Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

રાજયમાં ૧,૩૦,૦૦૦ મિલિયન ઘનમીટર વરસાદી પાણી પૈકી માત્ર ૧૩% ભૂગર્ભમાં ઉતરી રહ્યું છે!

ટેલીકોમ કંપનીઓ માટે બુરેદિન, ક્‍યાંથી સરકારને ચૂકવશે આટલા બધાં રૂપિયા : રાજયની બેન્‍કોની સ્‍થિતિ - ૫.૮૪ લાખ કરોડની લોન, NPA ૩૯૦૦૦ કરોડ રૂપિયા : સરકાર સોલાર વીજળી વાપરી વધારાની ૧૦,૦૦૦ મેગાવોટ વેચવાની ફિરાકમાં

કુદરત આપણને પાણી આપે છે પરંતુ આપણે તેનો સંગ્રહ કરી શકતા નથી. વૈજ્ઞાનિકોનો અભ્‍યાસ છે કે ગુજરાતમાં પાણીની મહત્તમ જરૂરિયાત ૩૫૦૦૦ મિલિયન ઘનમીટરની છે પરંતુ કુદરત ચોમાસા દરમ્‍યાન વર્ષે સરેરાશ ૧,૩૦,૦૦૦ મિલિયન ઘનમીટર પાણી આપે છે. રાજયમાં જળસંચયની સ્‍થિતિ કમજોર હોવાથી વરસાદી ચોખ્‍ખું પાણી દરિયામાં વહી જાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે વરસાદનું ૩૧ પાણી જમીનમાં ઉતારવું જોઇએ પરંતુ કુદરતી રીતે માત્ર ૧૩ ટકા પાણી જમીનમાં ઉતરી રહ્યું છે. કુદરત આપણને દર વર્ષે વરસાદના રૂપમાં પાણીનો ખજાનો આપે છે પણ આપણે સંગ્રહ કરી શકતા નથી. ભારત અને પાકિસ્‍તાનની સરહદે આવેલું પાટણ જિલ્લાનું એવાલ ગામ પાણીની અછત અનુભવતા ગામડાઓને પ્રેરણા પુરી પાડે છે. ૭૦૦ની જનસંખ્‍યા ધરાવતા આ ગામમાં માત્ર ૧૫૦ મકાનો છે. ગામડાના પ્રત્‍યેક ઘરની બાજુમાં પાણીના મોટા ટાંકા બનાવવામાં આવ્‍યા છે જેમાં પાઇપલાઇન મારફતે વરસાદનું પાણી ભરવામાં આવે છે જે આખું વર્ષ ચાલે છે. એટલું જ નહીં નાનકડા ગામમાં ૮૦ જેટલી હવાચુસ્‍ત ટાંકીઓ છે. એવી જ રીતે અમરેલી જિલ્લાના ઇશ્વરીયા ગામની સ્‍થિતિ અલગ જ છે. આ ગામની વસતી ૨૦૦૦ લોકોની છે અને પ્રત્‍યેક ઘરમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવી વ્‍યવસ્‍થા ફરજીયાત બનાવવામાં આવી છે. ગુજરાતમાં વનસંપત્તિ ધરાવતા ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ છતાં ભૌગોલિક સ્‍થિતિના કારણે પાણી ટકતું નથી તેથી રાજયના પાણી પુરવઠા વિભાગે આદિવાસીઓના ઘરની છત પર જે વરસાદી પાણી પડતું હતું તેનો સંગ્રહ કરવા ઘરઆંગણે જ ૧૦ હજાર થી ૨૦ હજાર લીટરના ભૂગર્ભ ટાંકા બનાવ્‍યા છે. કમનસીબી એવી છે કે ગ્રામ્‍ય વિસ્‍તારમાં જળસંચયના કામો ચાલે છે પરંતુ શહેરો આ કામગીરીથી બાકાત છે. સરકારનો નિયમ હોવા છતાં બિલ્‍ડરો બોરવેલની સાથે રીચાર્જ વેલ બનાવતા નથી.

