Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

કારની ઠોકરે ચાર્મી વઘાસીયાના મૃત્યુના કેસમાં આકરી કાર્યવાહીની માંગણી સાથે છાત્રાઓની રેલી-આવેદન

૨૯મીએ પંચાયત ચોકમાં ચાર્મી મોદીની કારની ઠોકરે છાત્રાનું મોત થયું હતું: પોલીસે નક્કર કાર્યવાહી નહિ કર્યાનો આક્ષેપ : શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, કોંગી આગેવાનો ગાયત્રીબા વાઘેલા, વિજયસિંહ જાડેજા, અશોકસિંહ વાઘેલા પણ રજૂઆતમાં જોડાયાઃ પોલીસ અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર આવે તેવી ટકોર કરીઃ પોલીસ કમિશ્નર અને કલેકટરને આવેદન : પંચાયત ચોકમાં ચક્કાજામઃ 'વી વોન્ટ જસ્ટીસ'ના સુત્રોચ્ચાર કરાયા

વિદ્યાર્થીની ચાર્મી વઘાસીયાનું કારની ઠોકરે મોત નિપજ્યાના બનાવમાં આરોપી સામે યોગ્ય કાર્યવાહી નહિ થયાના રોષ સાથે આજે મૃતકની સહપાઠી છાત્રાઓએ પંચાયત ચોકમાં ચક્કાજામ કરી સુત્રોચ્ચાર કરી સ્વ. ચાર્મીના પોસ્ટરો સાથે રેલી કાઢી પોલીસ કમિશ્નરશ્રી અને કલેકટરશ્રીને રજૂઆત કરી હતી. કોંગી આગેવાન ગાયત્રીબા વાઘેલા, શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર તેમજ વિજયસિંહ જાડેજા પણ રજૂઆતમાં સામેલ થયા હતાં. રેલી તથા આવેદન અપાયા તે તસ્વીરોમાં જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૪: યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોકમાં ૨૯મીએ મહિલા કાર ચાલકે  માતુશ્રી વિરબાઇમા મહિલા કોલેજની બીસીએની બે છાત્રાને ઉલાળી દીધી હતી. જેમાં એક છાત્રા મુળ જેતપુરના મેવાસા ગામની ચાર્મી વિઠ્ઠલભાઇ વઘાસીયા (ઉ.૧૯)નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું  હતું અને બીજી છાત્રા અમરેલીના મોણપરની ગોપી અશ્વિનભાઇ પરસાણા (ઉ.૧૮)ને ગંભીર ઇજા થઇ હતી. આ કેસમાં પોલીસે આકરી કાર્યવાહી નહિ કર્યાના આક્ષેપ સાથે આજે છાત્રોએ પંચાયત ચોકમાં ચક્કાજામ કરી રેલી કાઢી મૃતક ચાર્મીના ફોટાવાળા બેનર સાથે રાખી 'વી વોન્ટ જસ્ટીસ'ના સુત્રોચ્ચાર કરી પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી. 

પોલીસે આ કેસમાં જે તે વખતે ગુનો નોંધી કારચાલક મહિલા ચાર્મી અપૂર્વ મોદી (રહે. પારસ સોસાયટી)ની ધરપકડ કરી હતી. જો કે અકસ્માતમાં મોતને ભેટેલી છાત્રા ચાર્મીના માતા-પિતા-કુટુંબીજનો અને બીજી છાત્રાઓએ આજે કોંગ્રેસ આગેવાન ગાયત્રીબા વાઘેલા, વિજયસિંહ જાડેજાની આગેવાનીમાં ઘટના સ્થળેથી રેલી કાઢી હતી. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર પણ જોડાયા હતાં. રજૂઆતમાં જણાવાયું હતું કે 'જીવલેણ અકસ્માત'ના ગુનામાં પોલીસે આકરી કલમો હેઠળ કાર્યવાહી કરવી જોઇએ. શહેરમાં અવાર-નવાર હિટ એન્ડ રનની ઘટનાઓ બનતી રહે છે. આ ઘટનામાં મૃત્યુ પામનાર દિકરીના પરિવારજનોને યોગ્ય ન્યાય મળવો જોઇએ.

