Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

સચિન પાયલટ તેમજ સાથીદારો પાછા કોંગ્રેસમાં ફરે તેવી શક્યતા

રાજસ્થાનના રાજકારણમાં નવો વળાંક : વિધાનસભા સત્રના પ દિવસ પૂર્વે પાયલટની રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાતથી કોંગ્રેસમાં નવા સમિકરણ રચાવાના સંકેત : કોંગ્રેસમાં ફાટાની સંભાવનાઓ

જયપુર, તા. ૧૦ : રાજસ્થાનની કોંગ્રેસ સરકારમાં સચિન પાયલટ અને તેમના સમર્થક ધારાસભ્યો દ્વારા બળવો કર્યા પછી સોમવારે વધુ એક વળાંક આવ્યો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતથી નારાજ સચિન પાયલટે કોંગ્રેસના સર્વોચ્ચ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત લેતા ફરી એકવાર ફરી એકવાર રાજકીય વાતાવરણ ઉગ્ર બન્યું છે. કોંગ્રેસ નેતૃત્વએ સચિન પાયલટની તમામ ફરિયાદોને દૂર કરવાનો વિશ્વાસ આપ્યો છે. સાથે પાયલટ અને તેમના સાથીઓ કોંગ્રેસમાં પાછા ફરે તે માટેનો માર્ગ તૈયાર થઈ ગયો છે. પહેલાં પણ એનસીઆરમાં અજાણ્યા સ્થળે સચિન પાયલટે પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. જે પછી સચિન પાયલટના મુદ્દે કોંગ્રેસ નેતૃત્વમાં બેઠકો-ચર્ચાઓ યોજાઇ હતી.

          જોકે રાહુલ અને પ્રિયંકા સાથેની સચિન પાયલટની મુલાકાત રાજસ્થાન વિધાનસભા સત્ર બોલાવ્યાના ઠીક પાંચ દિવસ પહેલા થઇ છે. સત્રમાં   અશોક ગહલોત બહુમત સાબિત કરવાનો દાવો કરી રહ્યા છે. રાજસ્થાનમાં ૧૪ ઓગસ્ટથી વિધાનસભા સત્ર શરૂ થઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ મુલાકાતની પહેલ હાઈકમાન્ડ તરફથી કરવામાં આવી હતી. પાયલટ ગ્રુપના તમામ ધારાસભ્યો સતત કહી રહ્યાં છે કે અમે પાર્ટીથી નારાજ નથી પરંતુ મુખ્યમંત્રી અશોક ગેહલોતથી નારાજ છીએ. દરમિયાન ભાજપે ૧૧ ઓગસ્ટે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. પાર્ટી ગુજરાત ગયેલા તેમના ૧૮ ધારાસભ્યોને પણ પરત બોલાવશે. મંગળવારે સાંજે વાગ્યે જયપુરની હોટલ ક્રાઉન પ્લાઝામાં ધારાસભ્ય દળની બેઠક થશે. પહેલા જેસલમેરમાં રવિવારે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં સચિન પાયલટ ગ્રુપ પર કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. ગેહલોતે ગ્રુપના સભ્યોને કહ્યું કે બળવાખોરોની વિરુદ્ધ એક્શન લેવામાં આવે. ન્યુઝ એજન્સી એએનઆઈના સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના રાજસ્થાનના પ્રભારી અવિનાશ પાંડેએ કહ્યું કે હાઈકમાન્ડની સામે બળવાખોરોની વકીલાત કરશે નહિ.

(7:37 pm IST)