Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

૩૦મા માર્ગ સલામતિ સપ્તાહનો આજથી પ્રારંભઃ ૧૦મી સુધી 'સડક સુરક્ષા, જીવન રક્ષા' સુત્ર હેઠળ વિવિધ કાર્યક્રમો

પોલીસ કમિશ્નર અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર ખત્રી, આરટીઓ મોજીદ્રા અને બંને ડીસીપીની ઉપસ્થિતીમાં ઉદ્દઘાટનઃ બાઇક રેલી યોજાઇ

માર્ગ સલામતિ સપ્તાહની ઉજવણીનો આજથી પ્રારંભ કરાયો છે. સવારે પોલીસ હેડકવાર્ટર ખાતે ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો તેમજ બાઇક રેલી યોજાઇ હતી તેની વિવિધ ક્ષણો તસ્વીરોમાં જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૪: આજથી ૩૦મા માર્ગ સલામતિ સપ્તાહનો પ્રારંભ થયો છે. જેનું ઉદ્દઘાટન આજે સવારે પોલીસ હેડકવાટર્સ ખાતે રંગારંગ રીતે થયું હતું. પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર શ્રી સિધ્ધાર્થ ખત્રી, કલેકટરશ્રી રાહુલ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી બંછાનીધી પાની અને આરટીઓ શ્રી ડી.એમ. મોજીદ્રા તથા બંને ઝોનના ડીસીપી શ્રી રવિકુમાર સૈની અને શ્રી મનોહરસિંહ જાડેજા  સહિતના અધિકારીઓ અને ટ્રાફિક બ્રાંચના અધિકારીઓ અને સ્ટાફે ઉપસ્થિત રહી ઉદ્દઘાટન કર્યુ હતું. સડક સુરક્ષા, જીવન રક્ષા...એ સુત્ર હેઠળ ૧૦મી સુધી માર્ગ સલામતિ સપ્તાહની ઉજવણી થશે અને તે અંતર્ગત જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

આજે ઉદ્દઘાટનમાં પોલીસ અધિકારીઓ ઉપરાંત ટ્રક, બસ, ટેકસી એસોસિએશન, પેટ્રોલ પંપ ઓનર, ડ્રાઇવીંગ સ્કૂલના સંચાલકો, ઓટો રિક્ષા તથા અન્ય વાહનો વેંચતા ડિલરો ઉપસ્થિત રહ્યા હતાં. આ તમામને સીટ બેલ્ટ, હેલ્મેટ બાબતે જાગૃતતા આવે તે માટેના કેમ્પેઇન યોજવા સમજ અપાઇ હતી. તેમજ પીયુસી, વ્મિો, રિફલેકટીવ ટેપની જાગૃતતા, રોંગ સાઇડ ડ્રાઇવીંગ અને લેન ડ્રાઇવીંગ, મોબાઇલ ફોન પર વાતચીત બાબતે જનજાગૃતિ લાવવા સમજ અપાઇ હતી.

આવતી કાલે તા. ૫ના રોજ હેલ્મેટ, સીટ બેલ્ટ, ચાલુ વાહને મોબાઇલ પર વાત નહિ કરવા બાબતે જનજાગૃતિ કેમ્પેઇન યોજવામાં આવશે. શાળા-કોલેજ ખાતે આવા કાર્યક્રમો તેમજ ગ્રામ્ય કક્ષાએ પણ રોડ સેફટી મેળવા યોજાશે. ભારવાહક વાહનોના ડ્રાઇવરોને નિષ્ણાંતો દ્વારા રોડ સેફટીની તાલિમ તથા લાયસન્સ માટે આવતા અરજદારોને મોટર વાહન અધિનીયમ તથા ડ્રાઇવીંગ લાયસન્સના નિમયો બાબતે સમજ અપાશે.

તા. ૬ના રોજ સ્પીડ ગવર્નન્સ ડિવાઇસની ઉપયોગીતા બાબતે ચેકીંગ અને વાહન માલિક તથા ચાલકોને સમજ આપવા રોડ કેમ્પેઇન યોજાશે. આ ઉપરાંત ઓવરસ્પીડ, ડ્રંકન ડ્રાઇવીંગ બાબતે સમજ અને ચેકીંગ, શાળા કોલેજોમાં રોડ સેફટી મેળાનું આયોજન તથા તા. ૭ના રોજ મોટર વાહન અધિનિયમ હેઠળ શાળા કોલેજ ખાતે નિયમોની સમજ આપવા સેમીનાર યોજાશે. ઇંધણ બચાવવાની ટેકનીકલ સમજ પણ અપાશે. આરટીઓમાં આંખ તથા આરોગ્યની ચકાસણીનો કેમ્પ યોજાશે.

તા. ૮ના રોજ ઓવરલોડ અને ઓવર ડાયમેન્શન અંગે સમજ અપાશે. શાળા કોલેજોમાં માર્ગ સલામતિ બાબતે ચિત્ર, નિબંધ, વકતૃત્વ સ્પર્ધા અને કવીઝનું આયોજન થશે. તા. ૯ના રોજ ટ્રાફિક ભંગ બાબત નિયમો અને દંડની સમજ આપતો સેમિનાર તથા રોડ સેફટી મેળાનું ગ્રામ્ય કક્ષાએ આયોજન થશે. તમજ ૧૦મીએ શાળાઓમાં રોડ સેફટી મેળા તથા રેડક્રોસના સહયોગથી રકતદાન શિબીર યોજવામાં આવશે.

આજે માર્ગ સલામતિ સપ્તાહના ઉદ્દઘાટન અંતર્ગત બાઇક રેલી યોજાઇ હતી. જેમાં પોલીસ કમિશ્નરશ્રી અગ્રવાલે ફલેગ આપ્યો હતો. ઉદ્દઘાટન પ્રસંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે જે વાહન અકસ્માતો સર્જાય છે તેમાં ૮૦ ટકા અકસ્માત લોકોની બેદરકારીથી થતાં હોય છે. બાકીના અકસ્માતો ટેકનીકલ કારણોસર કે ધુમ્મસ અથવા વરસાદ સહિતના કારણોસર થતાં હોય છે. લોકોમાં ટ્રાફિક નિયમન માટે જાગૃતિ આવે તે હેતુસરના કાર્યક્રમો થશે. ૧૦મી સુધીમાં જે વાહન ચાલક હેલ્મેટ ખરીદી પોતાની સેલ્ફી લઇ પોલીસને મોકલશે તેવા પાંચ વાહન ચાલકોને પોલીસ પસંદ કરશે અને તેની સાથે પોલીસ અધિકારીઓ ચા પી તેને અભિનંદન પાઠવશે. માર્ગ સલામતિ સપ્તાહ અતર્ગત ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પ્રબુધ્ધો સાથે ચર્ચા પણ થશે. (૧૪.૧૪)

(3:31 pm IST)