નહિ. રેસકોર્ષ રીંગ રોડ ફરતે શ્રીકૃષ્ણ જન્મોત્સવના દિવસે લોકો ઉમટી પડતાં હતાં તે પણ આ વખતે થઇ શકશે નહિ. જાહેરહિતમાં આ નિર્ણયો લેવા પડ્યા છે. તેનો સોૈએ અમલ કરવાનો રહેશે. આવતીકાલથી માસ્ક નહિ પહેરનારા પાસેથી રૂ. ૧૦૦૦ દંડ વસુલાશે. પોલીસ આ કામગીરી કરવા મજબૂર ન થાય એ માટે સોૈ શહેરીજનો માસ્ક પહેરે તે જરૂરી હોવાનું શ્રી અગ્રવાલે જણાવ્યું છે.

(3:42 pm IST)