Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

મ.ન.પા.માં કોરોના માટે ખાળે ડુચા અને દરવાજા મોકળા..!

થર્મલ સ્કેનિંગ - સેનીટાઇઝશનનો અભાવ : કર્મચારી - અરજદારો મોજથી ફરે છે

૨૦ એપ્રિલના કેન્દ્ર સરકારના પરિપત્રનું ખુલ્લેઆમ ઉલ્લંઘન : ફોર વ્હીલમાં પણ ૪ થી ૬ કર્મચારીઓ બેસે છે : શું મ.ન.પા.ના કર્મચારીઓ કોરોના પ્રુફ છે?

રાજકોટ તા. ૨ : સરકારે અનલોક ૧.૦ અને અને અગાઉ લોકડાઉન વખતે સરકારી કચેરીઓમાં આવતા કર્મચારીઓ અરજદારોનું થર્મલ સ્ક્રેનીંગ સેનીટાઇઝેશન સહિતના નિયમોનો ચુસ્ત અમલ કરવા ૨૦ એપ્રિલે પરિપત્ર પ્રસિધ્ધ કર્યો હતો પરંતુ તેની અમલવારી અનલોક ૧.૦માં પણ મ.ન.પા.ના તંત્રવાહકોએ નથી કરી.

આ અંગે મ.ન.પા.ના આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ લોકડાઉન વખતે સરકારી કચેરીના માત્ર આવશ્યક સેવાના કર્મચારીઓ જ ઓફિસ અને ફીલ્ડવર્ક ઉપર જતાં હતા. તે વખતે એટલે કે ૨૦ એપ્રિલે કેન્દ્ર સરકારે પરિપત્ર બહાર પાડી સરકારી કર્મચારીઓનું થર્મલ સ્કેનીંગ તથા સેનીટાઇઝર સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરવા જણાવાયું છે પરંતુ ચોથા લોકડાઉન દરમિયાન આ નિયમોનું ચુસ્ત પાલન કરવામાં મ.ન.પા.નું તંત્ર નિષ્ફળ રહ્યું એટલું જ નહીં હવે અનલોક ૧.૦ માં મ્યુ. કોર્પોરેશનની તમામ કચેરીઓ ખોલી નંખાઇ છે. અરજદારો મોટી સંખ્યામાં આવવા લાગ્યા છે ત્યારે પણ કર્મચારીઓ અને અરજદારોનું થર્મલ સ્કેનીંગ થતું નથી. ઓટોમેટીક સેનીટાઇઝેશન મશીન પણ નથી. ફકત કેટલીક શાખામાં હેન્ડ સેનીટાઇઝેશન છે.

આ ઉપરાંત સરકારના નિયમ મુજબ બે સીટર ફોર વ્હીલરમાં ડ્રાઇવર સહિત ત્રણ અને ૬ સીટરમાં ૪ વ્યકિતઓને જ બેસવાની છૂટ છે છતાં મ્યુ. કોર્પોરેશનના ફીલ્ડ વર્કમાં જતી કાર અને જીપમાં ચાર થી ૬ કર્મચારીઓ બેઠેલા નજરે પડે છે. આમ, કલેકટરના જાહેરનામાનો પણ ભંગ થતો જોવા મળે છે.

આમ, સામાન્ય પ્રજા પાસે થર્મલ ગન સહિતના નિયમોનું પાલન કરાવનાર મ.ન.પા.નું તંત્ર ખુદ નિયમો પાળવામાં નિષ્ફળ રહ્યું છે અને હવે તો કચેરીઓ ખુલી ગઇ છે. સેન્ટ્રલ ઝોનમાં જ અંદાજે ૧૫૦૦ થી ૨૦૦૦ કર્મચારીઓ ઉપરાંત અરજદારો, કોર્પોરેટરો, કાર્યકરો વગેરે આવે તે જુદા. ટુંકમાં હાલમાં કચેરીમાં અંદાજે ૨ થી ૩ હજાર લોકો ફરે છે ત્યારે કોરોના માટે 'ખાળે ડુચા અને દરવાજા મોકળા જેવી સ્થિતિ છે.'

ત્યારે જો તંત્રવાહકો ગંભીરતાપૂર્વક સરકારના નિયમોનું પાલન નહી કરાવે તો મ.ન.પા.નો સ્ટાફ સંક્રમીત થવાની ભીતી છે.(૨૧.૧૮)

થર્મલ સ્કેનીંગ માટે છેક... હવે ૧૦૦ થર્મલ ગનનો ઓર્ડર અપાયો

રાજકોટ : મ.ન.પા.ની કચેરીઓ ધમધમી છે. રોજ ૨ થી ૩ હજાર લોકો કચેરીમાં હરે-ફરે છે છતાં થર્મલ ગનની મેડીકલ સ્ક્રીનીંગ હજુ શરૂ નથી થયું. જોકે હવે તંત્રને ગંભીરતા સમજાતા ૧૦૦ થર્મલ ગનનો ઓર્ડર અપાયો છે પરંતુ તેનો અમલ શરૂ થતા હજુ એક-બે દિવસ લાગશે ત્યાં સુધી રામભરોસે કચેરી ચાલશે.

(3:02 pm IST)