Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

પાકિસ્તાનમાં કંઇક રંધાઇ રહ્યું છે

સૈન્ય વડા બાજવાને મળ્યા બાદ ઇમરાન રજા ઉપર ઉતરી ગયાઃ તખ્તાપલટની ચર્ચાઓ

ઇસ્લામાબાદ તા.૧૮: પાકિસ્તાનના રાજકીય ગલીચારામાં ઇમરાન સરકાર પર ઘેરાયેલા અનિશ્મીતતાના વાદળો ચર્ચાના કેન્દ્રમાં છે વડાપ્રધાન ઇમરાન ખાનની સરકારને ટેકો આપી રહેલા અન્ય પક્ષોનું વલણ અને સેનાના વડા સાથે ઘણા સમય પછી ઇમરાનની મુલાકાતમાં બંન્નેની ભાવભંગિમાઓ અને તેના પથી તરતજ ઇમરાનનું બે દિવસની રજા પર જવું આ બધાના લીધે ચર્ચાને નવું બળ મળ્યું છે.

''જંગે'' પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે સૈન્યના વડા જનરલ કમર જાવેદ બાજવા અને ઇમરાનખાનની બે મહિના પછી થયેલી મુલાકાત પર રાજકીય અને રણનૈતિક બાબતોના નિષ્ણાતોની નજર હતી. તે એ વાતની નોંધ લીધી કે મુલાકાત દરમ્યાન બંન્ને હસ્તીઓની બોંડી લેંગ્વેજમાં ફેર હતો અને તે સામાન્ય નહોતી.

આ મુલાકાત પછી, પોતાના બધા સરકારી કામકાજો રોકીને ઇમરાનનું બે દિવસની રજા પર જવું પણ લોકોના ધ્યાનમાં આવ્યું હતું. ઇમરાને સત્તા સંભાળ્યા પછી છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી એક પણ રજા નથી લીધી. તેમને જાણનારાઓ જણાવે છે કે જેટલો સમય તે જાગે છે, ઓફીશ્યલ કામમાં જ લાગેલા હોય છે. તેમની રજા મુકવાની કોઇ પૂર્વ જાહેરાત પણ નહોતી.

અખબારના રિપોર્ટમાં કહેવાયુ છે કે આમ અચાનક રજા પર જવાનું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે સોશ્યલ મીડીયા પર કેટલાક લોકોએ લખ્યું કે ઇમરાનને પોતાના પરિવાર સાથે કયારેક તો રજા પર જવાની તક મળી. જયારે કેટલાક રાજકીય વિરોધીઓએ લખ્યું કે શ્રીમાન વડાપ્રધાન, આ બે દિવસમાં નક્કી કરી લોકે હવે તમને જે લાંબી રજા મળવાની છે તે આપ કયાં વિતાવશો.સેનાવડા અને ઇમરાનની મુલાકાત એટલે પણ ચર્ચામાં છે કે બંન્ને વચ્ચે ઘણાં સમયથી કોઇ મુલાકાત નહોતી થઇ. સાથે જ દેશમાં મોંઘવારીના કારણે અવ્યવસ્થા જેવી હાલત છે અને વિપક્ષો ઇમરાનના રાજીનામાની માંગણી સાથે આખા દેશમાં આંદોલન કરી રહ્યા છે.

(12:44 pm IST)