Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

રંગાલી પાર્ક પાસે ગુ.હા. બોર્ડ કવાર્ટરમાં મહિલા વકિલ અને કૌટુંબીક ભાઇ પર હુમલોઃ એટ્રોસીટી

વકિલ મનિષાબેનનો કૌટુંબીક ભાઇ કાર્તિક બાજુની પી-વિંગમાં કૂતરાને આંટો મરાવવા ગયો ત્યારે આ વિંગના રાજેશ ગાંધી અને આકાશ ગાંધીએ કાર્તિક છોકરીને મળવા આવ્યાનો આરોપ મુકી ડખ્ખો કર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૪: કાલાવડ રોડ પર રંગોલી પાર્ક પાસે ગુ.હા. બોર્ડ કવાર્ટર એન વીંગ ફલેટ નં. ૩૦૩માં રહેતાં અને વકિલાત કરતાં મનિષાબેન રણજીભાઇ વિંજુડા (ઉ.૩૨) નામના દલિત મહિલાને બાજુના પી-વિંગના પાર્કિંગમાં ગાંધી બંધુએ ઝઘડો કરી લાફા મારી દઇ તેમજ પેટના ભાગે બે પાટા મારી તેણીના ભાઇને પણ માર મારતાં મામલો પોલીસ સુધી પહોંચતા એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધાયો છે. મહિલા વકિલના ભાઇ પી-વિંગમાં  એક છોકરીને મળવા આવતાં હોવાની શંકા કરી આ ડખ્ખો કરવામાં આવ્યાનું બહાર આવ્યું છે.

બનાવ અંગે તાલુકા પોલીસે વકિલ મનિષાબેન વિંજુડાની ફરિયાદ પરથી રંગોલી પાર્ક ગુ.હા. બોર્ડ કવાર્ટર પી-વિંગમાં રહેતાં રાજેશ જયંતિલાલ ગાંધી તથા આકાશ જયંતિલાલ ગાંધી સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. મનિષાબેને ફરિયાદમાં જણાવ્યું છે હું એન-વિંગ કવાર્ટરમાં રહુ છું અને વકિલાત કરુ છું. મારા કૌટુંબીક કાકા જયંતિભાઇનો દિકરો કાર્તિક (ઉ.૨૦) બે વર્ષથી અમારી સાથે રહે છે અને આજીડેમ પાસે પોલિટેકનીક કોલેજમાં સિવિલ એન્જીનીયરનો ચોથા સેમમાં અભ્યાસ કરે છે. રવિવારે સાંજે હું ઘરમાં હતી ત્યારે કાર્તિકના મિત્ર જય મકવાણાએ મને ફોન કરી જાણ કરી હતી કે તમારો ભાઇ કાર્તિક તમારા કૂતરાને લઇ આંટો મરાવવા નીકળ્યો હોઇ બાજુના પી-વિંગ કવાર્ટરમાં તેને ઘેરી લીધો છે.

આથી હું ત્યાં દોડી જતાં રાજેશ ગાંધી  અને આકાશ ગાંધી જોર-જોરથી કાર્તિકને ઠપકો આપતાં હતાં. તેને આ બાબતે પુછતાં તેણે કહેલ કે 'આ તમારો ભાઇ અમારા પી-વિંગની છોકરીને મળવા આવે છે' અથી મેં તેમને કહેલ કે 'એ છોકરી કોણ છે? તેને બોલાવી લો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય'. આ વાત બાદ રાજેશ ગાંધીએ કહેલ કે હું એ છોકરીને ઓળખતો નથી. એ પછી આકાશ ગાંધીએ કાર્તિકને ગાળો દઇ ધોલધપાટ કરી ગળામાં નખ ભરાવી દીધા હતાં. તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યો હતો. અમારી વિંગમાં કોઇ દિવસ આવવું નહિ તેમ કહી આકાશે મને પણ ગાલ પર બે-ત્રણ લાફા મારી પેટમાં બે પાટા મારી દઇ મને પણ 'તું અહિથી નીકળ' કહી ગાળો દઇ કાર્તિકનું માથુ પકડી હડધુત કર્યા હતાં.

તાલુકા પોલીસે ગુનો નોંધતા એસસીએસટી સેલના એસીપીશ્રીની રાહબરી હેઠળ વિશેષ તપાસ થઇ રહી છે.

(3:58 pm IST)