Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

વસ્તી ગણતરી થવાની તૈયારી વચ્ચે હવે કોરોનાની હાડમારી

સર્વે ભવન્તુ સુખિન, સર્વે સંતુ નિરામય : વર્ષ ૧૯૧૧થી ૧૯૨૧ના દશકમાં આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી : ૧૦૦ વર્ષ બાદ ફરી કોરોનારૂપે મહામારી

અમદાવાદ,તા.૨૯  : ભારતની વસ્તીગણતરીના ઈતિહાસમાં ૧૯૨૧ના વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તીગણતરી દરમિયાન ભારતની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. આ વસ્તી ઘટાડાનું કારણ રોગો હતાં. ૨૦૨૧માં આ સ્થિતિ નિર્માણ થવાં માટે કોરોના વાયરસ નામનો રોગ આવ્યો છે. ૨૧  દિવસ નાગરિકોને ઘરમાં રહીને આજે ઉભી થયેલી વૈશ્વિક મહામારીમાંથી ભારતને બચાવવાની હાકલ કરાઈ છે. ૧૯૧૮માં સ્પેનિશ ફલ્યુના પરિણામે વૈશ્વિક હાડમારી ઉભી થઈ હતી. લગભગ ૧૦ કરોડ લોકોના મૃત્યુ થયાં હતા. ભારત એકલામાં ૧.૭ કરોડના મૃત્યુ  થયા હતા. ભારતના ઇતિહાસમાં અત્યંત અંધારા સમાન આ વર્ષ હતું. ૧૯૧૭માં ઉત્તર ચાઈનામાં ફેલાયેલો ફલ્યુ બોસ્ટન પહોંચ્યો હતો. બોસ્ટનથી યુરોપિયન દેશો અને ત્યાંથી ભારતમાં આવ્યો હતો. આ તરફ બીજા વિશ્વ યુદ્ધને લીધે તબીબો આવશ્યક સેવામાં રોકાયેલા હતા.

         ચીન અને સ્પેનથી ફેલાયેલો આ વાયરસ ઝડપથી વિશ્વભરમાં ફેલાઈ ગયો હતો. ઈન્ફલુએન્ઝાનો રોગ પણ ફેલાયો હતો. દુષ્કાળની સ્થિતિ ભારતમાં નિર્માણ થઈ હતી. આમ રોગચાળો, કુદરતની થપાટ, આરોગ્યની ઓછી જાગૃતિ, ઓછી સગવડો, શિક્ષણનો અભાવન  પરિણામે ભારતની વસ્તી ૧૯૨૧માં ધરવા પામી હતી. મૃત્યુનું પ્રમાણ વધ્યુ હતું. ૧૯૨૦માં વિશ્વની વસ્તી લગભગ ૧.૮૧ અબજ હતી. ભારતની વસ્તી ૧૯૨૧માં ૨૫ કરોડ ૧૩ લાખ હતી.   ૨૦૧૧માં ભારતની વસ્તી ૨૫ કરોડ ૨૦ લાખ હતી. ૧૯૦૧થી ૧૯૧૧ની વચ્ચે ભારતની વસ્તીમાં ૫.૮ ટકાનો  વધારો થયો હતો.

          ૧૯૧૧થી ૧૯૨૧ના દસકામાં ભારતની વસ્તીમાં -૦.૦૩ ટકાનો ઘટાડો થયો હતો. ૧૯૨૧થી ૧૯૩૧ના દસકા દરમિયાન ભારતની વસ્તીમાં ૧૧ ટકાનો વધારો થયો હતો. ભારતમાં દર દસ વર્ષે વસ્તીગણતરી થાય છે. છેલ્લી વસ્તી ગણતરી ૨૦૧૧માં થઈ હતી. ૨૦૨૧માં વસ્તીગણતરી થવાની તૈયારીઓ થઈ ગઈ છે. આ બધાયની વચ્ચે કોરોના વાયરસની હાડમારી આવી છે. આખાયે વિશ્વમાં આ વાયરસને પરિણામે ટપોટપ માનવો મરી રહ્યા છે. આ પ્રકારની સ્થિતિ ૧૯૧૧થી ૧૯૨૧ના દસકામાં ઉભી થઈ હતી. ૧૯૨૧માં ભારતમાં તેની વ્યાપક અસર થઈ હતી. ૧૦૦ વર્ષ બાદ ૨૦૨૧ની વસ્તીગણતરી ડોકાઈ રહી છે. ત્યારે પુનઃ કોરોના વાયરસની બિમારી ઉભી થઈ છે.

(12:00 am IST)