Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

હરીયાણામાં નિઃસંતાન દંપત્તિએ સંતાનની કમી પૂરી કરવા માસુમ બાળકનું અપહરણ કર્યું: બંને ઝડપાઇ ગયા

નવી દિલ્હી: હરિયાણામાં રહેતા એક દંપત્તિને કોઈ સંતાન નહતું. જીવનમાં પોતાની આ કમી પૂરી કરવા માટે તેમણે બીજાના માસૂમ બાળકનું અપહરણ કરી લીધુ. ત્યારબાદ તેઓ બાળકને લઈને ગોવા ફરાર થવાના હતાં પરંતુ તે પહેલા જ પોલીસે દંપત્તિને નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પર દબોચી લીધા. પોલીસે બાળકને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધુ છે. ધરપકડ કરાયેલા દંપત્તિની ઓળખ પંચકુલાના રહીશ કવિતા અને દિનેશ તરીકે થઈ.

ડીસીપી (રેલવે) હરેન્દ્રકુમાર સિંહના જણાવ્યાં મુજબ હજરત નિઝામુદ્દીન પોલીસને 25 ડિસેમ્બરના રોજ એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. મહિલા મધ્ય પ્રદેશના સતના જિલ્લાની રહીશ હતી. મહિલાએ જણાવ્યું કે તે ટ્રેન પકડવા આવી હતી. તેમના ગામમાં એક લગ્ન હતાં. જેના કારણે તે ત્યાં જઈ રહી હતીં. પતિ નોકરીના કારણે પાછળથી લગ્નમાં સામેલ થવાના હોવાથી તે એકલી જઈ રહી હતી. તે સ્ટેશન પર મહાકૌશલ એક્સપ્રેસ ટ્રેનની રાહ જોઈ રહી હતી. આ દરમિયાન એક મહિલાએ તેને જણાવ્યું કે આ ગાડી તો બીજા પ્લેટફોર્મ પર આવશે. મહિલા પાસે સામાન વધુ હતો. ગોદમાં એક પુત્ર હતો. સાથે 5-6 વર્ષની પુત્રી પણ હતી.

આથી મહિલા માટે એકલે હાથે સામાન પ્લેટફોર્મથી હટાવવાનું મુશ્કેલ હતું જેને લઈને તેણે તે મહિલા પાસે મદદ માંગી. મહિલાને પુત્ર સોંપતા કહ્યું કે તે સમાન લઈને જઈ રહી છે તો તે પુત્રને લઈને આવે. કહેવાય છે કે મદદ કરવા સુધી તો આરોપી મહિલાના મનમાં કોઈ ખોટી વાત નહતી. તેનો ઈરાદો પણ ખોટો નહતો. પરંતુ પુત્ર ગોદીમાં આવતા જ તેનું માતૃત્વ છલકાયું અને તે પુત્રને લઈને પીડિત મહિલા આવે તે પહેલા જ ત્યાંથી રફુચક્કર થઈ ગઈ. સૂચના મળતા જ એસએચઓ પ્રવીણકુમારની દેખરેખમાં ટીમ બનાવવામાં આવી.

પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા અને તેમાં તેમને મહિલા પર શક ગયો. પોલીસે ટેક્નિકલ સર્વિલાન્સ દ્વારા બુધવારે તે વખતે કવિતા અને દિનેશને ઝડપી લીધા. આ બંને ગોવા જવા માટે ટ્રેન પકડવા આવ્યાં હતાં.

(4:46 pm IST)