Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

આજે વિશ્વ ડાયાબીટીસ દિવસ

જંકફુડના કારણે બાળકો બને છે ડાયાબીટીસના શિકાર

નવી દિલ્હી તા. ૧૪: આજે દેશભરમાં બાળ દિવસની સાથે સાથે વિશ્વ ડાયાબીટીસ દિવસ મનાવવામાં આવશે. આ આધુનિક સમયમાં ડાયાબીટીસ મોટાને જ નહીં પણ બાળકોને પણ ઝડપથી પોતાનો શિકાર બનાવી રહ્યો છે.

ઇન્ડીયન મેડીકલ એસોસીએશનનો દાવો છે કે યુપી ડાયાબીટીસ એસોસિએશનના ર૦૦૮ થી ર૦૧૧ના રિપોર્ટમાં એકલા ગાજીયાબાદમાં જ ૧ર ટકા લોકો ડાયાબીટીસના શિકાર હોવાનું કહેવાયું છે. એટલું જ નહીં તેમાં બાળકોની સંખ્યા વધારે છે. કેટલાક બાળકો વારસાગત રીતે તો મોટા ભાગના બાળકો જંકફુડના કારણે ડાયાબીટીસના શિકાર બન્યા છે.

આઇએમએના અધ્યક્ષ ડોકટર જીંદાલનું કહેવું છે કે ખોટી જીવન શૈલી અને ખાણી પીણીના કારણે બાળકો ડાયાબીટીસના શિકાર બની રહ્યા છે. તેમનું કહેવું છે કે બાળકોના વાલીઓએ તેમની ખાણી પીણીનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. વાલીઓ તેમના બાળકોને જંકફુડ ખાતા રોકે અને તેમના ભોજનમાં આરોગ્ય પ્રદ ચીજોને સામેલ કરે.

બાળકો ખાસ કરીને ફાસ્ટફુડના વધારે શોખીન હોય છે અને અવાર નવાર ફાસ્ટફુડ ખાવાની જીદ કરતા હોય છે. ડોકટર જીંદાલ કહે છે કે આનાથી શરીરમાં કેલરીનું પ્રમાણ વધી જાય છે અને તેનાથી મોટાપો અને ડાયાબીટીસ થાય છે. તેમણે જણાવ્યું કે બાળકોને આઉટડોર ગેમ માટે પ્રેરિત કરવા જોઇએ. તેમાં પણ સાઇકલીંગ સૌથી વધુ ફાયદાકારક છે.

બાળકોમાં ડાયાબીટીસના લક્ષણ

 વજન ઘટવું.  વારંવાર પેશાબ જવું  ઘડીએ ઘડીએ ભૂખ તરસ લાગવી  શરીરમાં નબળાઇનો અનુભવ થવો.

આ વસ્તુ ખાવી જોઇએ

 રોજ બે ગ્લાસ દુધ   રોજીંદા ખોરાકમાં તાજા ફળો  લીલી અને પાંદડાવાળી શાકભાજી.

આ વસ્તુઓ ન ખાવી જોઇએ

 બાળકોને ચોકલેટ, કોફી ન આપો.   કોલ્ડ્રીંક તો આપવું જ નહીં.   કેક, પેસ્ટ્રી, બ્રેડ, બર્ગર વગેરે.

(3:28 pm IST)