Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરે, શિવસેનાના સાંસદ સંજય રાઉતની પૂછપરછ કરો : ભાજપ

મુંબઈ ભાજપે બંનેનો નાર્કો ટેસ્ટ કરાવવાની માગ : આ કેસ સાથે સંલગ્ન પુરાવાની સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે અને તેમને નષ્ટ કરાઈ રહ્યા હોવાનો ગંભીર આરોપ

મુંબઈ, તા. ૧૦ : બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ભાજપે માગણી કરી છે કે શિવસેનાના સાંસદ સંજય રાઉત અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરેની સીબીઆઈએ પૂછપરછ કરવી જોઈએ. સાથે ભાજપે બંને નેતાઓનો નાર્કે ટેસ્ટ કરાવવાની પણ માગણી કરી છે. ભાજપના પ્રવક્તા નિખિલ આનંદે આક્ષેપ કર્યો છે કે કેસ સાથે સંલગ્ન પુરાવાની સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે અને તેમને નષ્ટ કરવામાં આવી રહ્યા છે. શિવસેનાએ સામનામાં લેખ લખીને સુશાંતના ફેન્સ, પરિવાર, બિહાર સરકાર અને બિહાર પોલીસનું અપમાન કર્યું છે. વાત સ્પષ્ટ છે કે શિવસેનાના નેતા સીબીઆઈ તપાસથી ડરી રહ્યા છે. સીબીઆઈએ સંજય રાઉત અને આદિત્ય ઠાકરેની તપાસ કરવી જોઈએ.

              તેમનો નાર્કો ટેસ્ટ પણ કરવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, શિવસેના, એનસીપી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પર સવાલ ઉઠી રહ્યા છે. માત્ર આદિત્ય સ્પષ્ટિકરણ કેમ આપે? રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ મૌન તોડવું જોઈએ. દુર્ભાગ્યપૂર્ણ છે કે મહારાષ્ટ્ર સરકાર ડર્ટી પોલિટિક્સમાં સામેલ છે. પુરાવાની સાથે ચેડા કરવામાં આવી રહી છે. શિવસેનાના સાસદ સંજય રાઉતે અગાઉ જણાવ્યું છે કે, જેવી રીતે બિહાર અને દિલ્હીમાં સુશાંત સિંહ રાજપૂતના મોત પર રાજકારણ થઈ રહ્યું છે તેનાથી મને લાગે છે કે મહારાષ્ટ્રની સરકારની વિરુદ્ધ ષડયંત્ર છે. મુંબઈપોલીસ કેસની તપાસ કરવા અને સત્યને સામે લાવવા માટે સક્ષમ છે.

(9:37 pm IST)