Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ચિદમ્બરમે પુત્રની મદદ કરવા કહ્યું હતું : ઈન્દ્રાણી મુખજી

કાર્તિએ પૈસાની માંગ કરી હતી : ઈન્દ્રાણી મુખજીનો ધડાકો : ચિદમ્બરમની સાથે તેમની મુલાકાત થઈ હતી : અહેવાલ

નવી દિલ્હી,તા. ૨૨ : આઈએનએક્સ મીડિયા મની લોન્ડિંગ કેસમાં ઈન્દ્રાણી મુખર્જીને તપાસ સંસ્થાઓને આપેલી જુબાનીમાં કહ્યું છે કે, પૂર્વ નાણાંમંત્રી ચિદમ્બરમ સાથે તેમની મુલાકાત થઈ હતી. ચિદમ્બરમે તેમના પુત્રના બિઝનેસમાં મદદ કરવા માટે કહ્યું હતું. ઈન્દ્રાણીની સાથે વાતચીતનો વિડિયો સપાટી પર આવ્યો છે. વિડિયોમાં ઈન્દ્રાણી એમ કહેતા નજરે પડી રહ્યા છે કે, તેમની ચિદમ્બરમની સાથે મુલાકાત થઈ હતી. કાર્તિને મળવા અને મદદની વાત પણ ઈન્દ્રાણીએ સ્વીકાર કરી છે. વિડિયોમાં શરૂઆતમાં ઈન્દ્રાણી એમ કહેતા નજરે પડી રહ્યા છે કે આવતીકાલે તમામ બાબતો જાણવા મળી જશે ત્યારબાદ મુલાકાતની વાત પણ સ્વીકારતા નજરે પડે છે.

       ચિદમ્બરમને ૨૦૦૮માં મળ્યા હતા કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં ઈન્દ્રાણી કબુલ કરતા નજરે પડે છે. ચિદમ્બરમની સાથે ૨૦૦૭માં મુલાકાત થઈ હતી. એ વખતે નોટ બ્રોકમાં મુલાકાત થઈ હતી કે કેમ તે અંગે પુછવામાં આવતા ગુપ્ત બાબત હોવાની વાત કરવામાં આવી હતી. પુત્રની મદદ કરવા માટે ચિદમ્બરમે કહ્યું હતું કે કેમ તે અંગે પુછવામાં આવતા ઈન્દ્રાણીએ હા માં જવાબ આપ્યો હતો. ઈન્દ્રાણી મુખર્જીએ અનેક પ્રકારના જવાબ આપ્યા હતા. ઈન્દ્રાણીની બાબતોને આધાર બનાવીને આગળ વધવાનો પણ કોંગ્રેસ પાર્ટીએ આક્ષેપ કર્યો છે. ચિદમ્બરમ પોતાના વકીલોને વારંવાર કહી રહ્યા છે કે, ઈન્દ્રાણી ખોટુ બોલી રહ્યા છે. આવા પ્રશ્નના જવાબમાં ઈન્દ્રાણીએ કહ્યું હતું કે, ચિદમ્બરમ શું કહે છે તેનાથી કોઈ અસર થતી નથી. કોંગ્રેસે આજે ઈન્દ્રાણી મુખર્જીને લઈને પણ પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, ઈન્દ્રાણી પોતે પુત્રીની હત્યાના મામલામાં આરોપી તરીકે છે અને હાલમાં જેલમાં છે.

(8:50 pm IST)