Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

લોકલ ટ્રેનમાં ચોરાયેલું વોલેટ પ્રવાસીને ૧૪ વર્ષ બાદ મળ્યું

મુંબઇ તા. ૧૦ : લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે ચોરાઇ ગયેલું વોલેટ ૧૪ વર્ષ બાદ પ્રવાસીને ફરી મળ્યું હોવાનો આશ્ચર્યજનક બનાવ તાજેતરમાં બન્યો હતો. હેમંત પડળકર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી પનવેલ લોકલમાં પ્રવાસ કરી રહ્યા હતા તે સમયે ૨૦૦૬માં તેમનું વોલેટ ચોરાઇ ગયું હતું, જેમાં ૯૦૦ રૂપિયા હતા. આ વર્ષે એપ્રિલમાં વાશી ગવર્મેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)એ કોલ કરીને પડળકરને જાણ કરી હતી કે તેમનું વોલેટ મળી ગયું છે. જોકે, લોકડાઉનને કારણે પડળકર તેમનું વોલેટ લેવા જઇ શકયા નહોતા. લોકડાઉન હળવું કરવામાં આવ્યા બાદ તાજેતરમાં પનવેલના રહેવાસી પડળકરે વાશી જીઆરપી ઓફિસમાં ગયા હતા. આ અંગે પડળકરે જણાવ્યું હતું કે 'મારૃં વોલેટ ચોરાયું ત્યારે તેમાં ૫૦૦ રૂપિયાની એક નોટ સહિત કુલ ૯૦૦ રૂપિયા હતા.વાશી જીઆરપીએ મને ૩૦૦ રૂપિયા પરત કર્યા હતા. ઉપરાંત સ્ટેમ્પ પેપર વર્કના ૧૦૦ રૂપિયા કાપ્યા હતા. બાદમાં તેઓ ૫૦૦ રૂપિયાની જૂની નોટ બદલીને તેની જગ્યાએ નવી નોટ આપશે.' જીઆરપીના અધિકારીએ જણાવ્યું હતું કે પડળકરનું વોલેટ ચોરનાર ચોરની થોડા સમય પહેલા જ ધરપકડ કરવામાં આવી હતી. ચોર પાસેથી પડળકરનું વોલેટ અને તેમાંથી ૯૦૦ રૂપિયા મળી આવ્યા હતા.

(10:08 am IST)