Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

સબરીમાલામાં મહિલા પ્રવેશ પર વિવાદ દશકોથી રહેલો છે

૮૦૦ વર્ષથી મંદિરનું અસ્તિત્વ રહેલું છે : રિપોર્ટ : મંદિરમાં નવેમ્બરથી જાન્યુઆરી સુધી શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે છે : બાકીના ગાળામાં મંદિર બંધ રખાય છે

નવી દિલ્હી, તા. ૧૪ : સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મામલે ફેંસલાને મોટી બેંચને મોકલી દેવામાં આવ્યો છે. હવે સાત જજની બેંચ દ્વારા અંતિમ ચુકાદો આપવામાં આવનાર છે. સબરીમાલા મંદિરના ઇતિહાસની વાત કરવામાં આવે તો કેરળના પઠનામથીટ્ટા જિલ્લાની પહાડીઓની વચ્ચે ભગવાન અયપ્પાનું મંદિર આવેલું છે જેને સબરીમાલા મંદિર નામથી ઓળખવામાં આવે છે. આ જિલ્લામાં પેરિયાર ટાઇગર અભ્યારણ પણ છે જેની ૫૬.૪૦ હેક્ટર જમીન સબરીમાલાને મળેલી છે. આ મંદિર સુધી પહોંચવા માટે ૧૮ પાવન સીડીઓને પાર કરવાની હોય છે જેના અલગ અલગ અર્થ પણ દર્શાવવામાં આવ્યા છે. આ મંદિરમાં દર વર્ષે નવેમ્બરથી જાન્યુઆરી સુધી શ્રદ્ધાળુ અયપ્પા ભગવાનના દર્શન માટે પહોંચે છે.

                    કારણ કે, સમગ્ર વર્ષ દરમિયાન આ મંદિર સામાન્ય શ્રદ્ધાળુઓ માટે બંધ રહે છે. દર વર્ષે નવેમ્બરથી જાન્યુઆરી સુધી જ શ્રદ્ધાળુઓ પહોંચે છે. મકરસંક્રાતિ ઉપરાંત અહીં ૧૭મી નવેમ્બરના દિવસે મંડલમ મકર વિલક્કુ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. મલિયાલમ મહિનાઓમા પ્રથમ પાંચ દિવસ પણ મંદિરના દ્વાર ખોલવામાં આવે છે. સબરીમાલા મંદિર આશરે ૮૦૦ વર્ષથી અસ્તિવત્વમાં છે અને આમા મહિલાઓના પ્રવેશ ઉપર વિવાદ પણ દશકો જુના છે. કારણ એ છે કે, ભગવાન અયપ્પાને બ્રહ્મચારી ગણવામાં આવે છે જેના કારણે તેમના મંદિરમાં આવી મહિલાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે જે માતા બની શકે છે. એવી મહિલાઓની વય ૧૦થી ૫૦ વર્ષ નક્કી કરવામાં આવી છે. એમ માનવામાં આવે છે કે, આ વયની મહિલાઓ પિરિયડના ગાળામાં હોવાથી શુદ્ધ હોતી નથી. ભગવાનની પાસે આ રીતે જઇ શકાય નહીં.

(7:52 pm IST)