Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

'ચાર સમોસા મોકલો' : હેલ્પલાઇન નંબરમાં રાત્રે પોલીસને આવ્યો ફોન

ચેતવણી આપવા છતાં ના માન્યો તો પોલીસે સમોસા પહોંચાડ્યા અને સબક પણ શીખવાડ્યો

લખનૌ : લોકડાઉનના કારણે લોકોને કોઇપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે અને જરૂરિયાતનો સાંમાન ઘરમાં જ ઉપલબ્ધ થઇ શકે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા જારી કરવામાં આવેલા નંબરો પર કૉલ કરીને જરૂરી સામાન મંગાવે છે તેવામાં આ વ્યવસ્થાનો દુરુપયોગ થવાનો કિસ્સો બહાર આવ્યો છે ઉત્તર  પ્રદેશના રામપુર જિલ્લાના ડોરસ્ટેપ ડિલિવરીની આ વ્યવસ્થાની આડમાં પોલીસ સાથે મજાક કરવી એક યુવકને ભારે પડી. રામપુરના રહેવાસી એક યુવકે રવિવારે રાતે હેલ્પલાઇન નંબર પર ફોન કરીને પોલીસને તેના ઘરે ચાર સમોસા પહોંચાડવા કહયું.

પોલીસે યુવકની બદમાશી પકડી લેતા તેને એકવાર ઇનકાર કર્યો પરંતુ ચેતવણી આપ્યા બાદ પણ તે ન માન્યો તો પોલીસે મજબૂરીમાં તેના ઘર સુધી સમોસા પહોંચાડવા પડ્યાં. પોલીસે તેને સમોસા તો આપ્યા પરંતુ સાથે જ સરકારી સુવિધાનો દુરુપયોગ કરવાના કારણે તેને સજા પણ આપવામાં આવી.

રામપુરના ડીએમે રવિવારે રાતે ટ્વીટ કરીને જણાવ્યું કે યુવક ચાર સમોસા મોકલવાની જિદ કરી રહ્યો હતો. તેને ચેતવણી આપવામાં આવી પરંતુ તેમ છતાં તે ન માન્યો અને પોલીસે સમોસા મોકલવા પડ્યાં. આમ કરીને તેણે કંટ્રોલ રૂમને પરેશાન કરવાનું કામ કર્યુ.

તેની સજામાં તેની પાસે સામાજિક કાર્ય અંતર્ગત નાળાની સફાઇ કરાવવામાં આવી. ડીએમે નાળુ સાફ કરવા દરમિયાન સમોસા મંગાવનાર યુવકની તસવીર શેર કરતા લખ્યું નાળુ સાફ કરીને સામાજિક કાર્યમાં યોગદાન આપીને પ્રશાસનને સહયોગ આપતા વ્યવસ્થાનો દુરુપયોગ કરનાર વ્યક્તિ.

ડીએમે આગળ લખ્યું કે રાષ્ટ્રીય આપદાના સમયમાં આપસૌનો સહયોગ પ્રાર્થનીય છે. તેમણે લોકોને અપીલ કરી છે કે તે જવાબદાર નાગરિક બને. સ્વસ્થ રહે. સુરક્ષિત રહે.

(11:12 am IST)