Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

દવાની દુકાનો રાત્રે ૯ વાગ્યા સુધી ખુલી રાખવા દેવા પોલીસ કમિશનર સમક્ષ માંગણી

સી. પી. મનોજ અગ્રવાલ વતી ડી. સી. પી. મનોહરસિંહ જાડેજાએ કેમીસ્ટ એસો.ના હોદેદારો પાસેથી આવેદન સ્વીકાર્યુ : ડોકટર્સ રાત્રે નવ વાગ્યા સુધી બેસતા હોય, સાંજે સાત વાગ્યાથી દુકાનો-કારખાના બંધ થતા લોકો દવાખાને જતા હોય, સોશ્યલ ડીસ્ટન્સીંગ સહિતના કારણો અપાયા.

રાજકોટ તા. ર :.. ગઇકાલ તારીખ ૧ જુન, ર૦ર૦ થી અનલોક-૧.૦ શરૂ થયેલ છે. જેમાં મોટાભાગની બજારો ધમધમતી થઇ ગઇ છે અને લોકો ફરી પાછા રોજીંદી પ્રવૃતિઓમાં જોતરાઇ ગયા છે. મંજૂરી અપાયેલ તમામ દુકાનો  સાંજે સાત વાગ્યા સુધી  ખૂલી રાખવામાં આવી રહી છે.

આ બધી બાબતો વચ્ચે આજરોજ કેમીસ્ટ એસોસીએશન રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજા તથા મંત્રી અનિમેષ દેસાઇ અને અન્ય હોદેદારો દ્વારા રાજકોટના પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલને શહેરની તમામ દવાની દુકાનો રાત્રે ૯ વાગ્યા સુધી ખુલી રાખવા દેવા રજૂઆત કરવામાં આવી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વતી રાજકોટના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ મનોહરસિંહ જાડેજાએ આવેદન સ્વિકાયુંર્ હતું. આવેદનમાં જણાવાયું છે કે દવાઓ એસેન્સીયલ કોમોડીટીમાં આવતી હોવાથી લોકડાઉન ૪.૦ સુધી સાંજના ૭ વાગ્યાથી કર્ફયુ શરૂ થતો હતો ત્યારે  મેડીકલ સ્ટોર્સને સાંજે ૭ વાગ્યા સુધી ખુલા રાખવાની છૂટ આપવામાં આવતી હતી. જે અનુસંધાને અનલોક-૧ માં કર્ફયુ રાત્રે ૯ વાગ્યાથી શરૂ થાય છે. જે મુજબ મેડીકલ સ્ટોર્સ ખૂલા રાખવાની મંજુરી આપવામાં આવે. ઉપરાંત ઘણાં લોકો કર્ફયુ લાગુ થાય તે પહેલા રાત્રે ૯ વાગ્યા સુધી ઓપીડી ચાલુ રાખતા - બેસતા ડોકટર્સ પાસે તબિયત બતાવવા જતા હોય છે. સાંજે ૭ વાગ્યાથી દુકાનો - કારખાનાઓ બંધ થતા હોય, લોકો ત્યાંથી સીધા પણ ડોકટર્સ પાસે જતા હોય છે. સોશ્યલ ડીસ્ટન્સીંગ પણ અનિવાર્ય છે. આ તમામ બાબતે લોકોને હેરાનગતિ ન થાય અને બાજુના મેડીકલ સ્ટોર્સમાંથી જ દવાઓ  સરળતાથી મળી રહે તે માટે પણ રાત્રે ૯ વાગ્યા સુધી રાજકોટના તમામ મેડીકલ સ્ટોર્સને ખૂલા રાખવા મંજૂરી આપવાની માંગણી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ  સમક્ષ કરવામાં આવી છે.

(3:49 pm IST)