Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

મોડીરાત્રે નોએડાની એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં સુરક્ષા ગાર્ડ બળીને ભડથું

આગ ઇમારતના ત્રણેય માળ સુધી પ્રસરી :ત્રણ કલાકની જહેમત બાદ આગ કાબુમાં

દિલ્હી પાસે નોએડા સેક્ટર-63 ખાતે આવેલી એક ફેક્ટરીમાં ગત રાત્રીએ ભીષણ આગ લાગી હતી જેમાં સુરક્ષા ગાર્ડનું સળગી જવાના કારણે મૃત્યુ થયું છે. આ ઘટનાની જાણ થતા જ અગ્નિશામક દળની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તેણે આગને કાબુમાં લીધી હતી પરંતુ સુરક્ષા ગાર્ડને નહોતો બચાવી શકાયો.

પોલીસ દ્વારા મળતા અહેવાલ પ્રમાણે નોએડા થાણા ક્ષેત્રમાં ફેઝ-3ના સેક્ટર-63 ખાતેની બોલ પેન બનાવતી ફેક્ટરીમાં રવિવારે રાત્રે બે વાગે આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ થતાં જ અગ્નિશામક દળની 13 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આશરે ત્રણેક કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. દુર્ઘટનામાં ઘટના સ્થળે તૈનાત સુરક્ષા કર્મચારીનું દાઝી જવાના કારણે મૃત્યુ થયું છે.

અગ્નિશામક દળના મુખ્ય અધિકારી અરૂણ કુમાર સિંહે જણાવ્યું કે, થાણા ફેઝ-3 ક્ષેત્રના એચ-90, સેક્ટર-63માં એચએમ ટ્વિસ્ટ કંટેનર પ્રા. લિ. નામથી બોલ પેન બનાવતી ફેક્ટરીમાં રવિવારે રાત્રે આગ લાગી હતી જે ઈમારતના ત્રણેય માળ સુધી ફેલાઈ ગઈ હતી.

આ દુર્ઘટનામાં 23 વર્ષીય ગાર્ડ સંદીપ કુમાર આગની લપેટમાં આવી ગયા હતા અને દાઝી જવાના કારણે મૃત્યુ પામ્યા હતા. પોલીસે મૃતકના શબને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે અને આગ લાગવાનું કારણ શોધવા તપાસ ચાલી રહી છે.

(12:15 pm IST)