 મોબાઇલ કંપનીઓના જંગી દેવા સૌથી મોટી ચિંતા...

ભારતની ટેલીકોમ કંપનીઓ પર હાલ ૭ લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ખાસ કરીને વોડાફોન-આઇડિયા અને એરટેલના ભારત સ્‍થિત કારોબાર સામે મોટો પડકાર ઉભો થયો છે. આ બન્ને કંપનીઓને સ્‍પેક્‍ટ્રમ યુસેજ ચાર્જ અને લાયસન્‍સ ફી અંગેના ચુકાદાથી સૌથી વધારે ફટકો પડ્‍યો છે. આ કંપનીઓએ પેનલ્‍ટી, વ્‍યાજ અને ફી સહિત કુલ ૮૧,૦૦૦ કરોડ રૂપિયાની ચૂકવણી કરવી પડશે. વોડાફોને એવી માગણી કરી છે કે સરકારે અમને દેવાંની ચૂકવણી માટે રાહત આપવી પડશે અન્‍યથા અમારા બિઝનેસને વિપરિત અસર પડી શકે છે. ટેલીકોમ ક્ષેત્રની ભારતની ત્રણ મોટી કંપનીઓની સંયુક્‍ત ખોટ ૧,૦૪,૧૦૭ કરોડ રૂપિયા નોંધાઇ છે જે પૈકી દેવાના બોજ નીચે દબાયેલી રિલાયન્‍સ કોમ્‍યુનિકેશને જુલાઇ-સપ્‍ટેમ્‍બરના ક્‍વાર્ટરમાં ૩૦,૧૪૨ કરોડની ખોટ નોંધાવી છે. આ જ સમયમાં વોડાફોન-આઇડિયાએ ૫૦,૯૨૦ કરોડની ખોટ અને ભારતી એરટેલની ખોટ ૨૩,૦૪૫ કરોડ રૂપિયા થાય છે. દેશમાં ૨૦૧૬માં ટેલીકોમ ક્ષેત્રે ૧૨દ્મક વધુ કંપનીઓ હતી જેમાં હવે માત્ર ચાર વધી છે. આજે રિલાયન્‍સ જીયો ૩૫ કરોડ ગ્રાહકો સાથે નંબરવન પર છે. છેલ્લા ચાર વર્ષમાં અનિલ અંબાણીની રિલાયન્‍સ કોમ્‍યુનિકેશન, ટાટા ટેલિસર્વિસ, એરસેલ, ટેલિનોર, સિસ્‍તેમા અને વિડિયોકોન નામશેષ થઇ ચૂકી છે જે પૈકી રિલાયન્‍સ કોમ્‍યુનિકેશન, એરસેલ અને વિડિયોકોને નાદારી નોંધાવી છે જયારે ટાટા ટેલી અને ટેલિનોરને એરટેલમાં મર્જ કરી દેવામાં આવી છે. હવે જો વોડાફોન નાદાર થાય તો બેન્‍કોનું એક લાખ કરોડનું સૌથી વધુ એનપીએ બનશે.

