Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

પુસ્તક પરિચય

પુષ્ટિદર્શનઃ વૈષ્ણવો માટે માર્ગદર્શક

'પુષ્ટિદર્શન' પુસ્તક પુષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવજનો માટે માર્ગદર્શક છે જ એ સાથે ઈશ્વરમાં આસ્થા ધરાવતા અને સંપ્રદાયમાં રસ ધરાવનાર સર્વે માટે ઉપયોગી છે. ગ્રંથમાં પુષ્ટિમાર્ગની ઘણી મહત્વની બાબતો સમાવિષ્ટ કરાઈ છે.

'પુષ્ટિદર્શન'માં અષ્ટાક્ષર મહામંત્ર, બ્રહ્મસંબંધ, યમુનાષ્ટકમ, વૈષ્ણવજીવન, નારાયણ કવચ, તિલક શા માટે કરવું ?, સેવાનો મુખ્ય સમય, દસ અવતાર, તુલસી પત્રનો ઉપયોગ, પુષ્ટિ માર્ગના પાંચ તત્વ વગેરેનો સમાવેશ કરાયો છે. પુસ્તકનું પ્રકાશન મુંબઈના પરમ ભગવદીય વૈષ્ણવ મુકસેવક ચંદુભાઈ વી. શાહ (પરાગ ચેરીટેબલ ટ્રસ્ટ) એ કર્યુ છે પણ લેખન કાર્ય ભાગવત કથાકાર શ્રી જયવલ્લભ શાસ્ત્રી અને પ્રબોધભાઈ જોષીએ કર્યુ છે. મહામુલા ગ્રંથની કિંમત અમૂલ્ય છે. ૧૮૫ પાનાનો આ ગ્રંથ સરળ ભાષામાં લખાયો છે. મુરબ્બી ચંદુભાઈ શાહએ 'પુષ્ટિદર્શન'નો પંથ આપ્યો છે.

પ્રત્યેક ધર્મમાં કોઈ વ્યકિત દીક્ષા લે છે ત્યારે તેને કોઈ પ્રકારના સંસ્કાર કરવામાં આવે છે તેને દીક્ષા કહેવાય. પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવ થવા માટે બે પ્રકારના સંસ્કાર કરવામાં આવે છે (૧) શરણ મંત્ર ઉપદેશ (૨) આત્મનિવેદન શરણ મંત્ર અષ્ટાક્ષર (આઠ અક્ષર)નો મહામંત્ર છે.

શ્રીકૃષ્ણઃ શરણમમ્ !! બ્રહ્મસબંધ મંત્રયુકત 'પંચાક્ષર' જેને ગદ્યમંત્ર 'બ્રહ્મસબંધ' મંત્ર નિવેદન મંત્ર આત્મનિવેદન નામ દ્વારા નિરૂપણ કરાય છે.

પ્રથમ દીક્ષા અષ્ટાક્ષર મંત્ર દ્વારા અપાય છે. આ મહામંત્ર આદિનારાયણ સ્વરૂપે ભગવાને નારદજીને આપ્યો હતો અને નારદજી દ્વારા તેનો પ્રચાર થયો હતો. જેનુ સેવન કરનાર જીવને મોક્ષ (મુકિત) પ્રાપ્ત થાય છે.

અષ્ટાક્ષર દ્વારા સહજ વૈષ્ણવતા પ્રાપ્ત થાય છે. આ સબંધી ઘણી માહિતકી 'અષ્ટાક્ષર મહામંત્ર' પ્રકરણમાં આપી છે.

તિલક શા માટે કરવું એ વિષે ગ્રંથમાં કહ્યું છે કે, લલાટમાં તિલક કરવું કારણ કે તિલક શ્રી ઠાકોરજીનું ચરણ કમળ છે. તે આપણા સર્વોપરી અંગો પર ધારણ કરવું જેથી આપણું અને આપણને જોનારનું પ્રભુચરણારવિંદમાં ચિત્ત લાગે.

ચરણામૃત લેવા માટે કારણ છે. ચરણામૃત લેવાથી બહારના દેહની શુદ્ધિ થાય છે અને તે મુખ દ્વારા અંદર જાય ત્યારે અંદરના દેહની શુદ્ધિ થાય છે. જેથી ભગવદ્ આનંદ થાય, સવારે સ્નાન કરીને રાત્રે સુતી વેળા ચરણામૃત લેવુ, કોઈના મૃત્યુ બાદ સ્મશાનમાં જવુ પડે ત્યારે આવીને સ્નાન કરી ચરમામૃત લેવું, હોસ્પિટલમાં જવાનું થાય ત્યારે પણ આવીને સ્નાન કર્યા બાદ ચરણામૃત લેવું.

એ જ રીતે તુલસીની સુગંધને રાધાજીના શ્રી અંગની સુગંધ છે. ઠાકોરજી રાધા અધર સુધા વિના બીજુ કંઈ પણ આરોગતા નથી. પ્રભુજીને ભોગ ધરાય ત્યારે તુલસી સમર્પવા.

કિંમતઃ અમૂલ્ય

પ્રકાશકઃ પ્રાપ્તીસ્થાન

સી.વી. શાહ

પરાગ ચેરીટેબલ ટ્રસ્ટ, ૭-કૈલાશ બિલ્ડીંગ ૫૦-પેડર રોડ મુંબઈ-૪૦૦૦૨૬ મો. ૯૩૨૨૪ ૧૭૧૭૪

(3:52 pm IST)