Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

એક ડઝન નેતાઓને કાઢી મુકાયા

પેટા ચુંટણીના પરિણામો પછી બસપામાં હકાલપટ્ટી અભિયાન

લખનૌ તા. ૧૪: વિધાનસભા પેટા ચુંટણીમાં બસપાને મળેલી સખત હારથી નારાજ માયાવતીએ પક્ષમાં હકાલપટ્ટી અભિયાન શરૂ કરી દીધું છે. પેટા ચુંટણીના પરિણામો પછી બસપા પ્રમુખ અત્યાર સુધીમાં એક ડઝન નેતાઓને પક્ષમાંથી કાઢી ચુકયા છે. હજુ પણ પક્ષના કેટલાક નેતાઓ પર વીજળી પડવાની ચર્ચાથી સંગઠનમાં બેચેની ફેલાયેલી છે.

સુત્રોનું માનવામાં આવે તો માયાવતીએ લગભગ એક ડઝન નેતાઓના કામકાજની સમીક્ષાનો રિપોર્ટ મંગાવ્યો છે, સાથે જ એવા નેતાઓને પણ ચિન્હીત કરાઇ રહ્યા છે જે વિરોધી પક્ષો ઉપરાંત ભીમ આર્મીના સંપર્કમાં છે. પુષ્ઠિ થયા પછી તેમની સામે કડક કાર્યવાહી થઇ શકે છે. બહુજન સમાજના છટણી અભિયાનની સૌથી વધુ અસર પશ્ચિમ ઉત્તર પ્રદેશના નેતાઓ પર પડી છે. ગેરશિસ્તના આરોપ હેઠળ ભૂતપૂર્વ ધારાસભ્ય રવિન્દ્ર મોલ્હુ પછી મેરઠના સુનિતા વર્મા અને યોગેશ વર્માને પક્ષમાંથી કાઢી મુકાયા છે. આ ઉપરાંત ઉત્તરા ખંડના પ્રભારી રહી ચુકેલા સુનિલ ચિતોડ સહિત ચાર સીનીયર નેતાઓને કાઢી મુકવાના નિર્ણયથી બસપાના ટેકેદારો આશ્ચર્યમાં છે.

તેના સિવાય ભૂતપૂર્વ પ્રધાન નારાયણસિંહ સુમન, ભૂતપૂર્વ ધારાસભ્ય કાલીચણ સુમન, વીરૂ સુમન અને ભૂતપૂર્વ જીલ્લા પ્રમુખ ભારતેંદુ અરૂણ, મલખાનસિંહ વ્યાસ અને વિરમસિંહને પણ બહારનો રસ્તો બતાવી દેખાયો છે.

ઉલ્લેખનિય છે કે ઓકટોબરમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ૧૧ બેઠકો પર પેટા ચુંટણી થઇ હતી, જેમાં બસપા એકલા હાથે ચુંટણી સપાને નબળો પક્ષ ગણાવીને ગઠબંધન તોડી નાખ્યું હતું. પેટા ચુંટણીમાં બસપાને જાદુઇ પરિણામોની આશા હતી પણ તે એક પણ બેઠક ન મેળવી શકી જયારે સપા ત્રણ બેઠકો પર જીતી ગઇ હતી. એટલું જ નહીં બસપાની ખાસ બેઠક જલાલપુર પણ તેણે બસપા પાસેથી છીનવી લીધી હતી. આ પરિણામોથી બસપામાં ઉથલ પાથલ મચી ગઇ છે.

(3:30 pm IST)