Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કેન્દ્રીય કર્મચારીઓ આનંદો !

વાર્ષિક મૂલ્યાંકન રિપોર્ટ (APAR) ફાઈલ કરવાની અંતિમ તારીખ ૧૫ એપ્રિલથી વધારીને ૩૦ જૂન કરી દીધી

નવી દિલ્હી તા. ૩૦ : કોરોના વાઈરસના સંકટ અને લોકડાઉન વચ્ચે મોદી સરકારે કેન્દ્રિય કર્મચારીઓને મોટી રાહત આપી છે. કર્મચારીઓને વાર્ષિક મૂલ્યાંકન રિપોર્ટ (APAR) ફાઈલ કરવાની અંતિમ તારીખ ૧૫ એપ્રિલથી વધારીને ૩૦ જૂન કરી દીધી છે.

૨૭ માર્ચ ૨૦૨૦એ કર્મચારી અને તાલીમ વિભાગની એક ઓફિસ મેમોરેન્ડમમાં આ બાબતો સૂચના આપવામાં આવી છે. જે મુજબ નોવેલ કોરોના વાયરસના સંક્રમણને કારણે પેદા થયેલી સ્થિતિને જોતા એપીએઆર રિકોર્ડિંગ સંબંધી કેટલીક પ્રવૃત્તિઓ માટે ડેડલાઈન આગળ વધારવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે.

કેન્દ્રીય સેવાઓના ગ્રુપ-એના અધિકારીઓ સંબંધી મૂલ્યાંકન રિપોર્ટ જમા કરવાની સમય મર્યાદા પણ વધારી દેવામાં આવી છે. પહેલાંના કાર્યક્રમ અનુસાર, તમામ અધિકારીઓના એપીએઆર વિતરણની તારીખ ૩૧ માર્ચ હતી. જેને હવે વધારીને ૩૧ મે કરી દેવામાં આવી છએ. આ સિવાય અન્ય કર્મચારીઓ દ્વારા રિપોર્ટિંગ અધિકારી પ્રદર્શન મૂલ્યાંકન રિપોર્ટ (જયાં લાગુ થાય) સોંપવાની છેલ્લી તારીખ ૧૫ એપ્રિલથી વધારીને ૩૦ જૂન કરી દેવાઈ છે.

હાલ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જયારે આ પહેલાં સંક્રમણના ખતરાને જોતા કેન્દ્રએ ૫૦ વર્ષથી વધુની ઉંમરના કર્મચારીઓને સરકારે ૧૫ દિવસ કવોરંટાઈનમાં રહેવાની મંજૂરી આપી દીધી છે. જેના માટે આ કર્મચારીઓએ મેડિકલ સર્ટિફિકેટ પણ આપવો નહીં પડે. મોટાભાગના કર્મચારીઓને ઘરેથી કામ કરવા અને ફોન અને અન્ય કોમ્યુનિકેશનના માધ્યમથી સેવા આપવાનું કહેવામાં આવ્યું છે. જયારે પણ જરૂર પડે છે ત્યારે તેમને ઉપલબ્ધ રહેવામાં આવે છે.

(11:28 am IST)