 ૩૦,૦૦૦ મેગાવોટ ક્‍લીન એનર્જીનું લક્ષ્યાંક

ગુજરાત સરકારે ૨૦૨૨ સુધીમાં તેની ક્‍લીન વીજળી (રિન્‍યુએબલ એનર્જી)નું ઉત્‍પાદન ૩૦,૦૦૦ મેગાવોટ થવાની ધારણા રાખી છે પરંતુ ઉર્જા વિભાગના સૂત્રો કહે છે કે રાજયમાં ૨૦,૦૦૦ મેગાવોટની વીજળી વાપરીને ૧૦,૦૦૦ મેગાવોટની વીજળી બીજા રાજયોને વેચી દેવામાં આવશે. અત્‍યારે રાજયમાં પવન ઉર્જા થકી ૬૮૮૦ મેગાવોટ અને સોલાર ક્ષેત્રે ૨૬૫૪ મેગાવોટની વીજળી પેદા થાય છે. રાજયમાં વીજળીની કુલ સ્‍થાપિત ક્ષમતા ૩૨૭૪૮ મેગાવોટની છે જેની સામે રિન્‍યુએબલ એનર્જીની સ્‍થાપિત ક્ષમતા ૯૬૬૯ મેગાવોટ છે. મહત્‍વની બાબત એવી છે કે ગુજરાત રૂફટોપ સિસ્‍ટમ લગાવનારૂં ભારતનું પ્રથમ રાજય બન્‍યું છે. રાજયમાં અત્‍યાર સુધીમાં ૫૩૫૦૦ આવાસોમાં રૂફટોપ સિસ્‍ટમથી ૧૯૮ મેગાવોટની ક્ષમતા પેદા થાય છે. રાજય સરકારે ૨૦૨૨ સુધીમાં ૮ લાખ આવાસોમાં રૂફટોપ સિસ્‍ટમ લગાવવાનો લક્ષ્યાંક રાખ્‍યો છે. આ સિસ્‍ટમ થકી રૂફટોપમાં ૨૪૦૦ મેગાવોટની વીજળી પેદા કરાશે. ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં ધોલેરા એસઆઇઆરમાં ૯૮૦૦ હેક્‍ટર જમીનમાં ૫૦૦૦ મેગાવોટ અલ્‍ટ્રા મેગાવોટ સોલાર પાર્કનું આયોજન કરવામાં આવ્‍યું છે. સરકારે રાજયના ૩૩ લાખ જેટલા નાના અને મધ્‍યમ ઉદ્યોગોમાં સોલાર ઉત્‍પાદન શરૂ કરવાની યોજના બનાવી છે કે જેથી વીજળીમાં તેઓ આત્‍મનિર્ભર બની વધારાની વીજળી યુનિટ દીઠ ૧.૭૫ રૂપિયાના ભાવે ગ્રીડમાં આપી શકશે.

 સચિવાલયમાં એક જ પ્રશ્ન કોણ હશે નવા CS…

ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં ફરી પાછી ફેરબદલ આવી રહી છે. નવેમ્‍બરના અંતે હાલના ચીફ સેક્રેટરી ડો. જેએન સિંહ વયનિવૃત્ત થઇ રહ્યાં છે ત્‍યારે નવા ચીફ સેક્રેટરીની શોધ ચાલી રહી છે. ગુજરાત સરકારે ત્રણ નામોની પેનલ દિલ્‍હી મોકલવાની થાય છે. સચિવાલયના સૂત્રો જેએન સિંહને બીજીવાર એક્‍સટેન્‍શન મળે તેવી કોઇ શક્‍યતાનો ઇન્‍કાર કરી રહ્યાં છે ત્‍યારે ૧૯૮૪ બેચના મોસ્‍ટ સિનિયર આઇએએસ ઓફિસર અને હાલના નાણા વિભાગના અધિક મુખ્‍યસચિવ અરવિંદ અગ્રવાલને આ પદ મળે તેનો ઇન્‍કાર થઇ શકતો નથી. જો કે તેમની નિવૃત્તિ એપ્રિલ ૨૦૨૦માં હોવાથી તેઓને આ પદ મળેતો માત્ર પાંચ મહિના રહી શકશે. સૂત્રો એવું પણ કહી રહ્યાં છે કે ગુજરાતના નવા ચીફ સેક્રેટરી વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પરામર્શમાં રહીને થશે, જો તેમ થશે તો નવી દિલ્‍હીથી કોઇ સિનિયર આઇએએસ ઓફિસરને ગુજરાતમાં મોકલવામાં આવે તેવી પણ સંભાવના છે અથવા તો સરકારને અનુકૂળ હોય તેવા લાંબી રેસના ઓફિસરને સરકારના વહીવટી તંત્રનું સુપ્રીમ પદ મળી શકે છે જેમાં માન્‍યામાં ન આવે તેવું નામ પણ હોઇ શકે છે. રાજય સરકાર જે ફેરબદલ કરવાની છે તેમાં કેટલાક પ્રમોશનો પણ છે. રાજયના અગ્રસચિવમાંથી અધિક મુખ્‍યસચિવ પદના પ્રમોશન પણ આપવાના થાય છે. આ મહિનાના અંતમાં મળનારી ડિપાર્ટમેન્‍ટલ પ્રમોશન કમિટીની બેઠક પછી હાલના મુખ્‍યસચિવ જેએન સિંહની દોરવણી હેઠળ પ્રમોશન અપાશે. પ્રમોશનની પ્રક્રિયા દરમ્‍યાન ૧૯૮૮ બેચના ત્રણ ઓફિસરો - સંજય નંદન, અનુરાધા મલ્લ અને અનિતા કરવલ તેમજ ૧૯૮૯ બેચના પંકજ જોષી, કે શ્રીનિવાસ, એકે રાકેશ અને સુનયના તોમરના નામ સામે આવ્‍યાં છે.

