Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

લોકડાઉનને સમર્થન આપી કોરોનાને અંકુશ કર્યો તેમ રવિવાર માટેની સૂચનાને પણ અનુસરજો : ગોવિંદભાઇ

રાજકોટ, તા. ૩ : સમગ્ર દેશની જનતાએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની અપીલને માન આપી તારીખ ૧૪ એપ્રિલ સુધી લોકડાઉનને સમર્થન આપીને સમગ્ર વિશ્વને અચંબિત કર્યા છે, એટલુ જ નહીં પરંતુ તેના કારણે કોરોનાના મહાકેરને અંકુશમાં રાખવા પણ સમર્થ બન્યા છે તેમ એક નિવેદનમાં ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલે જણાવ્યું છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે તા. પના રવિવારે રાત્રીના ૯ કલાકે ઘરમાં ૯ મિનિટ સુધી સંપૂર્ણ અંધારપટ રાખીને ઘરની બહાર મીણબત્તી, દીવો કે મોબાઇલની ફલેસ લાઇટ કરીને દેશની એકતા અને સંગઠીત તાકાતનો પરચો બતાવવા આપણા લાડીલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલી અપીલને માન આપી સમગ્ર દેશ એકતાના દર્શન કરાવે તે પણ એટલુ જ જરૂરી છે.

ચૈત્રી નવરાત્રીના દિવસો પૂર્ણ થયા છે મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના કે સમગ્ર દેશ અને દુનિયાને કોરોનાના મહાકેરમાંથી બહાર આવવાની સૌને શકિત આપે અને કોરોનાની લડત લડતા અમો સક્ષમ છીએ તેનો પરિચય આપીએ અને લોકો સર્વશિસ્ત જાળવીને પોતાના ઘરમાંજ રહે બહાર ટોળે ન વળવા પણ અંતમાં ગોવિંદભાઇ પટેલે અપીલ કરી છે.

(3:39 pm IST)