Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

રાજસ્થાનના ભાજપના ૬ ધારાસભ્યો સાસણ-ગીરના રિસોર્ટમાં હોવાની સંભાવના

કાલે સીધા જ વિધાનસભામાં પહોંચી જશે : અજ્ઞાત સ્થળે હોવાની પણ ચર્ચા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા. ૧૦ : રાજસ્થાનથી આવેલા ભાજપના ૬ ધારાસભ્યો સાસણ-ગીરના રિસોર્ટમાં હોવાની સંભાવના છે. જોકે તેઓ કયાં રિસોર્ટમાં રોકાયા છે તે અંગે પોલીસ કે તંત્રને કોઇ જાણ નથી.

રાજસ્થાનમાં રાજકીય કટોકટી ખાળવા માટે કાલે સીધા જ વિધાનસભામાં પહોંચશે.

રાજસ્થાનના ૬ ધારાસભ્યો શનિવારની રાત્રીના સાડા આઠ વાગ્યા આસપાસ સોમનાથ પહોંચેલ સ્થાનિક ભાજપ સંગઠનના મહામંત્રી માનસિંહ પરમાર, દેવાભાઇ ઘારેચા, ભરત ચોલેરા, કપીલ મહેતા સહિતના નેતાઓએ સ્વાગત કર્યું હતું. છએય ધારાસભ્યોનું રાત્રી રોકાણ સોમનાથના સાગરદર્શનમાં હોવાથી છ રૂમો પણ બુક હતા. જો કે, ધારાસભ્યોએ પ્રથમ રાત્રીના દર્શન કરેલ ત્યારબાદ સાગરદર્શનમાં ભોજન કરી આરામ કરી રહેલ હતા. દરમિયાન મોડી રાત્રે બેથી ત્રણ વાગ્યા આસપાસ તમામ છએય ધારાસભ્યોને સોરઠના એક ભાજપના આગેવાનો લઇ અન્ય સ્થળે રવાના થઇ ગયા હતા. જોકે આ માહિતી વહેલી સવારે બહાર આવતા ચકચાર પ્રસરી ગઇ હતી. રાજસ્થાનના ધારાસભ્યોને કયાં સ્થળે લઇ જવાયા તે અંગે દિવસભર ચર્ચાનો દોર ચાલ્યો હતો. જેમાં જુદા-જુદા સ્થળોની વિગતોની ચર્ચાઓ થઇ રહી હતી. જેમાં પ્રથમ ધારાસભ્યોને સાસણના ગીર જંગલ વિસ્તારમાં આવેલા અસંખ્ય ફાર્મહાઉસ પૈકીના કોઇ એકમાં રખાયા હોવાની અને ત્યારબાદ ધારાસભ્યોને પોરબંદરની નજીકના ઘેડ પંથકમાં કોઇ હોટલ - રીસોર્ટ કે ભાજપના આગેવાનના ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા હોવાની ચર્ચાઓ સૂત્રોમાં ચાલી હતી.

(12:31 pm IST)