Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

મરેલા ઢોર ઉપાડવાના ધંધામાં તમે આડા પડો છો... કહી પિતા-પુત્ર પર ૧૧ શખ્સોનો હુમલો

મોરબી રોડ રોહિદાસપરામાં બનાવઃ હવે તો બધાને જીવતા મારી નાંખવા છે...તેવી ધમકી પણ દીધી : ચમાર યુવાન રમેશભાઇ સાગઠીયા અને તેના પિતા કાળાભાઇ સાગઠીયાને ઇજા

રાજકોટ તા. ૨: રોહિદાસપરામાં ચમાર પિતા પુત્ર પર મરેલા ઢોરના કામના મનદુઃખમાં અગિયાર જણાએ મંડળી રચી ધોકાથી હુમલો કરતાં ફરિયાદ થઇ છે. ઘાયલ પિતા-પુત્રને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી.

બનાવમાં બી-ડિવીઝન પોલીસે રોહિદાસપરા મેઇન રોડ શેરી નં. ૭માં રહેતાં અને ડ્રાઇવીંગ કરવા ઉપરાંત મરેલા ઢોર ઉપાડવાનું કામ કરતાં રમેશભાઇ કાળાભાઇ સાગઠીયા (ચમાર) (ઉ.વ.૪૯)ની ફરિયાદ પરથી ૧૧ શખ્સો સુરેશ દુદાભાઇ રાઠોડ, વિજય દુદાભાઇ રાઠોડ, કાળુ દુદાભાઇ રાઠોડ, બાબુ દુદાભાઇ રાઠોડ, ભગો સુરેશભાઇ રાઠોડ, હેમલ કાળુભાઇ રાઠોડ, ધવલ કાળુભાઇ રાઠોડ, બાબુનો છોકરો, ભીમો પરબતભાઇ રાઠોડ, ભુરો પરમાર અને કાળુ પરમાર સામે આઇપીસી ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૪૩, ૧૪૭, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

રમેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે  હું પરિવાર સાથે રહુ છું અને ડ્રાઇવીંગ કરુ છું. વાલજીભાઇ ગોહેલને મહાનગર પાલિકાનો મરેલા ઢોર ઉપાડવાનો કોન્ટ્રાકટ હોઇ તેમાં મારા પિતા પેટા કોન્ટ્રાકટમાં છે. જેથી હું મરેલા ઢોર ઉપાડવાનું કામ પણ કરુ છું. સાંજે આઠેક વાગ્યે હું, પિતાજી કાળાભાઇ, નાનોભાઇ શૈલેષ સહિતના લોકો ઘરમાં હતાં અને હું ન્હાવા ગયો હતો ત્યારે સુરેશ રાઠોડ સહિતના આવ્યા હતાં અને મારા પિતાજી તથા ભાઇ સાથે ઝઘડો કરવા માંડ્યા હતાં. હું બહાર આવ્યો હતો અને શા માટે ઝઘડો કરો છો? તેમ કહેતાં તેણે 'તમે લોકો અમારા મરેલા ઢોર ઉપાડવાના ધંધામાં આડા પડો છો એટલે...' તેમ કહી ઝપાઝપી શરૂ કરી હતી. મને કોઇએ પાછળથી માથામાં ધોકો મારી દેતાં લોહી નીકળવા માંડ્યા હતાં.

એ પછી મારા પિતાજીને પણ સુરેશે ધોકો મારી દેતાં ખભા પર ઇજા થઇ હતી. ત્યાં બીજા લોકો ભેગા થઇ જતાં બધા ભાગી ગયા હતાં. કોઇએ ૧૦૮ બોલાવતાં મને અને મારા પિતાને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. મારા પિતાએ મહાપાલિકાનો મરેલા ઢોરનો પેટા કોન્ટ્રાકટ રાખ્યો હોઇ અમને વધુ કામ મળતું હોઇ અને સામાવાળાને વધુ કામ મળતું ન હોઇ જેથી ખાર રાખી અગિયાર જણાએ મંડળી રચી ઘરે આવી હુમલો કર્યો હતો અને હવે તો તમને બધાને જીવતા મારી નાંખવા છે તેવી ધમકી આપી હતી.

પીએસઆઇ એન. જે. જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.

(12:54 pm IST)