રજૂઆતમાં જણાવાયું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં વાહન અકસ્માત, હિટ એન્ડ રનની ત્રણ-ચાર ઘટના બની છે. પંચાયત ચોકની ઘટનામાં નિર્દોષ છાત્રાનો ભોગ લેવાયો છે. શહેરમાં ઠેકઠેકાણે સીસીટીવી કેમેરા છે, ટ્રાફિક પોલીસની ફોૈજ પણ હોય છે. આમ છતાં વાહનચાલકો બેફામ બેદરકાર બનીને આવા જીવલેણ અકસ્માત સર્જે છે. આવા વાહન ચાલકો સામે પોલીસ દ્વારા સામાન્ય કલમો હેઠળ ગુનો નોંધવાને બદલે આકરી કાર્યવાહી કેમ થતી નથી? ૨૯મીની ઘટનામાં જીજે૩એફકે-૧૬૫૪ નંબરની કારના ચાલક ચાર્મીબેન મોદીએ બેફામ સ્પીડથી કાર હંકારી નિર્દોષ વિદ્યાર્થીની ચાર્મી વઘાસીયા અને બીજી છાત્રા ગોપીને ઠોકરે ચડાવી હતી. જેમાં ચાર્મી વઘાસીયાનો ભોગ લેવાયો હતો. જીવલેણ અકસ્માત સર્જનાર ચાર્મીબેન મોદી કયારે છુટી ગયા એ પણ ખબર ન પડી!

આવેદનમાં આગળ જણાવાયું છે કે અકસ્માતના આ કિસ્સામાં કાર ચાલક મોટા પરિવારના હોઇ મોટો વહિવટ થયાની પણ ચર્ચા વહેતી થઇ છે. ભલામણોના ધોધને કારણે ભીનુ સંકેલાઇ ગયું હોવાની શકયતા છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતાં. ભુતકાળમાં ફિલ્મીસ્ટાર સલમાન ખાન સામે જે રીતે કાર્યવાહી થઇ હતી તે રીતે ચાર્મી વઘાસીયાના કેસમાં પણ ન્યાય મળવો જોઇએ. જો હિટ એન્ડ રનની આઇપીસી મુજબ કાર્યવાહી નહિ થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. ચાર્મી વઘાસીયાના પરિવારજનોને ન્યાય મળે તે જરૂરી છે. અન્યથા જરૂર પડ્યે આત્મવિલોપન અને આમરણાંત ઉપવાસ આંદોલનની જરૂર પડશે. કાર ચાલક અત્યંત ઓવરસ્પીડમાં હોવાનું પણ ફૂટેજમાં દેખાય છે. કારચાલક ચાર્મીબેન મોદીના બ્લડ રિપોર્ટ પણ લીધા ન હોવાનું જણાય છે. એફએસએલની મદદથી તપાસ જરૂરી છે. રજૂઆતના અંતે જણાવાયું છે કે અમે કોઇ સંગઠન કે સંસ્થાના માણસો નથી, અમારે ચાર્મી વઘાસીયાને ન્યાય અપાવવો છે.

આ રજૂઆતમાં મહિલા કોંગ્રેસ આગેવાન ગાયત્રીબા વાઘેલા, શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, આગેવાન અશોકસિંહ વાઘેલા, વિજયસિંહ જાડેજા પણ જોડાયા હતાં. ગાયત્રીબા વાઘેલાએ રજૂઆત કરી હતી કે પોલીસ માત્ર વીઆઇપીઓની સેવામાં જ વ્યસ્ત રહે છે, આ શહેર જાણે વીઆઇપીઓનું શહેર બની ગયું છે. પોલીસ અધિકારીઓ એ.સી. ચેમ્બરમાં બેસી રહે છે. બહાર નીકળીને જૂએ તો ટ્રાફિક સમસ્યાનો ખ્યાલ આવે. સીસીટીવી શોભાના ગાંઠીયા બની ગયા છે. રેલનગર સહિતના અનેક રસ્તાઓ માટે સ્પીડ બ્રેકરની મંજુરી માટે પચાસેક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ ટ્રાફિક બ્રાંચ તરફથી આજ સુધી મંજુરી મળી નથી. તે કારણે અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. ચાર્મી વઘાસીયાના કેસમાં પોલીસ ન્યાયી તપાસ કરાવે તેવી માંગણી કરવામાં આવી હતી.

 આ ઉપરાંત કલેકટર શ્રી ગુપ્તાને પણ આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

(3:44 pm IST)