Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

સાતમ-આઠમમાં જયવિરને ફરવા જવું'તું, પરંતુ કોરોનાને કારણે પિતાએ ના પાડતા જીવ દઇ દીધો

કુવાડવાના ૨૦ વર્ષના દરજી યુવાને મઘરવાડા રોડ પર ઝેર પી લીધું: રાજકોટમાં સારવાર દરમિયાન મોતઃ એકના એક દિકરાના મોતથી પરિવારજનોમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૦: કોરોનાને કારણે હાલમાં જન્માષ્ટમીના તહેવારોમાં પણ બહાર નીકળવાની કલેકટર અને પોલીસ તંત્રએ મનાઇ ફરમાવી જાહેરનામા બહાર પાડ્યા છે. લોકોને કારણ વગર બહાર ન નીકળવા અને ઘરે જ રહેવા અનુરોધ કરાયો છે. આ વચ્ચે કુવાડવા ગામના એક દરજી યુવાનને સાતમ-આઠમની રજામાં મિત્રો સાથે ફરવા જવું હોઇ તેને પિતાએ હાલ કોરોના મહામારી ચાલતી હોઇ બહારગામ જવાની ના પાડતાં માઠુ લાગી જતાં ઝેર પી જિંદગી છોડી દીધી હતી.

કુવાડવા ગામમાં ડોકટર રજનીકાંતભાઇ વાળી શેરીમાં રહેતો જયવિર ધર્મેશભાઇ સોલંકી (દરજી) (ઉ.વ.૨૦) સાંજે ગામના મઘરવાડા રોડ પર આવેલી વાડીએ ઝેરી દવા પી જતાં સારવાર માટે સંજીવની હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારગવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

બનાવની જાણ ગોકુલ હોસ્પિટલમાંથી ડો. હિરેન વાટીયાએ કરતાં કુવાડવા પોલીસ મથકના હેડકોન્સ. મહાવીરસિંહ ઝાલા અને હેમતભાઇ ધરજીયાએ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર યુવાન એક બહેનથી નાનો અને માતા-પિતાનો એકનો  એક પુત્ર હતો. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ જયવિરને રજામાં મિત્રો સાથે ફરવા જવું હતું. પરંતુ કોરોનાને કારણે પિતાને ના કહેતાં માઠુ લાગી જતાં આ પગલુ ભરી લીધું હતું.

(11:55 am IST)