Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

બેલગામ કોરોના : ૨૪ કલાકમાં ૩,૫૨,૯૯૧ કેસ : ૨૮૧૨ના મોત

કોરોના વાયરસ એકધારો ધુણી રહ્યો છે : દેશમાં એકટીવ કેસ ૨૮ લાખ ઉપર : કુલ કેસ ૧,૭૩,૧૩,૧૬૩ : દેશમાં કુલ મૃત્યુઆંક ૧,૯૫,૧૨૩ : કુલ સાજા થયા ૧,૪૩,૦૪,૩૮૨ : કુલ વેકસીનેશન ૧૪,૧૯,૧૧,૨૨૩

નવી દિલ્હી તા. ૨૬ : દેશમાં કોરોનાની બીજી લહેરે તાંડવ મચાવ્યું છે. પ્રતિદિન કોરોનાના નવા દર્દીઓ અને કોરોનાથી થતા મોતની સંખ્યા વધી રહી છે. સતત વધતા કેસને કારણે દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થા વેરવિખેર થઇ ગઇ છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩,૫૨,૯૯૧ નવા કેસ આવ્યા છે અને આ દરમિયાન ૨૮૧૨ લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ આંકડો કોઇ પણ દેશમાં ૧ દિવસમાં મળેલા કોરોનાના દર્દીઓ અને કોવિડથી થયેલા મોતનો સૌથી વધુ છે.  મળતા અહેવાલો મુજબ આ સાથે ૨૪ કલાકમાં ૨,૧૯,૨૭૨ લોકો સાજા પણ થયા હતા. કુલ કેસ ૧,૭૩,૧૩,૧૬૩ થયા છે અને કુલ રીકવરી ૧,૪૩,૦૪,૩૮૨ થઇ છે. કુલ મૃત્યુઆંક ૧,૯૫,૧૨૩ થયો છે. હાલ એકટીવ કેસ ૨૮,૧૩,૬૫૮ છે. અત્યાર સુધીમાં ૧૪,૧૯,૧૧,૨૨૩ને રસી આપવામાં આવી છે.

આ સતત પાંચમો દિવસ છે કે જ્યારે કોરોના કેસ ૩ લાખથી ઉપર ગયા હોય એટલે કે છેલ્લા પાંચ દિવસમાં ૧૫ લાખ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૪ દિવસમાં ક્રમશઃ ૩.૪૮ લાખ, ૩.૪૫ લાખ, ૩.૩૨ લાખ, ૩.૧૫ લાખ કેસ સામે આવ્યા છે.

જો કે કોરોનાના કેસ બધા રાજ્યોમાં વધતા ગયા છે પણ દિલ્હી, યુપી અને મહારાષ્ટ્ર એવા રાજ્યો છે જ્યાં સ્થિતિ ગંભીર છે. આ રાજ્યોમાં બેડ અને ઓકસીજનની અછત જોવા મળી રહી છે.

મહારાષ્ટ્રમાં રોજ ૬૦,૦૦૦થી વધુ કેસ સામે આવી રહ્યા છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે. રાજયમાં રવિવારે નવા ૧૪૨૯૬ કેસ નોંધાયા. આ સાથે ૬૭૨૭ લોકો રિકવર પણ થયા. એક જ દિવસમાં રાજયમાં કોરોનાથી ૧૫૭ દર્દીઓના મૃત્યુ થયા છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં ૫૮૬૪, ત્યારબાદ સુરતમાં ૨૧૦૩, વડોદરામાં ૭૬૦ અને રાજકોટમાં ૬૭૪ નવા દર્દીઓ નોંધાયા છે. રાજયમાં કોરોનાના કુલ  કેસની સંખ્યા ૪,૯૬,૦૩૩ પર પહોંચી છે. જયારે ૩,૭૪,૬૯૯ લોકો રિકવર થયા છે. હાલ રાજયમાં ૧,૧૫,૦૦૬ એકિટવ કેસ છે. કુલ ૬૩૨૮ લોકોએ અત્યાર સુધીમાં કોરોનાથી જીવ ગુમાવ્યા છે.

(10:53 am IST)