Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

બિહારે અમદાવાદથી 14000 રેમડેસિવિર મગાવતા રાજકારણ ગરમાયું

મુખ્યમંત્રીએ સ્પેશ્યલ વિમાન મોકલીને અમદાવાદથી 14000 રેમડેસિવિર દવા તાત્કાલિક લાવવાનો આદેશ આપ્યો: બિહારના CMO ના ટ્વીટથી રાજકારણ ધગ્યું : કોંગ્રેસે કહ્યું ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો

અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસના આંકડાઓ દિવસે દિવસે વધતા જોવા મળી રહ્યા છે. જો કે, બીજી બાજુ કોરોનાના ગંભીર લક્ષણો તથા ઘણા લોકોને ઓક્સિજનની તકલીફ હોવાના કારણે તેઓને સારવારમાં રેમડેસિવિર ઈન્જેકશન આપી તેઓના જીવ બચાવવાના ડોક્ટરો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આ ઈન્જેક્શનની ભારે અછત જોવા મળી રહી છે અને દર્દીઓના સગા સંબધીઓ ફાફા મારતા જોવા મળી રહ્યા છે. તો સરકાર દ્વારા અમદાવાદથી 14 હજાર રેમડેસિવિર ઈન્જેક્શન બિહાર મોકલવામાં આવ્યા હોવાની ચર્ચાઓ ખુબ જ જોર પકડ્યું છે. આ મામલે કોંગ્રેસ પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.

હકીકતમાં બિહારના CMOના ટ્વીટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરાયું છે. જેમાં લખવામાં આવ્યું છે, માનનીય મુખ્યમંત્રીએ સ્પેશ્યલ વિમાન મોકલીને અમદાવાદથી 14000 રેમડેસિવિર દવા તાત્કાલિક લાવવાનો આદેશ આપ્યો છે. જેના પર ગુજરાત કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે બિહારના CMOના ટ્વીટ પર ગુજરાત સરકારને આડેહાથ લેતા લખ્યું છે, ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો… ગુજરાત બચાઓ…અહીં ગુજરાતના લોકો દર દર ભટકે છે અને સરકાર મોટા ભા થવા સખાવતો કરે છે.

જો કે, 14 એપ્રિલે જ યુપી સરકારે સ્પેશ્યલ વિમાન મોકલીને અમદાવાદથી લખનઉમાં રેમડેસિવિરના 25,000 ઈન્જેક્શનનો જથ્થો મગાવ્યો હતો. ઉત્તર પ્રદેશના CMO ઓફિસ તરફથી આ મામલે ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેમાં લખ્યું હતું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં રેમડેસિવિરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સ્વાસ્થ્ય વિભાગને અમદાવાદથી 25,000 ઈન્જેક્શનનો ડોઝ તાત્કાલિક મગાવવા માટે આદેશ આપ્યો છે. આજે સાંજ સુધીમાં (14 એપ્રિલ) આ ઈન્જેક્શનનો જથ્થો રાજ્યમાં પહોંચી જશે. જોકે હકીકતમાં આ દિવસે બપોરે જ મુખ્યમંત્રી રૂપાણીએ જાહેરાત કરી હતી કે સરકાર કોઈપણ ભાજપ શાસિત રાજ્યોમાં રેમડેસિવિરનો જથ્થો આપશે નહીં. જોકે સરકાર ત્યારે જ ખોટી સાબિત થઈ ગઈ હતી.

 

DRDO તથા સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં આખરે આજથી ધન્વંન્તરી કોવિડ હોસ્પિટલ શરૂ તો થઇ ગઇ છે. પરંતુ પ્રથમ દિવસે જ તંત્રની જડતાનો અનુભવ પ્રજાને થયો હતો અને પોતાના જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતાં સ્વજનોને આમથી તેમ લઇને ફરવા મજબૂર થઇ ગયા છે. દુખની વાત તો એ છે કે, આ તંત્રની જડતાના કારણે જ ધન્વંતરી હોસ્પિટલની બહાર જ બે દર્દીઓએ દમ તોડયો હતો. જો કે આ ઘટના બહાર બની હોવાથી આ વાતને સત્તાવાર સમર્થન મળતું નથી.

(12:00 am IST)