Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

પ્રતિક ધરણા પહેલા ઈન્દ્રનિલ-સાગઠિયાની અટકાયત

સસ્તા અનાજની વિતરણ વ્યવસ્થામાં લાભાર્થીઓને પરેશાની થતી હોવાના મુદ્દે કલેકટર કચેરી સમક્ષ વિરોધ કરવાનું જાહેર કરેલું

રાજકોટ, તા. ૩ :. કોરોનાની મહામારીને મ્હાત આપવા લોકોના સાથથી સતત કાર્યશીલ બનેલી રાજ્ય સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા (બીપીએલ) કાર્ડધારકો માટે સસ્તા અનાજની દુકાનો ઉપરથી મફતમાં અનાજ પર્યાપ્ત કરવાની યોજના તળે વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે. આ વિતરણ વ્યવસ્થા અપુરતી હોવાને કારણે લાભાર્થીઓને પારાવાર પરેશાની થતી હોવાનો વિરોધ વ્યકત કરવા કલેકટર કચેરી ખાતે પ્રતિક ધરણા યોજવાની જાહેરાત કરનાર પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનિલ રાજ્યગુરૂ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયાની ધરણા પૂર્વે જ પોલીસે કાનૂની જોગવાઈ હેઠળ અટકાયત કરી હતી.

ગઈકાલે આ બન્ને રાજકીય આગેવાનોએ કલેકટર કચેરી સમક્ષ ધરણા કરવાની જાહેરાત કરી હોવાથી પોલીસ અને પ્રશાસન પહેલેથી જ સતર્ક બન્યુ હતું. લોકડાઉનના સંજોગોમાં વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ઘટે નહિ તે માટે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અને ભકિતનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે બન્ને કલેકટર કચેરીએ પહોંચે તે પૂર્વે જ રસ્તામાં તેમની કાર આંતરી સમજાવટથી પોલીસ વાહનમાં બેસાડી દીધા હતા. ત્યાર બાદ બન્નેને પોલીસ સ્ટેશને લઈને જવામાં આવ્યા હતા જ્યાં શાંતિ જોખમાય નહિ તે માટે આઈપીસી ધારાની કલમ ૬૮ મુજબ બન્નેની અટકાયત કરવામાં આવી હતી. આ કલમ હેઠળ જાહેરનામાના ભંગ બદલ પગલા લેવાય છે. થોડા કલાકો બાદ આ બન્નેને પોલીસની અટકાયતમાંથી મુકત કરવામાં આવશે તેવુ પોલીસ અધિકારીઓએ જણાવ્યુ હતું. તસ્વીરમાં બન્ને આગેવાનોને તેમના ખાનગી અને સરકારી વાહનો અટકાવી પોલીસ વાનમાં બેસાડી દેવાતા નજરે પડે છે.

આ તકે વશરામ સાગઠિયાએ જણાવ્યુ હતુ કે ગરીબ અને શ્રમિકો જ્યારે રાશન વગર ભૂખથી ટળવળતા રઝળપાટ કરે છે ત્યારે પોલીસ લાકડીઓ વિંઝતી ફરે છે. સરકાર દ્વારા વિતરણ વ્યવસ્થાનું આ આયોજન ક્રૂર મજાકરૂપ છે.

પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનિલભાઈ રાજ્યગુરૂએ જણાવ્યુ હતુ કે, વિજયભાઈ રૂપાણીના તાબા હેઠળની રાજ્ય સરકાર ગરીબી રેખા નીચે જીવતા લોકોને આસાનીથી રાશન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા ઉણુ ઉતર્યુ છે. લોકડાઉન અને કર્ફયુ જેવી સ્થિતિમાં લોકોને પોતાના હક્કનું અનાજ મેળવવા આમથી તેમ ભટકવુ પડે છે તે સરકારની સરેઆમ નિષ્ફળતા સાબિત કરે છે. આ તંત્ર લોકશાહીમાં વિરોધ પ્રદર્શન પણ કરવા દેતુ નથી તે જગજાણીતુ છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:20 pm IST)