Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ચેક રિટર્ન કેસમાં જલારામ જીનીંગ ફેકટરીના ભાગીદારોને એક વર્ષની સજા અને ૧૦ લાખનું વળતર ચૂકવવા હુકમ

રાજકોટ, તા. ૯ :. જસદણ મુકામે આવેલ જલારામ જીનીંગ ફેકટરીના ભાગીદાર આનંદ અરવિંદભાઈ પોપટ, જયેશ અરવિંદભાઈ પોપટ, ઘનશ્યામ અરવિંદભાઈ પોપટ, હર્ષદ અરવિંદભાઈ પોપટ રહે. જસદણવાળાઓએ રાજકોટમાં જીમખાના રોડ પર રહેતા કીર્તિભાઈ ત્રિભોવનદાસ રાજદેવને આપેલ રૂ. ૧૦,૦૦,૦૦૦ના ચેક રીટર્ન કેસમાં રાજકોટના એડી. ચીફ જ્યુડી. મેજી.એ ચારેય આરોપીઓને એક વર્ષની સજા તથા રૂ. ૧૦,૦૦,૦૦૦ ફરીયાદીને વળતર પેટે ત્રણ માસમાં ચુકવવા અને તેમા કસુર કર્યે વધુ એક માસની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ છે.

આ કેસની હકીકત જોઈએ તો, ફરીયાદી કીર્તિભાઈ રાજદેવ અને આરોપીઓ બજરંગ જીનીંગ મિલ્સવાળા કીરીટભાઈ સેજપાલ મારફત સંપર્કમાં આવેલ અને મિત્રતાના સબંધો બંધાયેલા અને આરોપીઓને ધંધામાં રકમની જરૂરીયાત હોવાથી રૂ. ૧૦,૦૦,૦૦૦ ફરીયાદી પાસેથી મેળવેલ તે રકમ અદા કરવા આરોપીઓએ ફરીયાદી જોગ ચેક ઈસ્યુ કરી આપી પ્રોમીસરી નોટ લખી આપેલ અને ચેક રીટર્ન થશે નહી તેવો વિશ્વાસ આપેલ છતાં ચેક રીટર્ન થતા આરોપીઓને નોટીસ આપવા છતા ફરીયાદીનું કાયદેસરનું લેણુ અદા ન કરતા ભાગીદાર પેઢી તથા ચારેય ભાગીદારો વિરૂદ્ધ રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ.

કોર્ટે રેકર્ડ પરના રજુ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને સમગ્રપણે ધ્યાને લેતા ફરીયાદ પક્ષની હકીકતોને સોગંદ પરના પુરાવાથી દસ્તાવેજી પુરાવાને સંપૂર્ણપણે સમર્થન મળે છે, ફરીયાદવાળો ચેક આરોપીઓએ કાયદેસરના દેવાની ચુકવણી પેટે આપેલ હતો તેવી હકીકત રેકર્ડ ઉપરના પુરવાર થયેલ છે તેમજ ચેક રીટર્ન થયા બાદ નોટીસ આપ્યા બાદ કે કેસ દાખલ થયા બાદ પણ વિવાદી ચેકની રકમ ફરીયાદીને ચુકવેલ હોવાનું પુરવાર થતુ નથી ફરીયાદીએ એન.આઈ. એકટના તમામ આવશ્યક તત્વો પુરવાર કરેલ છે, તેમજ ચેક આપેલ નહી હોવાનું કે ચેકમાં પોતાની સહી નહી હોવાનો આરોપીનો બચાવ નથી, આરોપીએ લીધેલ બચાવ શંકાસ્પદ જણાય છે, ફરીયાદપક્ષના પુરાવાનું ખંડન કરતો ખંડનાત્મક પુરાવો આરોપીઓ રેકર્ડ પર લાવવામાં સફળ થયેલ નથી, જલારામ જીનીંગના પાર્ટનર દરજ્જે પ્રોમીસરી નોટ તથા ચેક લખી આપેલનું પુરવાર થાય છે તેમજ આરોપી નં. ૨ નાએ અદાલત સમક્ષ પુરસીસ પાસ કરી ફરીયાદીને રૂ. ૪૦,૦૦૦ ચુકવેલની જાહેરાત કરેલ હોય તે સબંધે આરોપીઓ સાઈલન્ટ છે, વીટનેશ બોકસમાં આવી પડકારેલ નથી તેમજ ફરીયાદી અને જલારામ જીનીંગના પાર્ટનર વચ્ચે ફરીયાદવાળુ ટ્રાન્ઝેકશન હોવાનું સ્પષ્ટ પુરવાર થાય છે ત્યારે ફરીયાદીનો કેસ પુરવાર માની આરોપીઓને તકસીરવાન ઠેરવી ચારેય આરોપીઓને એક વર્ષની સજા ઉપરાંત ચેકની રકમ ત્રણ માસમાં ફરીયાદીને વળતર પેટે ચુકવવા અને તેમા કસુર કર્યે વધુ એક માસની સજા ફરમાવતો સીમાચિન્હરૂપ ચુકાદો ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં ફરીયાદી કીર્તિભાઈ રાજદેવ વતી રાજકોટના એડવોકેટ લલિતસિંહ જે. શાહી, ચંદ્રકાંત એમ. દક્ષીણી, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, યોગેશ બારોટ, સુરેશ ફળદુ, ડી.પી. ગઢવી, વિનય ઓઝા, નિશાંત જોષી, મનીષ ગુરૃંગ, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.

(3:47 pm IST)