Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

મારવાડી શેર્સ એન્ડ ફાયનાન્સના ચેક રિટર્ન કેસમાં બાકીદારને છ માસની સજા

રાજકોટ તા.૪: આખા દેશમાં ખુબજ સારી નામના ધરાવતી તથા રાજકોટમાં મુખ્ય શાખા ધરાવતી શેર્સ એન્ડ ફાયાનાન્સ લી.એ અમદાવાદના શખ્સ સામે અત્રેની કોર્ટમાં દાખલ કરેલી ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળના કેસમાં છ (૬) માસની સાદી કેદની સજા તથા રૂ.૧૦,૦૦૦નો દંડ કરવાનો હુકમ કરવામાં આવે છે. જો આરોપી દંડ ભરવામાં કસુર કરે તો દિન-૧૦ (દસ)ની સાદી કેદની સજા કરવાનો હુકમ ફરમાવતા ચેક રીટર્નના આરોપીઓમાં ફફડાટ મચી જવા પામેલ છે.

આ કિસ્સાની ટુંકમાં વિગત એવી છે કે, મારવાડી શેર્સ એન્ડ ફાયનાન્સ લી.ને તેમના કલાયન્ટ પીયુષકુમાર ચંદુભાઇ સોની, રહે. બીજી નથુભાઇની ગલી, શાક માર્કેટ ચોક, ગાંગર્વ જવેલર્સ પાસે, રાણીપ અમદાવાદ-૩૮૨૪૮૦એ તેમની બાકી ચૂકવવાની રકમ પૈકીની રકમ ચુકવવા માટે રૂ.૫૦,૦૦૦નો ચેક આપેલ. સદરહું ચેક પીયુષકુમાર ચંદુભાઇ સોનીએ મારવાડી શેર્સ એન્ડ ફાયનાન્સ લી.ને આપ્યા ત્યારે એવું પાકુ. વચન અને ખાત્રી આપેલ કે કંપની તેમના ખાતાવાળી બેંકમાં સદરહું ચેક જમા કરાવશે એટલે તેમને ચેકમાં જણાવેલ રકમ મળી જશે આથી ફરીયાદી કંપની મારવાડી શેર્ચ એન્ડ ફાયનાન્સ લી એ આરોપીના જણાવ્યા મુજબ ચેક પોતાની બેંકમાં રજુ કરતા ચેક વગર વસુલાતે પરત ફરેલ.

આ ફરીયાદોમાં ફરીયાદી કંપનીના એડવોકેટશ્રી કિશન એમ.પટેલે વિવિધ કોર્ટોની ઓથોરીટીઓ ટાંકી દલીલ કરી રજુઆત કરેલ કે આરોપીએ આપોલ ચેક કાયદેસરના લેણા પેટે આપેલ હતો જે ચેક વગર વસુલાતે પરત ફરતા આરોપીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ગુન્હો કરેલ છે. મેજીસ્ટ્રેટશ્રી આર.એસ.રાજપુત ફરીયાદીનો કેસ પુરવાર માની આરોપીને તકસીરવાન ઠરાવી છ  (૬) માસની સાદી કેદની સજા તથા રૂ.૧૦,૦૦૦ નો દંડ કરવાનો હુકમ ફરમાવેલ અને જો આરોપી દંડ ભરવામાં કસુર કરે તો વધુ દિન-૧૦(દસ)ની સાદી કેદની સજા કરવાનો હુકમ તેમજ આ કામના આરોપીએ નામદાર કોર્ટમાં આ કામે જમા કરાવેલ ચેકની રકમ રૂ.૫૦,૦૦૦ ફરીયાદીને ચુકવવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં મારવાડી શેર્સ એન્ડ ફાયનાન્સ લી.વતી રાજકોટના એડવોકેટ કિશન એમ.પટેલ રોકાયેલા છે.(૭.૯)

(3:50 pm IST)