 ૨૦૨૫ સુધીમાં ભૂગર્ભ જળ પીવાલાયક નહીં હોય...

ગુજરાતમાં ચાર ભિન્ન પ્રદેશોમાં પાણીની ગુણવત્તા અલગ અલગ જોવા મળે છે. રાજયમાં સૌથી સારૂં પાણી મધ્‍ય અને દક્ષિણ ગુજરાતમાં હોવાનું અદ્યયન થયું છે જયારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાણીની ગુણવત્તા સામે વર્ષોથી સવાલો થયાં છે. રાજયમાં સપાટી પરના અને ભૂગર્ભ જળનાસ્ત્રોત ખૂટી રહ્યાં છે. અત્‍યારે લગભગ ૫૫૬૦૦ મિલિયન ઘનમીટર એટલે કે ૩૧૮૦૦ મિલિયન ઘનમીટર સપાટી પરના જળ અને ૧૭૫૦૦ મિલિયન ઘનમીટર ભૂગર્ભજળ હોવાનો અંદાજ છે. રાજયના જળતજજ્ઞોના મતે ગુજરાતમાં ૮૮ ટકા પાણી સિંચાઇમાં વપરાય છે. ૧૦ ટકા પાણી દ્યરવપરાશમાં લેવાય અને બે ટકા પાણી ઉદ્યોગો માટે પુરૂં પાડવામાં આવે છે. અંદાજ છે કે ૨૦૨૫ સુધીમાં રાજયના મોટાભાગના જળષાોતમાં પાણીનો જથ્‍થો ચિંતાજનક રીતે ઓછો થશે જે નવી પેઢી માટે પડકારરૂપ છે. રાજયના મોટાભાગના ભૂગર્ભ જળસ્ત્રોત વન-થર્ડ વિસ્‍તાર સુધી મર્યાદિત છે. આ પ્રદેશોમાં ભૂગર્ભજળનો વધુ ઉપયોગ થતાં પ્રતિવર્ષ ત્રણ થી પાંચ મીટરના દરે પાણી ઉંડા ઉતરતાં ગુણવત્તા હલકી થતી જાય છે. રાજયમાં ભૂગર્ભજળને વ્‍યક્‍તિગત સંપત્તિ માનવામાં આવતી હોવાથી તેના દોહનમાં કોઇ મર્યાદા રહેતી નથી. બીજી તરફ કુદરતી જળાશયો અને કેનાલો પર અતિક્રમણ થાય છે. જો કે તે જથ્‍થો સરકારના હાથમાં હોવાથી તેમાં નિયંત્રણ મૂકી શકાય છે. રાજયની જનતા વધુમાં વધુ સરફેસ વોટર મેળવે તો આરોગ્‍યને ફાયદો થાય છે એટલું જ નહીં ભૂગર્ભ જળ સલામત રહે છે. સૌરાષ્ટ્ર અને કચ્‍છના દરિયાકિનારાના વિસ્‍તારોમાં ભૂગર્ભ જળ વધુ ખેંચવામાં આવતું હોવાથી સમુદ્રના પાણી દ્યૂસી જતાં જમીનમાં ખારાશનું પ્રમાણ વધે છે. અભ્‍યાસનું તારણ દર્શાવે છે કે રાજયમાં ૨૦૨૫ સુધીમાં પાણીની આયાત કરવી પડે તેવી સ્‍થિતિ ઉભી થશે કારણ કે નર્મદા કેનાલના પાણી આખા ગુજરાતને મળી શકતા નથી. સરકારે તાજેતરમાં પાણી ફાળવણીનો અગ્રતાક્રમ જાહેર કર્યો છે જેમાં પેયજળને પહેલો પ્રેફરન્‍સ આપવામાં આવ્‍યો છે. ત્‍યારપછી સિંચાઇ, જળવિદ્યુત મથક, કૃષિ, ઉદ્યોગ, પર્યાવરણ અને જળપરિવહનનો ક્રમ આવે છે.

