Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

બ્રેન્ટ ક્રૂડ ૨૦૦૩ પછીની સૌથી નીચી સપાટીએ

બ્રેન્ટ ક્રૂડ મે ડિલિવરી વાયદો શુક્રવારે ૭.૩૩ ટકા ગગડીને બેરલદીઠ ૨૪.૪૧ ડોલર બોલાયો હતો

ન્યૂ યોર્ક તા. ૩૦ : કોરોના વાઈરસે વિશ્વનાં કોમોડિટી માર્કેટમાં હાહાકાર મચાવ્યો છે. ભારત સહિત વિશ્વનાં અનેક બજારો ગોથા ખાઈ રહ્યા છે અને ભારે અફરાતફરી જોવા મળી રહી છે. કોરોના વાઈરસને કારણે વિશ્વનાં અનેક દેશોમાં લોકડાઉન છે. વાહનો, ટ્રેનો અને વિમાનોનાં ઉડ્ડયનો બંધ થઈ ગયા છે. આખા વિશ્વનો વ્યવહાર ઠપ થઈ ગયો છે. પરિણામે અનેક દેશોમાં ક્રૂડ ઓઈલની માંગમાં જંગી ગાબડાં પડયા છે. ઉત્પાદન વધારીને મોટો માર્કેટ હિસ્સો મેળવી લેવાની તક ઝડપવા માગતા સાઉદી અરેબિયાને ક્રૂડનાં ખરીદારો મેળવવા ફાંફા પડી રહ્યા છે.વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડનાં ભાવમાં ૭ ટકાનો ઘટાડો થયો છે અને તેનાં ભાવ ૨૦૦૩ પછીની નીચી સપાટીએ ગયા છે. શુક્રવારે નોર્થ સી બ્રેન્ટ ક્રૂડનાં ભાવ ૧૭ વર્ષનાં તળીયે ગયા હતા. બ્રેન્ટ ક્રૂડ મે ડિલિવરી વાયદો શુક્રવારે ૭.૩૩ ટકા ગગડીને બેરલદીઠ ૨૪.૪૧ ડોલર બોલાયો હતો. જયારે વેસ્ટ ટેકસાસ ઈન્ટરમીડિયેટ ૫.૯૭ ટકા ઘટીને બેરલે ૨૧.૧૫ ડોલર થયો હતો. કોરોનાએ ક્રૂડ ઓઈલ માર્કેટનું આખું ગણિત ખોરવી નાંખ્યું હતું. જો કે સાઉદી અરેબિયા અને રશિયા વચ્ચે ગળાકાપ ભાવ સ્પર્ધાને કારણે આ મહિને ક્રૂડ વાયદો પણ નજીવો વધ્યો હતો. ઓપેકનાં દેશોઓ ઉત્પાદન વધારવાનું બંધ કર્યું પણ સાઉદી અરેબિયાએ સપ્લાય વધાર્યો હતો. દરમિયાન ઓઇલ ક્ષેત્રના નિષ્ણાતો ક્રૂડનો જંગી સ્ટોક જોતા એવી આગાહી કરી રહ્યા છે કે જો વહેલી તકે ઔદ્યોગિક ઉત્પાદન શરૂ નહીં થાય તો ભાવ દસ ડોલરે પહોંચે એવી પૂરી શકયતા છે.

(3:53 pm IST)