Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

આણંદપરનો રંગીલો વિસ્તાર અણમાનીતોઃ ગ્રામ પંચાયત કોઇ પ્રાથમીક સુવિધા આપતું નથીઃ મહિલાઓ ઉમટી પડી

કલેકટરને આવેદનઃ તટસ્થ તપાસ કરાવવા માંગણી અથવા રાજકોટમાં આ વિસ્તાર ભેળવી દયો

આણંદપરના રંગીલા વિસ્તારની મહિલાઓએ કલેકટર કચેરીમાં ધામા નાખી પ્રાથમીક સુવિધા ન હોવા અંગે વિસ્તૃત રજુઆતો કરી હતી.

રાજકોટ, તા., ૯: શહેરની ભાગોળે આવેલા આણંદપર-નવાગામનાં રંગીલા વિસ્તારના લોકોએ ખાસ કરીને મહિલાઓએ કલેકટરને આવેદન પાઠવી પ્રાથમીક સુવિધા આપવા માંગણી  કરી હતી.

આવેદનમાં જણાવેલ કે આણંદપર ગ્રામ પંચાયત હેઠળ આવતો રંગીલા વિસ્તારમાં કોઇ પણ જાતની પ્રાથમીક સુવિધા જેવી કે ભુગર્ભ ગટર, પીવાનું પાણી, સ્ટ્રીટ લાઇટ શેરીઓમાં પાડા રોડ, સફાઇ, શૌચાલય, જાહેર સ્નાગાર તેમજ બાળકોને રમત ગમત માટેનું મેદાન દવાખાના જેવી પ્રાથમીક જરૂરીયાતની સુવિધા અત્યાર સુધીમાં આપવામાં આવેલ નથી.

ઉપર જણાવેલ મુજબની સુવિધા ગ્રામ પંચાયતના હોદેદારોએ દરેક જાતની પ્રાથમીક  સુવિધાઓ અમારા ગામમાં હોય તેવી જાહેરાત કરવામાં આવેલ હતી પરંતુ તે તદન ખોટી વાત છે તો આપને વિનંતી છે કે તટસ્થ અધિકારી પાસે રૂબરૂ સ્થળ તપાસ કરાવીને હકીકત જાણવી જોઇએ.

હકીકતમાં અમારા રંગીલા વિસ્તારમાં આણંદપર નવાગામ ગ્રામ પંચાયત તરફથી કોઇ પણ જાતની પ્રાથમીક સુવિધાઓ અત્યાર સુધીમાં આપવામાં આવેલ નથી. ખાલી ગ્રામ પંચાયત ચોપડાઓ ઉપર તમામ સુવિધાઓ સરકારને બતાવે છે. જે પીવા માટેના પાણીનું કોઇ પણ જાતનું ટાઇમ ટેબલ નથી. પાંચ સાત દિવસે માંડ ર૦ મીનીટ જેવું પાણી આવે છે. અને એ પાણી પણ પીવા લાયક નથી. જેની આપશ્રીએ કોઇ અધિકારી પાસે તપાસ કરાવીને જાણી શકો છો.

સરકારશ્રીની ઘર-ઘર શૌચાલયની યોજના છે તે યોજનાના લાભથી અમારા રંગીલા વિસ્તારને વંચીત રાખેલ છે. અમો ગ્રામ પંચાયતના તમામ કરવેરા નિયમીત ભરીએ છીએ છતા અમારા વિસ્તારને પ્રાથમીક ભૌતીક સુવિધાઓ રાજકીય ભેદભાવ રાખીને વંચીત રાખેલ છે. તો તેની કાયદેસર તપાસ થવી જરૂરી છે અને અમારા વિસ્તારમાં પ્રાથમીક સુવિધાઓ અપાવવા વિનંતી છે.

અમારા રંગીલા વિસ્તારના રહેવાસીઓની આપશ્રી પાસે એક જ માંગણી છે કે અમને પ્રાથમીક ભૌતીક સુવિધા અપાવો અથવા અમારા આણંદપર ગ્રામ પંચાયત વિસ્તારને કોર્પોરેશનમાં સમાવેશ કરો.

(3:41 pm IST)