 ગુજરાતની બેન્‍કોનું એનપીએ ૩૯૦૦૦ કરોડ...

ભારતની બેન્‍કોનું નોન પરફોર્મિંગ એસેટ (એનપીએ) વધતું જાય છે તેમ ગુજરાતની બેન્‍કોનું પણ એનપીએ વધ્‍યું છે. રાજયની બેન્‍કોએ ૫.૮૪ લાખ કરોડ રૂપિયાની લોન આપેલી છે જે પૈકી ૩૮,૫૨૦ કરોડ રૂપિયાનું એનપીએ થયું છે. જે રકમ એનપીએ થઇ છે તેમાં ૨૧૫૬ કરોડની ક્રોપ લોન છે. ૩૩૮૦ કરોડની એગ્રીકલ્‍ચર ટર્મલોન છે. ૮૬૬૫ કરોડ એમએસએમઇની લોન છે જયારે અન્‍ય પીએસની ૧૯૬૬ કરોડ મળી કુલ ૧૬૧૬૭ કરોડ રૂપિયા પ્રાયોરિટી સેક્‍ટરની એનપીએ છે. બીજી તરફ નોન પ્રાયોરિટી સેક્‍ટરની એનપીએ વધીને ૨૨,૩૫૨ કરોડ રૂપિયા થવા જાય છે. ગુજરાતમાં હાઉસિંગ લોનમાં ૭૦૭ કરોડની તેમજ એજયુકેશન લોનમાં ૫૩ કરોડ રૂપિયાની એનપીએ છે જેની સામે બેન્‍કો ડિપોઝીટ લેવામાં પાછી પડી છે. ઓછા વ્‍યાજદરના કારણે બેન્‍કોની ડિપોઝીટનો વિકાસ દર ધીમો પડ્‍યો છે. સ્‍ટેટ લેવલ બેન્‍કર્સ કમિટીના રિપોર્ટ પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતની બેન્‍કોની બેડલોનમાં ૭૦ ટકાનો વધારો થયો છે. દેશની ૧૦ રાષ્ટ્રીયકૃત બેન્‍કોના વિલિનિકરણ પછી પણ આ બેન્‍કોની એનપીએ ૯,૯૭,૩૧૧ કરોડ રૂપિયા છે. બેન્‍ક એમ્‍પ્‍લોઇઝ એસોસિયેશન કહે છે કે દેશમાં ૧.૧૨ લાખ કરોડના ૯૬૦૦ ડિફોલ્‍ટરો પાસે રૂપિયા છે છતાં તેઓ ભરવા તૈયાર નથી તેથી બેન્‍કોના નફાનું ધોવાણ થઇ રહ્યું છે. ગયા નાણાકીય વર્ષમાં રાષ્ટ્રીયકૃત બેન્‍કોએ ૧.૫૦ લાખ કરોડનો નફો કર્યો હતો જેની સામે બેન્‍કોની એનપીએમાં ૨.૧૬ લાખ કરોડનો વધારો થયો હતો તેથી બેન્‍કોની મૂડીમાંથી ૬૬ હજાર કરોડ ધોવાઇ ગયા છે.

 

સરકારી મહેમાન

-: આલેખન :-

ગૌતમ

પુરોહીત

gpurohit09@gmail.com

 

(11:35 am IST)