Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ખોડલધામના ટ્રસ્ટી પરના હૂમલામાં અજય બોરીચા અને પોલીસ કોન્સ્ટેબલને નોટીસઃ ખાતાકીય તપાસ

ઉતરાયણની સાંજે જલજીત હોલ પાસે ધમાલઃ કોન્સ. રામભાઇ વાંક અને અજય રાયધન બોરીચા સામે ભકિતનગરમાં ગુનો દાખલ થયો હતો : ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ટ્રસ્ટી-ખજાનચી ચિરાગભાઇ ૮ વર્ષની દિકરીને લઇ ફુગ્ગા લેવા નીકળ્યા ત્યારે બનાવ બન્યો'તો

રાજકોટ તા. ૪: ઉતરાયણની સાંજે  આનંદનગર નજીક જલજીત હોલ પાસે કાર પાર્ક કરીને ઉભેલા ખોડલધામના ટ્રસ્ટી, ખજાનચી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આનંદનગર પાછળ ગીતાંજલી પાર્ક-૭માં રહેતાં પટેલ ચિરાગભાઇ ખોડીદાસભાઇ શિયાણી (ઉ.૪૦)ની ઉભેલી કાર પાછળ પોલીસમેનની કાર અથડાતાં ચિરાગભાઇએ ધ્યાન રાખીને ચલાવવાનું કહેતાં કારમાંથી ઉતરેલા પોલીસમેને ઝઘડો કરી બાદમાં બીજા એક શખ્સ સાથે મળી મારામારી અને ગાળાગાળી કરતાં દેકારો મચી ગયો હતો અને લોકોનું ટોળુ ભેગુ થઇ ગયું હતું. આ મામલો પોલીસ સુધી પહોંચતા ભકિતનગર પોલીસે માલવીયાનગરના કોન્સ. રામભાઇ વાંક અને અજય રાયધનભાઇ બોરીચા સામે ગુનો નોંધાયો હતો. આ અંતર્ગત ભકિતનગર પોલીસે સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન મુજબ બંને આરોપી સામે ૪૧ (૧) આઇ મુજબ નોટીસ બજાવી કાર્યવાહી કરી છે. તેમજ પોલીસમેન રામભાઇ સામે ખાતાકીય તપાસ શરૂ થઇ છે.

પોલીસે આ અંગે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૨૭૯, ૪૨૭, ૧૧૪ મુજબ ગુનો દાખલ કર્યો હતો. ચિરાગભાઇએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને રેસકોર્ષ પ્લાઝામાં ઓફિસ આરપીસી કંપનીમાં બેસી વ્યવસાય કરે છે. સંક્રાંતની સાંજે પાંચેક વાગ્યે તેઓ તેમની ૮ વર્ષની દિકરી બીરવાને મર્સીડીઝ કાર જીજે૩કેએચ-૯૫૫૦માં બેસાડીને  જલજીત હોલ ચોકમાં રજવાડી પાન પાસે દિકરી માટે ફુગ્ગા લેવા ગયા હતાં. તે વખતે કાર રજવાડી પાન પાસે ઉભી રાખી પોતે નીચે ઉતરીને થોડે દુર ગયા ત્યારે અચાનક ધડાકો થતાં પાછળ વળીને જોતાં સફેદ કલરની નંબર વગરની કાળા કાચવાળી આઇ ટેન કાર તેમની કાર પાછળ અથડાયેલી જોવા મળી હતી.

તેઓ દોડીને મારી કાર પાસે ગયો ત્યારે અંદરથી એક માણસ નીકળેલ,ં તેને ધ્યાન રાખીને હંકારવાનું કહેતાં તે ઉશ્કેરાઇ ગયેલ અને માથાકુટ થઇ હતી. એ દરમિયાન એ કાર ચાલકે પોતાનું નામ રામભાઇ વાંક હોવાનું અને પોતે પોલીસવાળા હોવાનું કહ્યું હતું. બાદમાં ફોન કરતાં  બીજા શખ્સએ આવીને તેણે પણ મારામારી કરી હતી. તેનું  નામ અજય રાયધન બોરીચા હોવાનું જણાયું હતું.

એસીપી પૂર્વ પ્રદિપસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ પીઆઇ વી. કે. ગઢવી, નિલેષભાઇ મકવાણા સહિતની ટીમે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી હતી. આ ગુનાની તપાસમાં સુપ્રિમ કોર્ટની જોગવાઇ મુજબ બંને આરોપી સામે નોટીસની બજવણી કરવામાં આવી છે અને ચાર્જશીટની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અજય બોરીચાની પોલીસે વિશીષ્ટ ઢબે પુછતાછ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસમેન રામભાઇ વાંક સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. (૧૪.૯)

(3:43 pm IST)