Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

NCPના ૧૨ ધારાસભ્યો જોડાઇ રહ્યા છે ભાજપમાં

મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજકીય ધમાસાણ : નવાબ મલિકે કર્યો આ ખુલાસો

મુંબઇ તા. ૧૦ : મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. આ વખતે મુદ્દો એનસીપી અને ભાજપ વચ્ચેનો છે. ૧૨ એનસીપી ધારાસભ્યોના ભાજપમાં જોડાવાની ચર્ચા વચ્ચે આ અંગે પાર્ટીનું નિવેદન આવ્યું છે. NCP ના રાષ્ટ્રીય પ્રવકતા અને કેબિનેટ મંત્રી નવાબ મલિકે ટ્વીટ કર્યું છે કે એનસીપી પાર્ટીના ૧૨ ધારાસભ્યો ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે, આ સમાચારો સંપૂર્ણપણે અફવા છે અને તેમાં કોઈ સત્ય નથી.

મલિકે એમ પણ કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી પહેલા જે લોકો એનસીપી છોડીને ભાજપમાં ગયેલા હતા તેઓ પણ પાર્ટીમાં પાછા ફરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, પક્ષે આ મામલે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. આ બાબતે પાર્ટી ટૂંક સમયમાં નિર્ણય લેશે અને તમામ લોકોને માહિતી આપશે.

નવાબ મલિકના ટ્વીટનો જવાબ આપતા ભાજપના પ્રવકતા કેશવ ઉપાધ્યાયે કહ્યું કે તે સ્પષ્ટ છે કે મહાવિકાસ આઘાડીના ત્રણેય ઘટકદળો વચ્ચે કોઈ જાતનો સુમેળ નથી. દરેક વ્યકિત એક બીજાના પગ ખેંચવામાં વ્યસ્ત છે. જયાં સુધી ભાજપનો સવાલ છે, ભાજપને સરકાર પાડવામાં - ઉથલાવવામાં કોઈ રસ નથી. તેથી, ભાજપ પરનો આ આરોપ પાયાવિહોણા છે.

ધારાસભ્યો એક પક્ષથી બીજા પક્ષમાં જતા હોવાના અહેવાલો છેલ્લા કેટલાક મહિનાઓથી અવારનવાર હેડલાઇન્સ બની ચૂકયા છે. આ અગાઉ પણ કોંગ્રેસના નેતા અને મંત્રી યશોમતી ઠાકુરે સ્પષ્ટતા કરી હતી કે અમારા ધારાસભ્યોમાંથી કોઈ ભાજપના સંપર્કમાં નથી અને કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ધારાસભ્યો પણ અમારા સંપર્કમાં છે. આવી સ્થિતિમાં ભાજપે પહેલા પોતાના ધારાસભ્યોને સંભાળવા જોઈએ. જયારથી મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકાર બની છે એના વડા તરીકે ઉદ્ઘવ ઠાકરે બનીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદને શોભાવ્યું ત્યારથી આ પ્રકારના સમાચારો સતત આવી રહ્યા છે. જો કે, બાદમાં વારંવાર વિરોધનો સામનો કરવો પડ્યો છે.

(3:37 pm IST)