Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

૩ અઠવાડીયાના લોકડાઉનથી દૂર થશે રોગ

૯૦ ટકા વસ્તી નિયમો પાળે તે જરૂરી : સીડની યુનિવર્સિટીના અભ્યાસનું તારણ

નવી દિલ્હી : લોકડાઉનના કારણે લોકો ઘરોમાં હેરાન પરેશાન છે. કોરોના વાયરસની બીકથી લોકો જરૂરી સામાન લેવા પણ બહાર આવવાની હિંમત નથી કરી શકતા. આ દરમ્યાન એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે જો લોકડાઉનને માનવામાં આવે તો કોરોનાનો કહેર ૩ અઠવાડીયામાં ખતમ થઇ શકે છે.

આ અભ્યાસ યુનિવર્સિટી ઓફ સીડનીએ કર્યો છે. આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જો ૯૦ ટકા વસ્તી કેટલાક અઠવાડીયા સામાજીક અંતર જાળવી રાખે અને લોકડાઉનના નિયમોનું પાલન કરે તો આ રોગ ઝડપથી કંટ્રોલ થઇ શકે છે પણ જો ૮૦ ટકા વસ્તી સોશ્યલ ડીસ્ટન્સીંગ અને લોકડાઉનના નિયમોનું પાલન કરે તો કોરોનાને કંટ્રોલ કરવામાં ૩ મહિના  લાગશે.

અત્યારે કોરોનાના કારણે કેટલાય દેશોમાં લોકડાઉનની સ્થિતિ છે. ભારતમાં પણ સંપૂર્ણ લોકડાઉન છે. આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જો ૭૦ ટકાથી ઓછી વસ્તી લોકડાઉનના નિયમોનું પાલન કરે તો કોરોનાને કંટ્રોલ કરવાનું બહુ અઘરૂ બની જશે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ઓછામાં ઓછી ૮૦ ટકા વસ્તીએ આગામી ૪ મહિના સુધી સોશ્યલ ડીસ્ટન્સીંગના નિયમોનું પાલન કરવું પડશે. અભ્યાસમાં એ પણ કહેવાયું છે કે જેટલા દિવસ આ નિયમોને અવગણવામાં આવે એટલો જ વધારે સમય સોશ્યલ ડીસ્ટન્સીંગના નિયમોનું કડક પાલન કરવું પડશે.

(3:52 pm IST)