Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

અખનૂરમાં બ્લાસ્ટમાં એક જવાન શહીદ, ત્રણ ઘાયલ

ટ્રકમાં જવાનો જઇ રહ્યા હતા ત્યારે બ્લાસ્ટ કરાયો : સેના તરફથી વ્યાપક શોધ : ત્રણ જવાનોની હાલત ગંભીર

જમ્મુ, તા. ૧૭ : જમ્મુ કાશ્મીરના અખનૂર જિલ્લામાં આજે થયેલા એક શંકાસ્પદ બ્લાસ્ટમાં ભારતીય સેનાના એક જવાનનું મોત થયું હતું. એમ માનવામાં આવે છે કે, આ જવાન પોતાના સાથીઓની સાથે ટ્રકમાં સવાર થઇને જઇ રહ્યો હતો તે ગાળા દરમિયાન જ રસ્તામાં બ્લાસ્ટ થયો હતો. આ બનાવમાં અન્ય ત્રણ જવાન ગંભીરરીતે ઘાયલ થયા હતા. માહિતી મુજબ આ બનાવ અખનૂરમાં અંકુશરેખાની નજીક પલ્લનવાલા વિસ્તારમાં બન્યો હતો. ઘાયલ થયેલા ત્રણેય જવાનોને સેનાના ઉત્તરીય કમાન્ડ સ્થિતિ સૈન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન એક જવાનનું મોત થયું હતું. ઉધમપુર સ્થિત સૈન્ય હોસ્પિટલમાં દાખલ અન્ય ત્રણ જવાનોની હાલત ગંભીર જણાવવામાં આવી છે. તેમને તબીબોની નજર હેઠળ રાખવામાં આવ્યા છે.

                        બીજી બાજુ અખનૂરના જે વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો ત્યાં સેનાની રાષ્ટ્રીય રાયફલની ટીમોએ સુરક્ષા સંસ્થાઓના અધિકારીઓની સાથે ઉંડી શોધખોળ શરૂ કરી દીધી છે. સેના તરફથી આ બ્લાસ્ટના કારણોમાં હજુ સુધી કોઇ નિવેદન જારી કરવામાં આવ્યું નથી પરંતુ એમ માનવામાં આવે છે કે, અખનૂરમાં થયેલા બ્લાસ્ટના મામલામાં શોધખોળ ચાલી રહી છે. જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદી બાદથી પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો પહેલાથી જ તૈયાર થયેલા છે. બીજી બાજુ પાકિસ્તાન કોઇપણરીતે જમ્મુ કાશ્મીરમાં હિંસા ભડકાવવા માટે કાવતરા ઘડવામાં વ્યસ્ત છે. આજ કારણસર વારંવાર હુમલા કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આના ભાગરુપે જ શંકાસ્પદ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. જો કે, સેના તરફથી કોઇપણ પ્રકારનું નિવેદન જારી કરવામાં ન આવતા આને લઇને માત્ર અટકળો જ ચાલી રહી છે.

(12:00 am IST)