Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

મવડી પ્લોટ મારૂતિનગરમાં ધર્મેન્દ્રસિંહ ગોહિલના ઘરમાં પોરબંદરના અરજણની બઘડાટીઃ મોડી રાતે ઘરમાં તોડફોડ

દૂધનો ધંધો કરતાં શખ્સને સાંકડી શેરી હોઇ વાસણો સાઇડમાં રાખવાનું કહેતાં બે દિવસ પહેલા મનદુઃખ સર્જાયુ હતું : બે દિવસ પહેલા ફરિયાદ થતાં પોલીસે અરજણ સહિત વિરૂધ્ધ કાર્યવાહી કરી હતીઃ ગઇકાલે તેણે છુટતાવેત ફરી ડખ્ખો કર્યો

તસ્વીરમાં ધર્મેન્દ્રસિંહ ગોહિલ, જેમાં તોડફોડ થઇ તે બે વાહનો તથા ઘર અંદર તોડફોડ થવાથી સર્જાયેલા દ્રશ્યો જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૦: મવડી પ્લોટના મારૂતિનગર-૩માં રહેતાં વેપારી યુવાન ધર્મેન્દ્રસિંહ ગીરૂભા ગોહિલ (ઉ.વ.૨૮)ના ઘરમાં મોડી રાતે બારેક વાગ્યે બે બાઇક પર આવેલા પોરબંદરના અરજણ મેર સહિતના શખ્સોએ ઘરમાં ઘુસી ધમાલ મચાવી ગાળાગાળી કરી ધમકી દઇ તેમજ ઘરમાં તથા ટુવ્હીલરોમાં તોડફોડ કરતાં દેકારો મચી ગયો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

ધર્મેન્દ્રસિંહ ગોહિલના કહેવા મુજબ રહેણાંકની શેરી ખુબ જ સાંકડી છે અને અહિ પોરબંદરનો અરજણ દૂધનો કરે છે. તેના વાસણો શેરીમાં આડેધડ પડ્યા રહેતાં હોઇ તેના કારણે વાહનોને અવર-જવરમાં તકલીફ પડે છે. બે મહિનાથી આ મુશ્કેલી હોઇ બે-ત્રણ દિવસ પહેલા આ બાબતે માથાકુટ થતાં અરજણ વિરૂધ્ધ ફરિયાદ કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. ગઇકાલે પોલીસમાંથી છુટ્યા બાદ રાતે અરજણ સહિતના શખ્સો ઘરમાં ઘુસી ગયા હતાં અને ધમાલ મચાવી હતી. ઘરમાં તેમજ એકટીવા, બાઇકમાં તોડફોડ કરી ધમકી દઇ ભાગી ગયા હતાં. કુલ ચાર શખ્સો હોવાનું અને તેના હાથમાં તલવાર, ધોકા, પાઇપ જેવા હથીયારો હોવાનો આક્ષેપ ધર્મેન્દ્રસિંહે કર્યો છે.

મોડી રાતે આ બઘડાટી બોલી જતાં દેકારો મચી જતાં લોકો ભેગા થઇ ગયા હતાં. તોડફોડના ફોટા સોશિયલ મિડીયામાં વાયરલ થઇ ગયા હતાં. ડીસીપી મનોહરસિંહ જાડેજાએ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા માલવીયાનગર પોલીસને સુચના આપતાં ગુનો નોંધવા તજવીજ થઇ રહી છે.

(3:40 pm IST)